Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આવી દિવાળીઃ તમસો મા જયોતિર્ગમય ''તમસો મા જયોતિર્ગમય''

હર ત્યોહાર કૂછ કહેતા હૈ... દિપાવલી આવે એટલે મનમાં ઉમંગ અને આનંદ છવાય છે

એટલે કે, પ્રકાશ તરફ પ્રસ્થાન કરીએ. આપણે દિવાળી કહીએ છીએ એ ખરેખર દિપાવલી છે. દિપાવલીનો અર્થ થાય છે દિપ એટલે કે દિવાની પંકિત, હારમાળા. દિપાવલીનો અર્થ જોઈએ તો 'દિપ' એટલે દિવો અને 'આવલી' એટલે પંકિત કે હારમાળા. ઉજાસ અને ઉમંગના પ્રકાશની હારમાળા સર્જાય છે તે જ રીતે પર્વની હારમાળા એટલે દિવાળી. વાઘબારસથી ભાઈબીજ સુધી છ દિવસની પર્વમાળાની ઉજવણીનો ઉત્સાહ એક મહિના પહેલાં જ અનુભવાય છે. નવરાત્રિમાં આદ્યશકિતની આરાધના થતી હોય ત્યારથી જ ઘર-ઘરમાં દિપાવલીની તૈયારી શરૂ થઈ જાય છે. આ વર્ષે કોરોના રોગચાળામાંથી મુકિતની શુભકામના સાથે લોકોનો ઉત્સાહ છલકી રહ્યો છે અને દિપાવલી પર્વમાળાની ઉલ્લાસભરી ઉજવણીનો પમરાટ સાર્વત્રિક વ્યાપી વળ્યો છે.

 અસતો મા સદ્ગમય, તમસો મા જયોતિર્ગમય

વિશ્વભરમાં વસેલા હિન્દુસમાજ માટે દિપાવલી પર્વમાળાનું ધાર્મિક મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, ધાર્મિક મહત્વ વનવાસ પછી ભગવાન શ્રીરામના ગૃહ-આગમન સાથે જોડાયેલું છે. ભગવાન શ્રીરામ લંકામાં લંકાપતિ રાવણ પર વિજય મેળવી અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ હર્ષભેર ઘીના દીવાઓ કરી નગરીને ઝળાંહળાં કરી હતી. આખા નગરને દીપાવલીથી પ્રકાશમાન કરી હતી. દીપાવલી એ અંધકારમાંથી અજવાળામાં જવાનું પ્રતિક છે, અસત્ય પર સત્યનાં વિજયનું પણ પ્રતિક છે. દીપાવલીનો તહેવાર 'અસતો મા સદ્ગમયઃ, તમસો મા જયોર્તિગમર્યના ઉદ્દેશ્યને ઉજાગર કરે છે. મતલબ, 'હે પ્રભુ, અમને અસત્યથી સત્ય તરફ લઈ જાઓ, અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ.' દિપાવલી એ સ્વચ્છતા અને પ્રકાશનું પ્રતિક છે.

 ગુજરાતી નવું વર્ષ... વિક્રમ સંવત

દિપાવલી પર્વમાળા સાથે જ ગુજરાતી નવા વર્ષનો આરંભ પણ થાય છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુકત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.  હિંદુ ધર્મના વૈદિક પંચાંગ પ્રણાલી પ્રમાણે વિક્રમ સંવત એ વર્ષનું નામ છે. ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે. દિપાવલીએ વેપારી વર્ગ ચોપડાપૂજન કરે છે. કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા જળવાઈ રહી છે. આ પછી બેસતા વર્ષે ગુજરાતી સમાજમાં એકબીજાને નૂતન વર્ષાભિનંદન કરવાની પરંપરા છે. દિપાવલી પર્વમાળાના પ્રત્યેક દિવસનું ધાર્મિક મહત્વ જાણવા જેવું છે.

વાઘબારસઃ- દિવાળીના તહેવારની શરૂઆત વાઘબારસથી થાય છે. લોકવાયકા મુજબ ભગવાન વિષ્ણુએ વાઘના સ્વરૂપવાળા રાક્ષસનો વધ કર્યો હોવાથી આ દિવસ વાઘબારસ તરીકે ઊજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસઃ- દીપાવલી તહેવારની પર્વમાળામાં તેરસને ધનતેરસ કહેવાય છે. ધનત્રયોદશી એટલે કે ધનતેરસે પરંપરાગત રીતે સુવર્ણ અને ચાંદીના આભૂષણો તેમજ વાસણોની ખરીદી કરવાનો રિવાજ છે. સંધ્યા સમયે ઘરનાં મુખ્યદ્વાર પર દીપ પ્રગટાવી ભગવાન ગણપતિ અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે ચિકિત્સકો ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણો અનુસાર, સમુદ્ર મંથનના સમયે ધન્વંતરી સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસના સાંજે યમરાજ માટે દીપદાન કરવું જોઈએ. જેનાથી અકાળ મૃત્યુનો નાશ થાય છે.

