Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પોપટપરાના પટેલ પરિવારને કલમ ૩૦૭ના ખોટા ગુન્હામાં સંડોવી દેવા અંગે પી.આઈ. વિરૂદ્ધ તપાસ કરવા કોર્ટનો આદેશ

પી.આઈ. ગોઢાણીયાની ભૂમિકા અંગે રાજ્યના પોલીસ વડાને તપાસ રિપોર્ટ કરવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧ :. અત્રે પોપટપરાના ચકચારી કેસમાં પટેલ પરીવારોને ખોટા ગુન્હામાં સંડોવી દેવામાં આવતા તપાસ કરનાર અધિકારી એમ.આર. ગોઢાણીયા સામે ક્રિમીનલ તથા ખાતાકીય જવાબદારી નક્કી કરવાનો સેસન્સ અદાલતે આપતા પોલીસ વર્તુળોમાં ચકચાર જાગી છે.

આ કેસની હકીકત એવી છે કે નીલેશ સવજીભાઈ કાકડીયા તથા તેના પિતાશ્રી સવજીભાઈ રવજીભાઈ કાકડીયા અને તેના પત્ની રજનીબેન નીલેશભાઈ કાકડીયા સહિતના ૮ પટેલ પરીવાર સભ્યોની સામે પોપટપરા શેરી નં. ૧૧માં રહેતા રાવતભાઈ અરજણભાઈ કુગસીયાએ આઈ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪ તથા જી.પી. એકટ અને આર્મ્સ એકટની વિવિધ કલમો હેઠળનો ગુનો પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુના રજી. નં. ૯૩/૨૦૧૩થી દાખલ કરવામાં આવેલો અને એવા મતલબની ફરીયાદ આપવામાં આવેલ કે આરોપીઓ પાસે તલવાર, પાઈપ અને ધોકા તેમજ નીલેશ સવજીના હાથમાં રીવોલ્વર હતી તે રીવોલ્વરથી ફરીયાદી અને તેના પિતા ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે ફાઈરીંગ કરેલુ અને ફરીયાદી તથા તેમના પિતાશ્રીને માર મારી ઈજાઓ પહોંચાડેલ. બનાવનું કારણ એવુ બતાવવામાં આવેલ કે બનાવના દિવસે સાંજે ૫ વાગ્યે ઈ.સી. પટેલે ભરત કુંગસીયા સાથે સ્કોર્પીયો ગાડી ભટકાડેલી તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવેલો.

સેસન્સ અદાલત સમક્ષ આ કેસ ચાલી જતા અદાલત એવા તારણ ઉપર આવેલ કે બનાવના દિવસે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હાથી આઈ.પી.સી. કલમ ૩૨૩ વિગેરે મુજબનો ગુન્હો પણ સામા પક્ષ ઉપર દાખલ થયેલ અને બન્ને ગુન્હાની તપાસ પી.આઈ. ગોઢાણીયા જ કરતા હતા અને હાલનો ગુનો દાખલ થયો તે પહેલા અપહરણનો ગુન્હો ભરત કુંગસીયા વિરૂદ્ધ નોંધાયેલ જે ફરીયાદ ચાલુ હતી તે દરમિયાન ફરીથી માથાકુટ થતા ફર્સ્ટ ગુન્હા રજી. નં. ૧/૨૦૧૩ મુજબનો ગુનો ભરત કુંગસીયા અને વસંત કુંગસીયા વિરૂદ્ધ નોંધાયેલો.

અદાલતે એ હકીકતની નોંધ લીધેલ કે આ કેસના આરોપીઓ સામે ફરીયાદ નોંધાય તે પહેલા ફરીયાદ વસંતભાઈ કુંગસીયાના કાકાના દિકરા ભરત કુંગસીયાએ જમીનની તકરાર અંગે પ્રવિણ છગનભાઈ પટેલ સાથે ઝઘડો કરેલ હતો તેનુ અપહરણ કરવાનો પ્રયત્ન કરેલ હતો તથા તેમને ઈજા કરેલ હતી તે અંગેની ફરીયાદ ભરત કુંગસીયા તેના ભાઈ ભાવેશ કુંગસીયા અને ફરીયાદી વસંત કુંગસીયા તેના પિતા રાવત કુંગસીયા, ભરતના પત્ની, પરેશ, મહેશ, બાલાભાઈ વિગેરે વિરૂદ્ધ દાખલ થયેલ હતી તે ફરીયાદની તપાસ ચાલુ હતી આમ પી.આઈ. ગોઢાણીયાએ જે બનાવ પ્રથમ બનેલો તેની ફરીયાદ પાછળથી અને જે બનાવ પ્રથમ બનેલો તેની ફરીયાદ આગળની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ.

