Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વી.વી.પી.નો રજતજયંતિ મહોત્સવઃ મંગળવારે સ્મૃતિગ્રંથ વિમોચન

સંસ્થાની ૨૫ વર્ષની વિકાસયાત્રા વર્ણવાશેઃ આર.એસ.એસ.ના અખિલ ભારતીય સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલે, વિજયભાઇ રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશેઃ કૌશીકભાઇ શુકલ- નરેન્દ્રભાઇ દવે

તસ્વીરમાં 'અકિલા' પરીવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી કૌશિકભાઇ શુકલ (ટ્રસ્ટી), શ્રી નરેન્દ્રભાઇ દવે (ટ્રસ્ટી), શ્રી જયેશ સંઘાણી અને શ્રી ધવલ જોષી નજરે પડે છે. (૪૦૫)

રાજકોટઃ તા.૨, 'રાષ્ટ્રીય સ્વાહા ઈદ ન મમ - મારૃં બધુ જ મારા રાષ્ટ્રને અર્પણ'ના મૂળમંત્ર સાથે કાર્યરત, સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ-ફાઈનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ તથા આર્કીટેકચર કોલેજની સ્થાપના કરનાર વ્યવસાયી વિદ્યા પ્રત્તિષ્ઠાન (વી.વી.પી.) ને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે પ્રસંગે તા.૭ ડીસેમ્બર, મંગળવારે સવારે ૧૧-૩૦ કલાકે રજત જયંતિ મહોત્સવ તથા સ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખીલ ભારતીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેયજી હોસબોલે ઉપસ્થિત રહેશે, જેમના હસ્તે સ્મૃત્તિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. પ્રમુખ સ્થાને પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત ટેકનોલોજીકલ વિશ્વ-વિદ્યાલયના કુલગુરૂ ડો. નવિનભાઈ શેઠ તથા સૌરાષ્ટ્ર વિશ્વ-વિદ્યાલયના કુલગુરૂ ડો. નિતીનભાઈ પેથાણી ઉપસ્થિત રહેશે.

 ૨૫ વર્ષોની યાત્રા વિશે જણાવતાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓશ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે, શ્રી હર્ષલભાઈ મણીઆર જણાવે છે કે,

 વી.વી.પી. ટ્રસ્ટ વિશેઃ

રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ની ઉદાર સખાવતથી વર્ષ ૧૯૯૭માં વી.વી.પી. એટલે કે, વ્યવસાયી વિધા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર-કચ્છની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતોની પૂર્તિ કરવાનો છે. સૌરાષ્ટ્ર-કચ્છની સર્વ પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ - વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ તથા સર્વ પ્રથમ આર્કીટેકચર કોલેજ એટલે ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરની સ્થાપનાનું શ્રેય વી.વી.પી.ને ફાળે જાય છે. વી.વી.પી. 'રાષ્ટ્રીય સ્વાહા ઈદં ન મમ - મારૃં બધુ જ મારા રાષ્ટ્રને અર્પણ' ના મૂળમંત્ર સાથે કાર્યરત છે.

