Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સેવા સેતુથી ભ્રષ્ટાચારને બ્રેકઃ વચેટીયા નિકળી ગયાઃ વિજયભાઇ

મનપા દ્વારા આજે વિધાનસભા ૬૯ના વિસ્તારનો સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ પુર્વ મુખ્યમંત્રીના હસ્તે કરાયોઃ જબ્બર પ્રતિસાદ

રાજકોટ, તા., રઃ  મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, રાજકોટ મહાનગરપાલિકાનું ગ્રાઉન્ડ, અમીન માર્ગના છેડે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે વિધાનસભા-૬૯ (વોર્ડ નં. ૦૧, ૦૮, ૦૯, ૧૦) ના સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

 આ પ્રસંગે રાજ્યના પુર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, આજે વિધાનસભા-૬૯માં સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે. સેવા એજ ધર્મ છે. સત્તા માણવા માટે નહી પણ સેવા કરવા માટે છે. આ પ્રકારની ઉમદા ભાવનાથી રાજ્ય સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ.

અરજદારને કોઇ પણ પ્રકારના દાખલા કઢાવવા હોય તો તે સ્થળ પર જ ત્વરિત મળી રહે તે માટે ભાજપની સરકારે વ્યાપક પ્રમાણમાં આવા કાર્યક્રમ ચાલુ કર્યા  છે. સેવા સેતુ કાર્યક્રમમાં સાચો લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય અને ખોટો લાભાર્થી લાભ લઇ ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવી તેમણે આ સેવા સેતુ કાર્યક્રમનો વધુને વધુ લોકો લાભ લ્યે તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મેયર  ડૉ. પ્રદિપ ડવએ જણાવેલ કે, પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. જેનો રાજ્યભરમાં દિન પ્રતિદિન વધુને વધુ લોકો લઈ રહ્યા છે. સેવા સેતુ કાર્યક્રમથી વધુને વધુ લાભાર્થીઓ ખુશ છે. 

પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકાને ઘણા પ્રોજેકટ માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવેલ જે પૈકીના મોટાભાગના પ્રોજેકટ પૂર્ણતાના આરે છે. વિશેષમાં મેયર દ્વારા કોરોના મહામારી દરમ્યાનની રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે કર્યું હતું તેમજ વોર્ડ નં. ૮ના કોર્પોરેટર ડૉ. દર્શનાબેન પંડયાએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. બાદમાં મંચસ્થ મહાનુભાવોના  હસ્તે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પ્રતીકરૂપે સહાય અર્પણ કરવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ નાયબ કમિશનર એ.આર. સિંઘ દ્વારા કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ તથા જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:28 pm IST)