Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજકોટના રાજવી પરીવારનો વધુ એક કેસ કલેકટરની કોર્ટમાં: મુદત પડી

ઢોલરાના બે સર્વે નંબરની ૩૭૩૫૫ ચો.મી. જમીનનો મામલોઃ પ્રાંતે ચુકાદો નહી આપતા ગોપાલસિંહ જાડેજાએ કલેકટર સમક્ષ અપીલ કરી

રાજકોટ, તા., ૨: રાજકોટનો રાજવી પરીવાર જમીન-મિલ્કત પ્રશ્ને ઘણા લાંબા સમયથી ચર્ચાને એરણે રહયો છે. રાજકોટના રાજવી પરીવાર સાથે સંકળાયેલા રાજયોનો વધુ એક કેસ હવે કલેકટરની કોર્ટમાં શરૂ થયો છે. તેમાં ગઇકાલે બીજી મુદત હતી. કલેકટરે બંને પક્ષને સાંભળ્યા છે. વધુ એક મુદત પડયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

આ કેસની મળેલ પ્રાથમીક વિગતો મુજબ ઢોલરા સર્વે નં. ૯૭ પૈકી-૧, ની ૯૧ર ચો.મી. જમીન અને સર્વે નં. ૯૬ની ૩૬૪૪૩ ચો.મી. જમીન અંગે ગોપાલસિંહ જાડેજાએ જયદીપ માંધાતાસિંહ જાડેજા, મરહુમ ઇલાકુમારી ઇન્દ્રસિંહ જાડેજાના વારસદાર મહેશસિંહ લખધીરસિંહ જાડેજા અને ગ્રામ્ય પ્રાંત ૩ સામે ઉપરોકત સર્વે નંબરની જમીન અંગે ધા નાખી છે.

ગોપાલસિંહ જાડેજાએ કરેલ રજુઆતો મુજબ ગોપાલસિંહે ઇન્દ્રજીતસિંહ પાસેથી જમીન ખરીદેલ અને એ પહેલા ઇન્દ્રજીતસિંહે ઇલાકુમારીને જમીન આપેલ અને ઇલાકુમારીજીએ આ જમીન જયદીપ જયંતીભાઇ માંકડીયાને વેચી નાખી હતી અને તેની નોંધ પણ પ્રમાણીત થઇ ગઇ હતી.

આ કેસમાં ગોપાલસિંહે એવો વાંધો લીધો હતો કે, ઇન્દ્રજીતસિંહ તો સાધુ જીવન જીવતા હતા અને તેમના કયાંય સહી સિક્કા પણ નથી. તેમજ આ કેસ હાલ સિવિલ કોર્ટમાં ઉપરાંત ગોંડલ ક્રીમીનલ કેસમાં ૯૬ થી ચાલે છે. તે ઉપરાંત કલેકટરની તકેદારી કમીટીમાં પણ આ કેસ ચાલે છે.

ઉપરોકત તમામ કેસો ચાલતા હોય અને રૂરલ પ્રાંતએ પણ કોર્ટમાં કેસો ચાલતા હોય, વારસાઇ નક્કી કરવાનું કામ કોર્ટનું હોવાનો ચુકાદો આપતા હવે આખો મામલો રાજકોટ કલેકટરની કોર્ટમાં આવ્યો છે. આ કેસમાં બે મુદત થઇ છે. જેમાં ગઇકાલે વધુ એક કેસની સુનાવણી હતી.

(4:26 pm IST)