Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કાલાવડ રોડ નાગરિક બેંકના ડે. ચીફ ઓફિસર સાથે મળી ૬૦ લાખની ઉચાપતમાં ગેડીયા ગેંગના ૩ પકડાયાઃ કાર અને ૧૦ લાખ કબ્જે

સાહિરખાન મલેક, દાઉદ મોવર અને રસીદખાન મલેકને કુવાડવા પાસેથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, યુ. બી. જોગરાણાની ટીમે પકડ્યાઃ અગાઉ મેનેજર રવિ જોષી, એજન્ટ ભાવ્યેશ માંડાણી અને દેવાંગ પટેલને પકડ્યા'તાઃ જનક પટેલ અને સુધીર ઉર્ફ સાગરની શોધખોળ : એક જ સિરીયલ નંબરવાળી બેંકે રદ કરેલી અસલી ચલણી નોટો પોતાની પાસે છેઃ એકના ડબલ કરી આપશે તેવી લાલચ આપી ઠગાઇ કરી હતી

રાજકોટ,તા. ૨ : શહેરના કાલાવડ રોડ પર આવેલ નાગરીક બેંક બ્રાંચમાંથી રૂ.૬૦ લાખની ઉચાપત પ્રકરણમાં માલવીયાનગર પોલીસે બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર સહિત ત્રણની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચની ટીમ વધુ ત્રણ શખ્સોને પકડી લીધા હતા.આ ત્રણેય આરોપી સુરેન્દ્રનગર પંથકની નામચીન ગેડીયા ગેંગના સાગ્રીતો છે. તેણે પોતાની પાસે સિરીયલ નંબરવાળી અસલી અને બેંકે રદ કરી નાંખેલી ચલણી નોટો છે.    એકના ડબલ કરી આપશે તેવી લાલચ તેણે આપી હતી. જનક પટેલ અને સુધીર ઉર્ફ સાગર જાની નામના બે મિત્રોએ ગેડીયા ગેંગ સાથે મળી ભવ્યેશ માંડાણી અને રવિ જોષીને એકના ડબલની લાલચ આપી હતી.

મળતી વિગત મુજબ માલવીયા નગર પોલીસે ગત તા.૪ના રોજ નટરાજ નગર-૧ માં રહેતા અને કાલાવડ રોડ નાગરીક સહકારી બેંકમાં લોન તથા રીકવરી મેનેજર તરીકે ફરજ બજાવતા હરિપ્રકાશભાઇ ભાસ્કરભાઇ વોરા (ઉવ.૩૯)ની ફરિયાદ પરથી જયરાજ પ્લોટ -૫માં રવિ મકાનમાં રહેતા અને નાગરીક બેંકમાં ડેપ્યુટી ચીફ મેનેજર તરીકે નોકરી કરતા રવિ દિલીપકુમાર જોષી તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ આઇપીસી ૪૦૬,૪૦૯,૪૨૦ મુજબ બેંકના રૂ. ૬૦ લાખનો પોતાના અંગત ઉપયોગમાં વપરાશ કરી બેંક સાથે છેતરપીંડી કર્યાનો ગુનો નોંધી પીઆઇ કે.એન. ભુકણની રાહધરી હેઠળ પીએસઆઇ બી.બી.રાણા તથા પ્રશાંતસિંહત સહિત આરોપી બેંકના કે.ચીફ.મેનેજર રવિ દિલીપભાઇ જોષી અને એજન્ટ ભવ્યેશ ભોગીલાલભાઇ માંડાણી અને ગાંધીનગર ટી.પી. સરધાસણ પાસે દિવ્ય સંસ્કાર ફલેટની સામે રહેતા દેવાંગ નટવરલાલ પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ યુ.બી.જોગરાણા, પી.એમ.ધાખડા, એ.એસ.આઇ. જે.વી.ગોહીલ, બી. આર.ગઢવી, હેડ કોન્સ. અભીજીતસિંહ, પ્રદિપસિંહ, ભાવીનભાઇ, કરણભાઇ, વિરેન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ, મયુરસિંહ, અમિતભાઇ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ, સંજયભાઇ, નગીનભાઇ તથા ભાવેશભાઇ

ગઢવી સહિતે તપાસ કરતા આ પ્રકરણમાં અજય આરોપીજનક ઘનશ્યામભાઇ પટેલ, સાગર ઉર્ફે સુધીર જાની અને રીકેશ ઉર્ફે મયંક દરજી તથા ક્રેટા કારમાં આવેલા અન્ય ચાર અજાણ્યા શખ્સોના નામ ખુલ્યા હતા. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કુવાડવા ગામ પાસેથ જીજે ૧૩એએચ૨૪૧૬ નંબરની ક્રેટા કારમાંથી સાહીરખાન નસીબખાન મલેક (ઉવ.૨૯) (રહે. ઇન્ગ્રોડીગામ તા.લખતર, સુરેન્દ્રનગર), દાઉદ સલીમભાઇ મોવર (ઉવ.૨૪) (રહે. ચામુડા પરા શેરી નં. ૧ સુરેન્દ્રનગર) અને રશીદખાન મહંમદખાન મલેક (ઉવ.૨૩) (રહે. હાલ ઇન્ગ્રોડીગામ તા. લખતર મુળ ગેડીયા ગામ તા.પાટડી) ને પકડી લઇ રૂ. ૧૦ લાખ રોકડા તથા ક્રેટા કાર અને ત્રણ મોબાઇલ ત્રણ મળી રૂ. ૧૮,૮૦,૦૦૦ની મતા કબ્જે કરી હતી. જ્યારે મુખ્ય સુત્રધારજનક પટેલ અને સુધીર ઉર્ફે સાગર જાનીની શોધખોળ હાથ ધરી છે. જનક અને સુધીર બંનેએ મળી એક ના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ  આરોપી ભવ્યેશ માંડાણી તથા રવિ જોષીને આપી આ પ્લાન નક્કી કરી આ પ્લાનમાં આરોપીજનક અને તેના મિત્ર સાહીર ખાન મલેકનો સમાવેશ કરી અને પ્લાન મુજબ રૂપિયા લેવા માટે સાહીરખાનને તૈયાર કર્યો હતો અને રવિ જોષી તથા ભવ્યેશ માંડાણી પાસેથી છેતરપીંડીથી રૂપિયા મેળવી કાવત્રુ ઘડયુ હતું અને અમદાવાદ હાઇવે પર આવેલી બાલકૃષ્ણ હોટલ સામે આવ્યા બાદ સાહિલખાન ક્રેટા કાર લઇને આવેલ અને આરોપી રવિ જોષી અને ભવ્યેશ માંડાણી ક્રેડા કારમાં રૂ. ૬૦ લાખ રોકડ ભરેલા થેલા સાથે ક્રેડા કારમાં બેસ ગયા અને થેલો કારમાં રાખી દીધો હતો. ત્યારે સાહિલખાને કહેલ કે રોડની સામે રોંગ સાઇડમાં પડેલી એક કારમાં રૂ. ૧.૨૦ કરોડ પડેલ છે તે લઇ લેજો ! તેમ કહેતા રવિ જોષી અને ભવ્યેશને ધક્કો મારી કારમાંથી ઉતારી ભાગી ગયો હતો. બાદ સાહિલખાન પોતાના ગામ પાસે જઇ પોતાના ભાગ પેટેના રૂ. ૧૧ લાખ કાઢી લીધા હતા અને બાકીના રૂપિયા ૪૯ લાખ જનક અને સાગરને આપી દીધા હતા. આ અંગે પોલીસે ત્રણેયના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(3:29 pm IST)