  એવોર્ડસ 

 ૩૩ એકરના પ્રાકૃત્તિક સૌંદર્ય અને નયન-રમ્ય વાતાવરણમાં પ્રસ્થાપિત વી.વી.પી. એ રપ વર્ષોમાં અનેક સિધ્ધિના શિખરો સર કર્યા છે. વર્ષ-૨૦૦૬, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૩ માં ઈન્ડીયન સોસાયટી ફોર ટેકનીકલ એજયુકેશન - આઈ.એસ.ટી.ઈ. દ્વારા મહત્તમ ટેકનીકલ પ્રવૃત્તિઓ આયોજીત કરવા બદલ આઈ.એસ.ટી.ઈ. સ્ટુડન્ટ ચેપ્ટર એવોર્ડ ઓફ એપ્રિસિએશન, વર્ષ ૨૦૧૪માં વિદ્યાર્થીઓની ટેકનીકલ અને નોન-ટેકનીકલ ઈવેન્ટસમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ બદલ કોંગુ એવોર્ડ, વર્ષ ૨૦૧૪માં ભારતની 'બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ'નો રાષ્ટ્રીય એવોર્ડ- ભારતીય વિદ્યા ભવન નેશનલ એવોર્ડ, વર્ષ ૨૦૧૬માં સંશોધન ક્ષેત્રે પ્રદાન બદલ જી.ટી.યુ. સર્ટીફેકટ ઓફ એપ્રિસિએશન તથા વર્ષ ૨૦૧૬માં આઈ.એસ.ટી.ઈ. દ્વારા 'બેસ્ટ લાયબ્રેરી'નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. વી.વી.પી. કોલેજ કેમ્પસ માટે આર્કીટેકટ શ્રી કિશોરભાઈ ત્રિવેદીને વર્ષ ૨૦૦૧માં 'આર્કીટેકટ ઓફ ધ યર' નો રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે.

 વિદ્યાર્થી કલ્યાણકારી યોજનાઓઃ

 ૨પ વર્ષોમાં વી.વી.પી.એ અનેક વિદ્યાર્થી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. વી.વી.પી. ભારતનું કદાચ એકમાત્ર એવું ટ્રસ્ટ હશે કે જે છેલ્લા ૧૪ વર્ષોથી તમામ વિદ્યાર્થીઓને રૂ. ૭,૫૦૦ની લેપટોપ સબસીડી આપે છે. આ યોજના અંતગર્ત છેલ્લા ૧૪ વર્ષોમાં કુલ રૂ. સાડા ચાર કરોડથી વધુ રકમની લેપટોપ સબસીડી વિદ્યાર્થીઓને  અપાઈ છે.

પ્રવેશ આધારિત સ્કોલરશીપ રૂ. અઢી કરોડ તથા પરીણામ આધારિત સ્કોલરશીપ કુલ રૂ. સાડા ત્રણ કરોડથી વધુ રકમ છેલ્લા ૨૫ વર્ષોમાં આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

 ટ્રસ્ટીઓ વિશેઃ

 વી.વી.પી.ની રપ વર્ષોની સફળ યાત્રામાં પૂર્વ ચેરમેન સ્વ. શ્રી પ્રવિણકાકા મણીઆર, પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી સ્વ. શ્રી ચંદ્રકાંતભાઈ પાવાગઢી, પૂર્વ ટ્રસ્ટી સ્વ. શ્રી સંજયભાઈ મણીઆર તથા વર્તમાન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ શ્રી કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે તથા શ્રી હર્ષલભાઈ મણીઆરનો સિંહ ફાળો રહ્યો છે.

  પ્રાઘ્યાપક-કર્મચારી, ટ્રસ્ટની કલ્યાણકારી યોજનાઓ

વી.વી.પી. હંમેશા તમામ પ્રાઘ્યાપકો તથા કર્મચારીઓને યુનિવર્સીટી તથા એ.આઈ.સી.ટી.ઈ.ના નિયમ મુજબ પગાર આપે છે. એટલું જ નહીં, સાતમાં પગાર પંચનો અમલ પણ વી.વી.પી. દ્વારા કરવામાં આવ્યો છે.  વી.વી.પી.માં ૨૬ પી.એચ.ડી., માસ્ટર ડીગ્રી ધરાવતા ૮૦થી વધુ અનુભવી પ્રાઘ્યાપકો, આર્કીટેકચરમાં ૩૦ જેટલા નિષ્ણાંત આર્કીટેકટો, ટેકનીકલ આસીસ્ટન્ટસ, લાઈબ્રેરી તથા બીન-શૈક્ષણિક કર્મચારીઓ મળીને ૨૦૭નો સ્ટાફ સેવાઓ આપે છે.

