Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પ્રભુવીરની ભવિષ્યવાણી : સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

પરમાત્મા મહાવીરે ઘોર તપ દ્વારા ધર્મ પુરૂષાર્થ કરી બેતાલીસ વર્ષની ઉંમરે કૈવલ્યજ્ઞાનને ઉપાર્જિત કરી લીધું, તે પછી અકારણ કરૂણાવત્સલ પરમાત્મા જગત ઉપર ઉપકાર કરતા વિચરણ કરવા લાગ્યા. અનેક આત્માને ભવભ્રમણથી મુકત કર્યા, સંસારથી મુકત કર્યા, સમ્યગદ્રષ્ટિ આપી અને પ્રભુની હાજરીમાં ગૌતમ પ્રમુખ સાધુ ભગવંતો, ચંદનબાળા પ્રમુખ સાધ્વીજી ઉપરાંત અનેક ભવ્યાત્માઓએ સંસારથી નિષ્ક્રમણ કરી શાસનની શોભા વધારી. કેવળીપર્યાયના બીજા ત્રીસ વરસ વ્યતિત થયા, પરમાત્મા મહાવીર ની ઉંમર બોતેર વર્ષની થઈ ત્યારે પરમાત્મા પોતાના જ્ઞાનબળથી આયુષ્ય અલ્પ જાણી અપાપાપુરી પધાર્યા, ત્યાં હસ્તિપાળ રાજા હતા. તેમની દાનશાળામાં પરમાત્માએ સ્થિરતા કરી.

દેવતાઓએ નિકટમાં જ સમવસરણની રચના કરી, જયાં પરમાત્મા લોકોપકારના ચરમ નિમિતને જાણી દેશના ફરમાવવા સુવર્ણ સિંહાસને બિરાજમાન થયા. પ્રભુનો અંતકાળ નિકટ જાણી સ્વયં ઈંદ્ર મહારાજ પણ દેવલોકથી ઉતરી આવ્યા.

હજુ તો નિત્ય ચાલતી પ્રથમ પ્રહરની દેશનાની ધારા પૂર્ણ થાય છે ને તે જ સમયે રાજા હસ્તિપાળે ઉભા થઈ અતિ વિનમ્રમુદ્રામાં પોતાને આવેલ આઠ સ્વપ્નનું મહાત્મય પૂછયું. તે જ રાત્રિના આવેલ આઠ વિચિત્ર સ્વપનોથી રાજા હસ્તિપાળ ભયભીત જણાતા હતા. પ્રભુએ પણ તે સ્વપનના ફળાદેશથી લોકાપકારનું સુંદર નિમિત જાણી જાહેરમાં સ્વપ્નફળનું વર્ણન પ્રારંભ કર્યું.

પ્રથમ સ્વપ્નમાં જડતાયુકત હાથી જોયો હતો : તેના ફળાદેશમાં જણાવ્યું કે મારા નિર્વાણ પછી સુખી કુટુંબમાં જન્મનારા શ્રાવક પુત્રો સુખમાં લુબ્ધતાને કારણે વિવેક ગુમાવી જડતાથી હાથીની જેમ ઘરમાં પડયા રહેશે પણ ચારિત્ર લેવા ઉધમ નહિ કરે, શાસનસેવાના કાર્યોમાં રસ દાખવી તેથી મળતા માનપાન અને સન્માન સુધી તેમનો ધર્મ પુરુષાર્થ હશે પણ કુદરતી આફતો, પરાક્રમો ભય કે સ્વના પરિચિતોમાં પણ આધિ-વ્યાધિના આતંક છતાંય વૈરાગ્ય ન પામી ગૃહસ્થાવાસ રહેશે. કદાચ ચારિત્ર ગ્રહણ પણ કરશે તોય વિવેક વિહીનતાના કારણે ચારિત્ર ત્યાગી ફરી ઘરવાસમાં પ્રવેશ કરશે. આમ ચારિત્ર સુધી પહોંચી ઉતમ ગુણસ્થાનને સ્પર્શી વિશુધ્ધ સંયમનું પાલન કરનારા વિરલા જ પાકશે, અને તેઓ જ જ્ઞાનની દ્રષ્ટિએ ભાવ ચારિત્રવાન ઓળખાશે.