કાળીચૌદશ, રૂપ ચતુર્દર્ર્શીઃ- કાળીચૌદશ પર્વ રૂપ ચતુર્દર્શી તરીકે પણ ઓળખાય છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ભૂદેવીનાં પુત્ર નરકાસુરનો સત્યભામા દ્વારા વધ કરાવ્યો અને ૧૬૦૦૦ રાજકન્યાઓને નરકાસુરની કેદમાંથી છોડાવી તેમની સાથે વિવાહ કરી સમાજમાં તેમને ઉચ્ચ સ્થાન પ્રદાન કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના આ કાર્યથી પ્રસન્ન થઈ દ્વારિકાની નારીઓએ દીપ પ્રગટાવી આનંદ વ્યકત કર્યો હતો. તાંત્રિકો આ દિવસની રાત્રીએ કાલિકા માતાની ઉપાસના કરતાં હોવાથી આ દિવસને કાલી ચૌદશના નામે પણ ઓળખે છે.

દિપાવલીઃ- અમાવસ્યાના આ દિવસ વામનરૂપે આવેલા ભગવાન વિષ્ણુની રાજા બલી પર વિજય મેળવ્યાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીનાં દર્શન કરવામાં આવે છે. દિવાળી બાદનાં પ્રથમ દિવસે બલીરાજા પાતાળમાં ગયાં અને ત્યાં જઈ નવા રાજયની સુવ્યવસ્થા કરી. વર્ષનો અંતિમ દિવસ હોવાથી આ દિવસે લક્ષ્મી, ગણપતિ અને સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસથી ખેડૂતો ફસલની કાપણી કરવાની શરૂઆત કરે છે. દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ પણ ગણવામાં આવે છે. આ દિવસે સાક્ષરો, વિદ્વાનો અને વિદ્યાના ઉપાસકો પુસ્તકોનું પૂજન કરી બુદ્ઘિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા યાચે છે. વેપારીઓ તેમના હિસાબી ચોપડાઓનું વિધિવત પૂજન કરે છે અને નવા ચોપડાઓનો પ્રારંભ કરે છે. લક્ષ્મી પૂજાને દિવાળીના દિવસે મહત્વ અપાય છે. ઘરોમાં સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા થાય છે અને ગલીઓ તથા ઘરોમાં દીવા પ્રગટાવી સમૃધ્ધિ તથા શુભારંભને આવકારે છે.

બેસતું વર્ષઃ- દિપાવલી પૂરી થયા બાદ પ્રથમ દિવસ તે બેસતું વર્ષ છે. આ દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. આ દિવસે ખેડૂતો પોતાના ઔજારોનું પૂજન કરે છે. આ દિવસ દેવોનાં શિલ્પી વિશ્વકર્માને અર્પિત કરાયો છે. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે. લોકો એકબીજાને મીઠું 'સબરસ' રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાંની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે. ગુજરાતી નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ગુજરાતીઓ એકબીજાને નૂતન વર્ષાભિનંદન કરી નવા વર્ષની શુભકામના પાઠવે છે.

 ભાઈબીજઃ- દિપાવલી પર્વમાળાનો અંતિમ દિવસ એટલે ભાઈબીજ. આ દિવસે યમુનાએ યમને પોતાના ઘરે ભોજન કરવા બોલાવ્યા હતા, તેથી તેને યમદ્વિતીયા કહેવાય છે. વહેલી સવારે ઉઠીને ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. આ દિવસ ભાઈનાં કર્તૃત્વ અને બહેનનાં પ્રેમને અર્પિત કરાયો છે. આ દિવસે ભાઈ-બહેન એક સાથે યમુના સ્નાન કરે તો અતિ ઉત્ત્।મ મનાય છે. આ દિવસે ભાઈઓએ ઘરે ભોજન ન કરતાં પોતાની બહેનને ત્યાં પ્રેમથી ભોજન કરવું જોઈએ, આનાથી કલ્યાણ થાય છે.

 દેવઊઠી એકાદશી અને દેવદિવાળીઃ- દિવાળીના છ તહેવારો ઉપરાંત દેવઊઠી એકાદશી તથા દેવદિવાળીનું મહત્વ છે. એકાદશીને દેવઊઠી એકાદશી કહે છે. આ દિવસે તુલસીવિવાહ પણ ઉજવાય છે. કારતક સુદ પૂનમના દિવસે દેવદિવાળી ઉજવાય છે. કાર્તિક સ્વામી દેવોની સેનાના સેનાપતિ બન્યા અને તારકાસૂરનો વધ કર્યો આથી દેવોએ વૈકુંઠ લોકમાં દીવા કરીને દિવાળી મનાવી હતી, તેને દેવદિવાળી કહેવાય છે.

