Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વાવડીનો વિકાસ પૂરપાટ : ટી.પી. સ્કીમ નં. ૨૫ ડ્રાફટ મંજુર

મ.ન.પા.ને ૬૪ રિઝર્વેશન પ્લોટની કુલ ૧,૬૦,૬૩૯ ચો.મી. જમીન મળશે : ૯ થી ૩૦ મીટર સુધીના ટી.પી. રસ્તાઓ મળશે : આવાસ યોજના માટે ૮ અને બગીચા માટે ૧૨ પ્લોટ અનામત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરતા મેયર પ્રદિપ ડવ

રાજકોટ તા. ૨ : શહેરમાં વર્ષો અગાઉ નવા ભેળવાયેલ વાવડી વિસ્તારની ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૨૫ને રાજ્ય સરકારે લીલીઝંડી આપી દેતા હવે આ વિસ્તારનો વિકાસ પૂરપાટ વેગે દોડવા લાગશે. કેમકે અહીં રોડ - રસ્તા સહિતના નવા ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ બનશે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, મવડી તેમજ વાવડી વિસ્તારની ટી.પી. સ્કીમ મંજુર થયેલ ન હોવાથી લોકોઉપયોગી કામો કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી. અગાઉ મવડી ૨૧ અને વાવડી ૧૪ ડ્રાફટ સ્કીમ બનાવવામાં આવેલ છે. જેની પ્રિલીમીનરી સ્કીમની મંજુરી માટે સરકારમાં મોકલેલ છે. જયારે ટી.પી. સ્કીમ નં.૨૫ વાવડી ડ્રાફટ સ્કીમ મંજુરી માટે સરકારશ્રીમાં મોકલવામાં આવેલ હતી.

દરમિયાન રાજય સરકાર દ્વારા રાજયની જુદી જુદી ૮ ટી.પી. સ્કીમો મંજુર કરાયેલ છે. જેમાં રાજકોટ ટી.પી. સ્કીમ નં.૨૫ વાવડી ડ્રાફટ સ્કીમ મંજુર કરવામાં આવેલ છે. જે બદલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મેયર ડો.પ્રદિપ ડવ આભાર વ્યકત કરેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઘણી ટી.પી. સ્કીમો મંજુર કરવામાં આવી રહી છે, તેમ અંતમાં મેયરે જણાવેલ.

આ ટી.પી. સ્કીમનું કુલ ક્ષેત્રફળ=૯૧ હેકટર છે. જેમાં મ.ન.પા.ને કુલ ૬૪ રીઝર્વેશન પ્લોટની કુલ ૧,૬૦,૬૩૯ ચો.મી. જમીન પ્રાપ્ત થઇ છે.

જેમાં આવાસ યોજના = ૪૫,૯૮૪ ચો.મી. (૮ પ્લોટ), રહેણાંક + વેચાણ = ૩૪,૦૭૮ ચો.મી. (૧૨ પ્લોટ), વાણીજ્ય વેચાણ = ૩૪૯૩૬ ચો.મી. (૭ પ્લોટ), સોશ્યલ ઇન્ફ્રા = ૨૩૧૦૭ ચો.મી. (૧૬ પ્લોટ), ગાર્ડન = ૧૭૪૬૫ ચો.મી. (૧૨ પ્લોટ), પાર્કિંગ = ૨૫૪૦ ચો.મી. (૩ પ્લોટ), ઓપન સ્પેસ = ૨૫૨૯ ચો.મી. (૬ પ્લોટ) મળી કુલ રીઝર્વેશન પ્લોટ = ૬૪ પ્રાપ્ત થયા છે. જ્યારે ટી.પી. રોડ ૯.૦૦ મી. થી ૩૦.૦૦ મી. સુધીના મળ્યા છે. આ ટી.પી. રોડ કુલ ૧,૬૭,૦૨૨ ચો.મી. જમીનમાં થશે.(૨૧.૪૨)

ટી.પી. સ્કીમ નં. ૨૫થી વાવડીના આ ૧૨ વિસ્તારોનો જમાનો આવશે

૧.  ટી.પી. સ્કીમ નં. ૧૫ વાવડીની દક્ષિણનો ભાગ

૨.  વાવડી ગામની દક્ષિણ તથા પશ્ચિમનો ભાગ

૩.  આકાર હાઇટ્સવાળો વિસ્તાર

૪.  આદર્શ એક્ષોટીકા હાઇરાઇઝવાળો વિસ્તાર

૫.  સોપાન રેસીડેન્સી

૬.  રાધેશ્યામ ગૌશાળા

૭.  શ્રીજી રેસીડેન્સી

૮.  આંગન રેસીડેન્સી

૯.  ઇન્દીરાનગર ૨૫ વારીયા

૧૦. અલય પાર્ક

૧૧. દાતાર હજરત પીર દરગાહની ઉત્તરનો ભાગ

૧૨. પુનીતનગરથી કાંગશિયાળી રોડને જોડતો ૮૦ ફૂટ રોડ

(3:52 pm IST)