બીજા સ્વપ્નમાં જોયેલ ઉછળતો કવિ ચંચળ હતો : તેના ફળાદેશમાં પ્રભુએ વીતરાગી દશા હોવાથી ક્ષોભ-સંકોચ વગર જ પદવીધારી આચાર્ય ભગવંતો તથા અન્ય પદવીઓ તરફ અંગુલિનિર્દેશ કરી દીધો. ફળ જણાવતા કહ્યું કે જેમ વાનર સદાય ચંચળ જોવા મળે છે તેમ ભવિષ્યમાં પદારૂઢ ગચ્છના સ્વામી જેવા આચાર્યો પણ સ્વભાવના ચંચળ, પ્રમાદથી યુકત, ચંચળ અધ્યાવસાયવાળા, સત્વમાં ઉણા અને વ્રતમાં પણ પ્રમાદી હશે. પોતાનો ચારિત્રાચાર તો શિથિલ, અન્યને પણ તેવો જ માર્ગ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના નામે દેખાડશે.

ત્રીજા સ્વપ્નમાં દૂધ ઝરતું વૃક્ષ જોયું : જેના ફળરૂપે ભગવાને કહ્યું કે સાતેય ક્ષેત્રમાં લક્ષ્મીનો ઉતોમોપયોગ કરી શાસનનું ગૌરવ જાળવનાર નેક શાસનપૂજક શ્રાવકો થશે. પણ અમુક લિંગધારીઓ તેવા શ્રાવકને મિથ્યા માર્ગ દેખાડી આકર્ષણ ઉત્પન્ન કરશે અને તેમની સંપતિને પોતાના અંગત સ્વાર્થમાં વપરાવી પોતાની નામના વધારશે. સાચા મુનિરાજો પાસે તે લિંગધારીઓ દાતાર શ્રાવકને જવા જ નહિ દે.

ચતુર્થ સ્વપ્નમાં કાકપક્ષી દેખી ભયભીત થયેલ : રાજવીને પ્રભુએ ખુલાસો કરતાં જણાવ્યું કે ચોથા સ્વપ્નનું ફળ એ છે કે અન્ય ગચ્છના નાયકોની વાંચના, મિથ્યાભિમાન, મૃગતૃષ્ણા જેવી વૃતિ-પ્રવૃતિના કારણે અમુક મુનિવરો પણ સ્વગચ્છની સામાચારી છોડી ગચ્છ ત્યાગ કરી દેશે. જેવા ને તેવા સાથે જોગણ કરવા ઉલ્લાસ કરશે પણ ઉગ્રાચારીઓના અંકુશ, પારતંત્રય, આમનાયો નહિ ચાલે. વારંવાર ગચ્છ પરિવર્તન કરનારને કોઈ બંધન નહિ નડે કારણ કે તેવા મુનિઓ સ્વગચ્છમાંથી પરગચ્છમાં સ્વનું હિત દેખી જતા રહેશે, તેમાં બુદ્ઘિની જડતા અને હૈયાની વક્રતા ભાગ ભજવશે.

પાંચમા સ્વપ્ને જોયેલ સિંહના સ્વપ્નનું ફળ : વીરપ્રભુએ પ્રકાશ્યું કે જિનશાસન ભાવિમાં પણ સિંહની જેમ લોકોમાં ઉચ્ચ સ્થાને ગણાશે. તેવા સિંહને અન્ય લોકો તો દેખતા જ ભય પામશે. પણ જેમ સિંહના દેહમાં પડેલ કીડા જ તેની કાયાને ઉપદ્રવિત કરી નાખે, તેમ શાસનરૂપી કેસરીને શાસનમાં જન્મેલા લોકો જ પીડા પહોંચાડશે. બહારથી ખૂબ સારો દેખાતો સિંહ અંદર અંદરના ચિત્ર-વિચિત્ર કારણોથી દુભાશે.

