Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેંકનો રાજકોટમાં પ્રારંભ

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી : દાનમાં મળેલી સ્કીન પ વર્ષ સુધી સાચવી શકાય તેવી સુવિધા સ્કીન બેંકમાં ઉપલબ્ધ : દાઝી ગયેલા દર્દીઓને ડોનેટ થયેલી સ્કીન લગાવી શકાશે : મૃત્યુ પછી અન્ય અંગોની જેમ ચામડીનું પણ દાન કરવા પત્રકાર પરિષદના માધ્યમથી લોકોને અપીલ : દેશની ૧૮ મી અને રાજયની પ્રથમ સ્કીન બેંકનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ

રાજકોટ તા. ૨ : સમગ્ર દેશમાં ૧૮ મી અને ગુજરાતમાં સૌપ્રથમ સ્કીન બેંકનો આજથી રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવાયો હતો.

આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવાયુ હતુ કે સમગ્ર વર્ષ દરમિયાન લગભગ ૭૦ થી ૮૦ લાખ લોકો સાથે દાઝી જવાના બનાવો બને છે. જેમાં ૭૦% થી વધારે દદી સરેરાશ ૧૫ થી ૪૦ ની વયના હોય છે. આવા દાઝી ગયેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી લાંબા સમય સુધી ડ્રેસીંગ પ્રક્રીયા ચાલતી હોય છે. જે ખુબ ખર્ચાળ રહે છે. પરંતુ હવે દાનમાં મળેલી ચામડી તેમને લગાવી આ ડ્રેસીંગ પીરીયડનો ગાળો ઘટાડી તેમને ખુબ રાહત આપી શકાશે.

સ્કીન બેંકમાંથી જરૂરીયાતવાળા દર્દીઓને ખુબ રાહત દરે સ્કીન ઉપલબ્ધ કરાવવા પ્રયાસો થશે. સ્કીન બેંક ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ચાલુ રહેશે. જેમાં સ્કીન ડોનેટ કરવા લોકોએ આગળ આવવા આ પત્રકાર પરિષદના માધ્યમથી અપીલ પણ કરાઇ હતી.

કોઇપણ વ્યકિત મૃત્યુ પામે ત્યારે તેના શરીર પરની ચામડી ૬ કલાકની અંદર યોગ્ય પ્રોસેસના આધારે લઇ લેવામાં આવે તો તેને આવી સ્કીન બેંકમાં યોગ્ય તાપમાન મેઇનટેન કરીને પ વર્ષ સુધી સાચવી શકાય છે.

કોઇ વ્યકિતના શરીર પરથી ચામડી લેવાની પ્રક્રિયા અંદાજીત ૪૫ મીનીટ સુધી ચાલે છે. ચામડી લીધા બાદ ેતેને યોગ્ય ડ્રેસીંગ કરી અપાઇ છે. જેથી શરીર પર ખુલ્લા ઘાવ કે બેડોળ દેવાની કોઇ શકયાતા રહેતી નથી. મોટે ભાગે બન્ને હાથ, બન્ને પગ અને થાપાની પીંડીની ચામડી ઉપયોગમાં લઇ શકાય છે.

માત્ર એચ.આઇ.વી. પોઝીટીવ કે હેપેટાઇટીસ બી, ઝેરી કમળો કે કેન્સરના દર્દીઓની ચામડી ઉપયોગમાં લઇ શકાતી નથી. બાકી કોઇપણ ઉંમરની અને કોઇપણ જ્ઞાતિ વર્ણની વ્યકિતની ચામડી દાનમાં લઇ કોઇપણ ઉંમરની કે કોઇપણ જ્ઞાતિ વર્ણની વ્યકિતને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

રાજકોટ ખાતે આજે સવારે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, શાસ્ત્રી મેદાન સામે આવેલ બિલ્ડીંગમાં રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ સ્કીન બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

સમારોહને સફળ બનાવવા ડો. કેતન બાવીસી, અમિત રાજા, સંજીવ નંદાણી, રવિ છોટાઇ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન દીપકભાઇ નારોલા, વાઇસ ચેરમેન એ. આર. ભપલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.આ તકે રોટરી કલબ રાજકોટ ગ્રેટરના પ્રેસીડેન્ટ પરેશ કાલાવડીયા, સેક્રેટરી હીતેશ સાપોવડીયાએ સમાજના દરેક વર્ગના લોકોને સ્કીન ડોનેટ કરવા અપીલ કરી હતી. વધુ માહીતી માટે રોટરી ગ્રેટર સ્કીન બેંક મો.૯૦૯૦૯ ૦૫૫૫૬ અથવા મો.૭૬૦૦૮૧ ૧૭૭૭૬ ઉપર સંપર્ક કરી શકાશે.

તસ્વીરમાં પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવી રહેલા ડો. કેતન બાવીશી, ભાવેશ મહેતા, યશ રાઠોડ, રવિ છોટાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:16 pm IST)