અદાલતે ચુકાદામાં એવી પણ નોંધ લીધેલ છે કે ફરીયાદ મુજબનો બનાવ ફરીયાદી વસંતભાઈ કુંગશીયાના ઘર પાસે એટલે કે પોપટપરા શેરી નં. ૧૧માં આવેલ 'જય મુરલીધર' પાસે બનેલ છે પરંતુ સ્થાનિક જગ્યાનું પંચનામુ જે પી.આઈ.એ તૈયાર કરેલ છે તે પોપટપરા શેરી નં. ૫/૧૨ના કોર્નર પાસે ૨-માળના મકાન પાસે કે જે મકાન ભરત કુંગસીયાનું રહેણાકનું મકાન છે તેનુ કરવામાં આવેલુ છે.

અદાલતે તપાસ કરનાર પી.આઈ. ગોઢાણીયાની ફરીયાદની તપાસ કરવાની નીતિ-રીતિથી નારાજગી વ્યકત કરતા જણાવેલ છે કે ફરીયાદી તથા તેની માતા માલુબેન કુંગસીયાના કહેવા મુજબ ફરીયાદ થયેલ છે. આઈ.પી.સી. કલમ ૩૦૭ના ગુન્હામાં આરોપીઓને ફીટ કરી દીધેલ છે અને ભરત કુંગસીયાની હેરાન ગતિના કારણે પ્રવિણભાઈ પટેલ અને તેના કુટુંબીજનો પોપટપરા છોડી પોતાના પરીવાર સાથે હિજરત કરી ત્યાંથી જતા રહેલ છે. આવી હકીકત સોનલબેને તેની ઉલટ તપાસમાં સ્પષ્ટ રીતે સ્વીકારેલ છે ત્યારે ફરીયાદ મુજબનો કોઈ બનાવ બનેલ જ નથી તેમ છતા ભરત કુંગસીયાએ પી.આઈ. એમ.આર. ગોઢાણીયા સાથે મળી ગોઠવણ કરી ખોટી ફરીયાદ લઈ ગુનો દાખલ કરી આ આરોપીઓને ખોટા ગુન્હામાં ફીટ કરી ખોટા પુરાવાઓ ઉભા કરેલ છે તેવી હકીકતને પુરાવાથી વ્યાજબી, પુરતુ અને સંતોષકારક રીતે સમર્થન પ્રાપ્ત થાય છે.

અદાલતે એવુ પણ નોંધ્યુ છે કે મેડીકલ પેપર વંચાણે લેતા હોસ્પીટલે ભરત કુંગસીયા અને પી.આઈ. ગોઢાણીયાની હાજરી હોવાની હકીકત એમ.એલ.સી. સર્ટીફીકેટ વંચાણે લેતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે પરંતુ બાદમાં તે હકીકતનો સાહેદો ઈન્કાર કરે છે ત્યારે આરોપીઓને ગુન્હા સાથે ખોટા પુરાવા ઉભા કરવામાં આ બન્ને પ્રથમદર્શનીય રીતે સામેલ તેમ માનવાને કારણ રહે છે અને પી.આઈ. ગોઢાણીયાએ ભરત કુંગસીયાએ ભરત કુંગસીયા બનાવમાં સ્પષ્ટ રીતે સામેલ હોવા છતા તેને આ બનાવથી દૂર રાખવા માટે તેમનુ નિવેદન નોંધેલ નથી જેથી અદાલતે આ પી.આઈ. ગોઢાણીયાએ આરોપીઓને ગુનામાં સંડોવવા માટે ખોટા પુરાવા ઉભા કરી તેમને બીનજરૂરી રીતે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેવુ જણાવી આ ગુન્હાની તપાસમાં ગોઢાણીયાએ ભજવેલ વિવાદાસ્પદ ભૂમિકા તેની ક્રિમીનલ અને ખાતાકીય જવાબદારી નક્કી કરવા અને પગલા અને જે પગલા લીધેલ હોય તેનોે રીપોર્ટ દિવસ-૬૦માં અદાલતે આપવા રાજ્યના પોલીસ વડાને આદેશ કરેલ છે અને તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છુટકારો ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ નિલેશ સવજીભાઈ કાકડીયા વિગેરે તરફે રાજકોટના ધારાશાસ્ત્રી અર્જુન પટેલ, મુકેશ કેશરીયા, મુકેશ ગોંડલીયા, સત્યજીત ભટ્ટી, જ્વલંત પરસાણા, જીગર નસીત, મહેન ગોંડલીયા રોકાયેલા હતા.

(11:33 am IST)