Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લાઇફ બ્લડ સેન્ટરનો સોમવારે સ્થાપનાદિન

ગુજરાત- ભારતને થેલેસેમિયા મૂકત બનાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે : આચાર્ય લોકેશજી, આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ, તારક મહેતાકા ફેઇમ પ્રોડયુસર અસિત મોદીની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ તા. ૨ : બ્લડ બેન્કિંગ ક્ષેત્રે થેલેસેમિયા નાબુદી માટે વર્ષોથી કાર્યરત લાઇફ બ્લડ સેન્ટર આગામી તા. ૬ ડીસેમ્બરના તેની સ્થાપનાના ૪૧ વર્ષ પૂર્ણ કરી રહ્યુ છે. આ નિમિતે ૪ ડીસેમ્બરથી વિશેષ જાગૃતિ કાર્યક્રમો આયોજીત કરેલ છે.

પ્રોજેકટ લાઇફના જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી શ્રીમતિ મિતલ કોટીચા શાહે એક યાદીમાં જણાવ્યા મુજબ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત અને દેશ થેલેસેમિયા મુકત થાય તે માટે ઝુંબેશ હાથ ધરાશે. આ ઝુંબેશને પ્રોત્સાહીત કરવા દિલ્હી સ્થિત અહિંસા વિશ્વ ભારતના સ્થાપક આચાર્ય ડો. લોકેશજી, રાજયના આરોગ્ય વિભાગના સચિવ મનોજ અગ્રવાલ, નીલા ટેલીફિલ્મસના સ્થાપક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના પ્રોડયુસર અસિત મોદી ખાસ ઉપસ્થિત રહેશે.

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. તેના ભાગરૂપે લાઇફ બ્લડ સેન્ટર દ્વારા ઉપરોકત મહેમાનો ઉપરાંત સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા વગેરેની ઉપસ્થિતિમાં સાંજે પ થી ૭ દરમિયાન લાઇફ બિલ્ડીંગ, રેસકોર્ષ રીંગરોડ ખાતે થેલેસેમિયા ખાતે થેલેસેમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ થેલેસેમિયાન મુકત ગુજરાત ભારત ઝુંબેશને વેગ આપવા કાર્યક્રમ થશે.

સમગ્ર ગુજરાત અને દેશને થેલેસેમિયા મુકત કરવાના શપથ લેવામાં આવશે. થેલેસેમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામનો પ્રારંભ કરાશે.

ઉપરાંત એક વિશેષ કાર્યક્રમ 'નો યોર બ્લડ ગ્રુપ' ઝુંબેશનો પ્રારંભ કરાશે. લાઇફ બ્લડ સેન્ટરના મેડીકલ ડીરેકટર ડો. સંજીવ નંદાણીના જણાવ્યા મુજબ આ ઝુંબેશ અંતર્ગત રકતદાનને પ્રોત્સાહન આપવા ઉપરાંત લોકોના ડ્રાઇવીંગ લાયસન્સ, જન્મના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, પાસપોર્ટ, રેશન કાર્ડ જેવા દસ્તાવેજોમાં વ્યકિતના બ્લડ ગ્રુપનો ઉલ્લેખ કરવાની જોગવાઇ કરવા સરકારને દરખાસ્ત કરાશે.

(3:49 pm IST)