Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

યાર્ડના બહુમતી ડીરેકટરોની સેન્સ નિષ્ફળ : લાંબા હાથનું ‘ભરત’ સફળ

સાવલિયા કદ પ્રમાણે વેતરાયા, બોઘરા ‘પદ’ પ્રમાણે ગોઠવાયા

જયેશ રાદડિયાઍ છેક સુધી પરસોત્તમ સાવલિયાના વખાણ કર્યા પણ પસંદગીમાં કંઇક રંધાઇ ગયુ : વસંતભાઇ ગઢિયાને વાઇસ ચેરમેન પદની લોટરી લાગી

રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્રની નંબર વન તરીકે જાણીતી બેડી માર્કેટયાર્ડના ચેરમેન તરીકે યુવા એડવોકેટ જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે પડધરીની ખોડાપીપળ સહકારી મંડળીના ઉપપ્રમુખ વસંતભાઇ ગઢીયા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. સ્થાનિક ભાજપના અભિપ્રાય અનુસાર પ્રદેશ ભાજપ તરફથી તેમની પસંદગીને મ્હોર મારવામાં આવી છે. યાર્ડમાં આજથી પરિવર્તન યુગનો આરંભ થયો છે. બંનેની પસંદગીને ચુંટાયેલા તમામ સભ્યોએ સ્વીકારી છે. આ પસંદગી પાછળ એકથી વધુ પરિબળો કામ કરી ગયા છે. યાર્ડના એકમાત્ર સિનિયર ડિરેકટર પરસોત્તમ સાવલિયા કદ પ્રમાણે વેતરાયા છે અને જયેશ બોઘરા પદ પ્રમાણે ચેરમેન પદે ગોઠવાયા છે. બંને નવા સુકાનીઓ લેઉવા પટેલ છે.

યાર્ડમાં ૧૬ પૈકી ૧૫ બેઠકો ભાજપ પ્રેરીત પેનલને મળેલ. આ વખતે ઉમેદવાર પસંદગી અને સુકાનીઓની પસંદગીમાં સત્તાવાર રીતે પ્રદેશ ભાજપની ભૂમિકા રહી છે. ચાર દિવસ પહેલા જિલ્લાના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ બંને પદ માટે સેન્સ લીધેલ. જેમાં ચૂંટાયેલા બહુમતિ સભ્યોએ ચેરમેન પદ માટે પરસોત્તમ સાવલિયાનું નામ સૂચવેલ. અમુક સભ્યોએ જયેશ બોઘરાનું નામ આપેલ. કેટલાક આગેવાનોએ નામ આપવાને બદલે પાર્ટી પર નિર્ણય છોડયો હતો. સાવલિયા, બોઘરા, વિજય કોરાટ, કેશુભાઇ નંદાણિયા વગેરે નામોની ચર્ચા બાદ આખરે ચેરમેન બનવામાં બોઘરા સફળ રહ્યા છે.

યાર્ડના નવા સૂત્રધારોની પસંદગીમાં જયેશ રાદડિયા, ભરત બોઘરા, મનસુખ ખાચરીયા વગેરેની ભૂમિકા મહત્વની રહી છે. બોઘરા શિક્ષિત યુવા ચહેરા તરીકે પ્રાધાન્ય મેળવી શકયા છે. ઉપરાંત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની નજીક ગણાય છે. જયેશ રાદડિયાએ ગઇકાલ સુધી પરસોત્તમ સાવલિયાના વખાણ ચાલુ રાખેલ. સિનિયોરીટીની દૃષ્ટિએ તેમનું પલ્લુ ભારે દેખાતુ હતું પરંતુ પડદાની આગળ કરતા પાછળ જુદો રાજકીય ખેલ ચાલી રહ્યો હતો. સાવલિયાને બે માંથી એક પણ પદ આપવામાં આવ્યું નથી. જુથવાદના લબકારા અને ઝબકારા વચ્ચે ગઇકાલ બપોર પછી કંઇક રાજકીય રંધાઇ ગયું હોય તેવી માહિતી બહાર આવી રહી છે. જો સેન્સ પ્રમાણે નિર્ણય નહોતો કરવાનો તો સેન્સ લેવાનો મતલબ શું ? તેવો સવાલ સાવલિયાના ટેકેદારો અંદરખાને ઉઠાવી રહ્યા છે. જાહેરમાં સૌએ સમય સંજોગો મુજબ પાર્ટીની પસંદગીને આવકારી છે. જયેશ બોઘરા અને વસંતભાઇ ગઢીયા યાર્ડના વહિવટમાં બિનઅનુભવી પણ ખૂબ આશાસ્પદ ગણાય છે. ખેડૂતો - વેપારીઓ વગેરેના હિતમાં ખૂબ સારી કામગીરી કરશે તેવું બંનેના શુભેચ્છકોનું માનવું છે.

(1:09 pm IST)