ઈન્ડસ્ટ્રી-ઈન્સ્ટીટયુશન ઈન્ટરએકશન

 વિશ્વની સૌથી મોટી રીફાઈનરી-જામનગર સ્થિત રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના મીકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમીકલ તથા ઈન્સ્ટ્ટુમેન્ટેશન એન્ડ કંટ્રોલના એન્જીનીયરોને વી.વી.પી.ના સ્ટાફે ટ્રેનિંગ આપી છે. વી.વી.પી. દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ રીલાયન્સના એન્જીનીયરોને બઢતી આપવામાં આવે છે. જામનગર સ્થિત એસ્સાર કંપનીના સ્ટાફને વી.વી.પી. તાલીમ આપે છે.

વી.વી.પી.કેમ્પસ

વી.વી.પી.માં ૧૦૦ તથા ૨૦૦ બેઠકોની સુવિધાઓ ધરાવતા બે એર- કંડીશન્ડ ઓડીટોરીયમ તથા ૧,૫૦૦ બેઠકોની સુવિધાઓ ધરાવતું ગુજરાતની કોઈપણ કોલેજ પાસે કદાચ ન હોય એવું અત્યાઘુનિક ઓડીટોરીયમ છે. વી.વી.પી. સંકુલ આઉટડોર સ્પોર્ટસ- ક્રિકેટ, વોલીબોલ, કબડી, બેડમિંટન, એથ્લેટીકસ તથા ઈન્ડોર સ્પોર્ટસ- ચેસ, કેરમ, ટેબલ ટેનિસની સુવિધાઓથી સુસજજ છે.

  પ્લેસમેન્ટ :

 શ્રેષ્ઠ શિક્ષણ સાથે સર્વોત્તમ રોજગારએ વી.વી.પી.નું ઘ્યેય છે. વી.વી.પી. દ્વારા ઈન્ડસ્ટ્રી-ઈન્સ્ટીટયૂટ વચ્ચેની ખાઈ પૂરવા વિદ્યાર્થીઓ માટે નિયમિત સમયાંતરે ઈન્ડસ્ટ્રીયલ વીઝીટ, ઈન્ડસ્ટ્રીયલ ટુરનું આયોજન કરવામાં આવે છે, તદઉપરાંત રીસર્ચ પેપર સ્પર્ધા, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે વિવિધ ટેકનીકલ ઈવેન્ટસ, સેમીનાર, વર્કશોપ, શોર્ટ ટર્મ ટ્રેનીંગ પ્રોગ્રામ દ્વારા સંશોધન પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવામાં આવે છે.

     પરિણામઃ

વી.વી.પી. યુનિવર્સીટી પરીક્ષાઓમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમથી પાંચ ક્રમાંકમાં તથા સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. વી.વી.પી.ના કુલ ૬૮ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવી ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ૩૨ તથા જી.ટી.યુ.માં ૩૬ ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક,સામાજીક ક્ષેત્રે ટ્રસ્ટ દ્વારા થયેલ કાર્યો :

વી.વી.પી. એ આજ સુધી મેનેજમેન્ટ કવોટા હેઠળ દાન લઈને કે કેપીટેશન ફી લઈને બેઠકો ભરી નથી. ટ્રસ્ટ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીને સી.સી. કેમેરા માટે, ભૂકંપ, સૈનિક માટે સહાય, પૂર હોનારત, કોરોના સહાય વગેરે માટે અંદાજીત દોઢ કરોડની રકમ, વિદ્યા ભારતી, શિશુ મંદિરો અને જુદી-જુદી એજયુકેશન સંસ્થાઓને અન્ય ક્ષેત્રે શૈક્ષણિક સહાય રૂપે ૧।। કરોડ રૂપીયા સુધીનું દાન કર્યું છે. 

કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓશ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે તેમજ શ્રી હર્ષલભાઈ મણીઆરના માર્ગદર્શન હેઠળ વી.વી.પી. ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો. જયેશભાઈ દેશકર તથા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરના નિયામકશ્રી કિશોરભાઈ ત્રિવેદી, સમગ્ર પ્રાઘ્યાપકગણ તથા કર્મચારીગણ  જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:48 pm IST)