Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વધતી મોંઘવારીથી સામાન્ય માણસને ઘર ચલાવવું મુશ્કેલ : ભીખાભાઈ બાંભણિયા

રાજકોટ તા. ૩૦ : જસદણનાં પૂર્વ ધારસભ્ય ભીખાભાઈ બી બાંભણિયાની યાદી જણાવે છે કે હાલમાં દરરોજ ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે.જેના પરિણામે વપરાશની વસ્તુમાં ભાવવધારો થાય છે.જેથી નીચેના વર્ગના લોકોને તથા રૂ.૩૦૦થી રૂ.૪૦૦ કમાનાર વ્યકિત માટે કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યુ છે. મોંઘવારી ફકત કર્મચારીઓ, હોદ્દેદારો અને ધારાસભ્યો ને જ નડતી હોય તેવું લાગે છે. જેથી મોંઘવારી ભથ્થા તેમજ અન્ય સવલતોમાં વધારે લાભ આપવા માં આવે. અન્ય સમાજના લોકોની શું પરિસ્થિતિ છે તે જાણવાની સત્તાધીશોને નવરાઈ નથી. ધારાસભ્યને માસિક રૂ. ૨ લાખ જેટલા રકમ પગાર ભથ્થા વાહન ભાડા પેટે ચૂકવતી હોવી જોઈએ.

મોટાભાગના ધારાસભ્યો કરોડોના આસામી હોવાની વાત છે.જેથી તેઓને કોઈ પણ પ્રકારની સવલત આપવામાં નહિ આવે તો પણ જનતાની સેવા કરવા માટે ધારાસભ્યો બનવા તૈયાર થશે. ધારાસભા સત્ર દરમિયાન કે સમિતિની મીટીંગ વખતે તેઓને સિટિંગ ફી વાહન ભાડા ભટથા આપવા જોઈ એ કારણ કે તેઓ પગારદાર નોકરિયાત નથી. કરોડો રૂપિયાનું ભારણ ઘટી શકે છે. સરકાર કરજદાર હોવાથી આવક માટે ડીઝલ - પેટ્રોલના ભાવ કે મોંઘવારી ઘટાડવાના પ્રયાસ કરવા માંગતી નથી. કરજ ઓછું કરવા માટે સરકાર તરફ થી થતા બિનજરૂરી કાર્યક્રમો, તાયફા, જાહેરાતો, પ્રસિદ્ઘિ વિગેરેના ખર્ચ સદંતર બંધ કરવા જોઈએ. ફકત સત્તા મેળવવાની લાલસા માટે થતા બિનજરૂરી ખર્ચો લાંબા સમયે લોકશાહી તથા સામાન્ય પરિવારના જીવનધોરણ માટે ખતરા રૂપ સાબિત થશે.

કર્મચારી કે અધિકારીઓની ૩૦ વર્ષની નોકરી ૫૫ વર્ષની ઉંમર થયે પગાર ધોરણમાં કે તે સિવાય ની અન્ય સવલતો નિવૃત્તિ બાદની પેન્શન યોજના મોંઘવારી તથા બંધ કરવા જોઈએ અથવા સ્થગિત કરવાની વિચારણા કરવી હોય એ તેમજ વયમર્યાદા ઘટાડવી જોઈએ. જેથી શિક્ષિત બેકારો ને નોકરી આપી શકાય અને ખર્ચ ઘટાડી શકાય. નિવૃત્ત થયા પછી ફરજ પર ચાલુ રાખવાની પ્રથા બંધ થવી જોઈએ. અમુક રકમના પગાર ધોરણ પછી ફિકસ પગાર નક્કી કરવાની જોગવાઈ કરવી જોઈએ.૩૧ મી ઓકટોબર સરદારની જન્મ જયંતીની ઉજવણી કરવાની છે ત્યારે રાજકીય નેતાઓએ તેમાંથી સાદગીનો બોધપાઠ લેવો જોઈએ તેમ અંતમાં જસદણનાં પૂર્વધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાની યાદી જણાવે છે.

(3:17 pm IST)