Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સંસારી વડીલ બંધુ દિલેશભાઇ ભાયાણીની બીજી સુપુત્રી મુમુક્ષુ દેવાંશીબેન પણ સંયમના સાજ સજશે

પરમ ગુરૂદેવના સંસારી સ્વજનોમાંથી છઠ્ઠી વ્યકિત દિક્ષા લેશે

રાજકોટ : રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, તેઓના માતુશ્રી પૂજ્ય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી, એમના ભાઈની સુપુત્રી પૂજ્ય શ્રી પરમ વિભૂતિજી મહાસતીજી, બહેનની દીકરી પૂજ્ય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી, માસીના દિકરાની દીકરી પૂજ્ય શ્રી પરમ આત્મિયાજી મહાસતીજી અને હવે મુમુક્ષુ દેવાંશી ભાયાણી પણ દીક્ષા અંગીકાર કરશે. મુમુક્ષુ દેવાંશીબેન ભાયાણી ફામૅસીનો અભ્યાસ છોડી ૨૧ વષૅની ઉંમરે ભવરોગ દૂર કરવા સંયમના માર્ગે પ્રયાણ કરશે.

કોઈ વ્યકિત નાના ગામડામાંથી મોટા શહેરમાં જાય કે પરદેશ જાય અને ત્યાં જઈને દરેક પ્રકારે સુખી થયા બાદ તે વ્યકિત ધીરે ધીરે પરિવારજનોને પણ એ સ્થળ ઉપર બોલાવી લે છે કે તમે બધા અહીં આવી જાવ. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સંયમ અંગીકાર કર્યાબાદ તેઓને પરમ સુખની અનુભૂતિ થઈ એટલે તેઓએ તેઓના સંસારી સ્વજનોને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે સંયમ માર્ગે આવી જવા પ્રેરણા કરી.

છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પૂજ્ય શ્રી પ્રબોધિકાજી મહાસતીજી આદિ સાધ્વીજીઓની સેવામાં છે. સેવા-વૈયાવચ્ચ કરવી દેવાંશીબેનને ખૂબ જ ગમે. સેવાની સાથોસાથ તેઓએ શ્રી આવશ્યક સૂત્ર, સવાસો ગાથા, ભકતામર સ્તોત્ર, રત્નાકર પચ્ચીસી વગેરે કંઠસ્થ કરી લીધું. પૂજ્ય મહાસતીજીઓ સાથે નિત્ય સ્વાધ્યાય કરે.

સૌરાષ્ટ્રના લાઠીના વતની છે. તેઓનો જન્મ વસઈ મહારાષ્ટ્રમાં થયેલ છે.

મુમુક્ષુ કહે છે કે સંયમ અંગીકાર કરી આત્મામાં જ વસી જવું છે.

રત્નકુક્ષિણી માતુશ્રી પારૂલબેન અને તપસ્વીરત્ન દિલેષભાઈ ભાયાણીની આ બીજી સુપુત્રી ગુરુ ચરણે અને જિનશાસનના શરણે આવી રહી છે તેનો દરેકને અપાર આનંદ છે. મુમુક્ષુ દેવાંશીબેન કહે છે કે સંયમ અંગીકાર કર્યાબાદ સર્વ શ્રેષ્ઠ એવા શાશ્વત સુખોને મેળવવા સદા પ્રયત્નશીલ રહીશ. પરમ ધામ પડઘા મુકામે તા.૨૦/૨/૨૦૨૨ ના રોજ એક સાથે અનેક મુમુક્ષુ આત્માઓ સંયમ માર્ગે પ્રયાણ કરશે.

(4:32 pm IST)