છઠ્ઠા સ્વપ્ન માં ઉકરડામાં રહેલ કમળ જોયું : તેનાં ફળરૂપે પ્રભુએ પ્રકાશ્યું કે જેમ ધર્મી આત્માઓ તેમના તથાપ્રકાર કર્મોના કારણે ઉત્તમોત્તમ કુળમાં જન્મ લેનારા નહિ થાય. ધનવાન કુળના બાળકો સ્વચ્છંદી, વિલાસિતાથી કે કુસંગથી ધર્મભ્રષ્ટ બનશે તેથી પરંપરાએ ધર્મી લોકોની ઉપજ લક્ષ્મીપતિઓને ત્યાંથી ઘટતી જશે જયારે, ધર્મપ્રેમીઓને જન્મ મધ્યમ દેશ અને કુળોમાં થશે, તેમની પાસે ધર્મની સાચી સમજણ છતાંય, દેશ-કુળ -લક્ષ્મી -રૂપ- બળ- સત્ત્।ા વગેરેની હિનતામાં જીવનાર હોવાથી ધર્મીજનોના વચનો લોકોમાં ઉપાદેયતાને નહિ પામે.

સાતમું સ્વપ્ન ઉખર ભૂમિમાં બીજ : પ્રભુએ કહ્યું કે પાંચમાં આરાના જીવો સાચા અને સારા સાધુ- સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓને પોતાની અજ્ઞાન દશામાં ઓળખી ન શકવાથી તેમની ભકિત- આદર કરવાના બદલે કુપાત્રમાં દાન કરતા જશે. તેવા શ્રાવકો કે જેમને આત્મકલ્યાણના કોઈ ઉદેશ્ય જ નથી, તેમના માટે સુપાત્ર કે કુપાત્રનો કોઈ ભેદ નહિ રહે.

આઠમાં સ્વપ્નમાં જોયેલ મલિન કળશ : ફળ જણાવતાં પ્રભુએ કહ્યું કે શિથિલ આચારવાળા લિંગધારીઓ વૃદ્ઘિ પામશે. ક્ષમાદિ ગુણથી યુકત સુચારિત્ર્યવાન સાધુઓ અત્યલ્પ સંખ્યામાં જોવા મળશે. જેઓ ઉત્ત્।મ ખાનદાન તથા ગુણવાન-ક્ષમાવાન હશે તેવા મહર્ષિઓના વચનોનો આદર લિંગધારીઓ નહિ કરે, પરંતુ મત્સરભાવથી બકુશ અને કુશીલતાના કારણે અલ્પસત્વી જીવો ઝઘડા કરશે, કલહ-કર્મબંધ, કલેશ-સંકલેશ, નાની-નજીવી બાબતોમાં તકરાર, જુદાઈ, મતભેદ, મનભેદ તે પાંચમા આરામાં વધતા જશે.

આઠ સ્વપ્નોના વર્ણન પછી પ્રભુએ ગૌતમસ્વામી, સુધર્મ સ્વામી, રાજા શ્રેણિકના પ્રશ્નોના જવાબ આપ્યા, છઠા આરાનું વર્ણન કર્યું, પંચાવન અધ્યયન પુણ્ય ફળ વિપાકના, પંચાવન પાપ ફળ વિપાકના અને છત્રીશ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ કહ્યા. અંત સમય નિકટ થતાં જ બાદર અને સૂક્ષ્મ મન-વચન- કાયાના યોગોનો નિરોધ કરી નિર્વાણ સાધ્યું. લોકોના હિતને લક્ષમાં લઈ ભાવદીપક પ્રભુનો દેહવિલય થવાથી શોક દૂર કરવા દેવો-માનવોએ દ્રવ્યદીપક પ્રગટાવ્યા, જે દિવાળી પર્વ કહેવાયું.

(3:20 pm IST)