દિપાવલીનું ધાર્મિક, પૌરાણિક અને સામાજીક મહાત્મ્યઃ- દીપાવલીના દિવસો દરમ્યાન દીપ પ્રગટાવવા પાછળ વિવિધ માન્યતાઓ અને કારણો છે જે પ્રાચીન અર્વાચીન યુગને એકઠા કરે છે.

 દિવાળીના દિવસે ભગવાન નૃસિંહે રાક્ષસ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો.

 આ દિવસો દરમ્યાન દેવો અને દાનવો સમુદ્રમંથન કરી રહ્યાં હતાં તે સમયે લક્ષ્મીજી અને ધનવંતરી દેવનું પણ પ્રાગટ્ય થયું હતું.

જૈન ધર્મ અનુસાર દીપાવલીનો દિવસ તેમના તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણનો પણ દિવસ છે.

શીખ લોકો માટે પણ દીપાવલીનું અનેરૂ મહત્વ છે. આ દિવસે અમૃતસર સુવર્ણમંદિરમાં શિલાન્યાસ થયો હતો. આ દિવસે વર્ષ ૧૬૧૯માં શીખોના છઠ્ઠા ગુરૂ હરગોવિંદસિંહ જેલમાંથી મુકત થયા હતાં.

આ દિવસથી નેપાળી લોકોનું નવું સવંતત્સર શરૂ થાય છે.

 પંજાબમાં આ દિવસે સ્વામી રામતીર્થ જન્મ્યાં હતાં અને દિપાવલીના દિવસે જ ગંગાકિનારે સમાધિ લીધી હતી.

આ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી હતી.

આ દિવસે માતા દુર્ગાએ કાલીનું સ્વરૂપ લીધું હતું.

કારતક મહિનામાં અમાસના દિવસે ક્ષીરસાગરમાંથી દેવી લક્ષ્મીજી પ્રગટ થયા હતા.

દિવાળી સાથે સંકળાયેલ સૂર્યની ઉપાસનાનો મહાપર્વ 'છઠ' પણ શ્રી રામ સાથે સંકળાયેલ છે. માન્યતા અનુસાર ભગવાન રામ અને માતા સીતાએ રાવણ દહન પછી કારતક શુકલ ષષ્ટિ પર વ્રત કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરી હતી. બીજા દિવસે એટલે કે સપ્તમીએ ઉગતા સૂર્યની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી. આ છઠપૂજા ભારતમાં ઉત્ત્।રપ્રદેશ, ઝારખંડ, નેપાળ, બિહાર અને ઘણા વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવે છે.

પાંડવો દિવાળીના દિવસે દેશનિકાલ અને વનવાસનો સમયગાળો પૂરો થયા પછી જ પાછા ફર્યા. તેમના પરત ફરવાની ખુશીમાં, નગરજનોએ દીપ પ્રગટાવી ઉત્સવની ઉજવણી કરી હતી એવી માન્યતા છે.

દીપાવલી પર, માતા લક્ષ્મીને બ્રહ્મમુહુર્તમાં શંખ વગાડીને ઘણા રાજયોમાં પ્રાર્થના કરવામાં આવે છે. ઘણી જગ્યાએ લાકડાઓનો હુક્કો બનાવવામાં આવે છે, તેને સળગાવ્યા પછી આખા ઘરમાં ફેરવવામાં આવે છે અને છત પર ફેંકી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

ક્ષણ, પળ, દિવસો વિતતા જાય... સુખ અને દુઃખ આવે ને જાય. પણ, દિપાવલી આવે એટલે સહુ કોઈના મનમાં ઉમંગ અને આનંદ જ આનંદ છવાઈ જાય છે. આવનારૃં વર્ષ વધુ સુખાકારીવાળું હોય એવા શમણાં સાથે સહુ કોઈ દિપાવલી પર્વની ઉજાસભરી ઉજવણી કરે છે. વિતેલા વસમા વર્ષ પછી ગુજરાતી નવું વર્ષ બારણે ટકોરાં મારી રહ્યું છે. માતા લક્ષ્મીજી ધનવર્ષા, ધનવંતરીજી આરોગ્ય વર્ષા કરે અને સાર્વત્રિક સુખ-સાહ્યબી છવાય એવી શુભકામના સહુ કોઈના મનમાં ઉજાગર થતી જ હશે. વિતેલું વર્ષ ગમે એવું ગયું હોય... નવું વર્ષ સહુ કોઈને 'ગમે' એવું જાય એવી શુભકામના.

શુભ દિપાવલી,

નૂતન વર્ષાભિનંદન. (૩૦.૫)

સંકલનઃ હેમાંગિની ભાવસાર,

અમદાવાદ, મો.૯૯૭૯૨૨૮૦૨૯

દર્શિત કાચા : ૯૮૨૪૨૦૩૦૬૨

(3:18 pm IST)