Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોકપોલમાં અને સવારે ૮ વાગ્‍યે મતદાન શરૂ થયુ ત્‍યારે સંખ્‍યાબંધ બેલેટ યુનિટ (EVM) ખરાબ નીકળ્‍યાઃ લોકોનાં દેકારો

ઉદય કાનગડ મત આપવા ગયા ત્‍યારે મશીન બગડયું: એરપોર્ટ વિસ્‍તારમાં પણ ખરાબ મશીનને કારણે મતદારો પાછા ફર્યા : રાજકોટના પોપટપરા-જેતપુરમાં પણ ઘટનાઃ તંત્રે કુલ ર૭ બીયુ બદલાવ્‍યા

રાજકોટ તા. ૧ : આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબકકાના મતદાનમાં સવારથી જ લોકોએ લાઇનો લગાવી હતી. તંત્ર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો. સવારની ગુલાબી ઠંડીમાં નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સવારે તંત્ર દ્વારા ઇવીએમ-વીવીપેટ મશીનોનું મોકપોલ (ટેસ્‍ટીંગ) કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૪ થી ૧પ જેટલા મશીન સમગ્ર શહેરમાં ખામીયુકત નિકળતા તંત્ર દ્વારા તાબડતોબ બદલવામાં આવ્‍યા હતાં. ઉપરાંત મતદાન શરૂ થવા સમયે પણ મશીનો બગડતા મતદાન મોડુ શરૂ થયુ હતું. કુલ ર૧ બેલેટ યુનિટ તંત્રે બદલાવ્‍યા હતાં.

રાજકોટ-૬૮ ના ભાજપના ઉમેદવાર ઉદય-કાનગડ સવારે ૮ કલાકે હાથીખાના-૩ ખાતે મત આપવા પહોંચ્‍યા હતા, જયાં ઇવીએમમાં ખામી સર્જાતા ૩૦ મીનીટ મોડુ મતદાન શરૂ થયું હતું. આવી જ રીતે એરપોર્ટ પાસે એડવોકેટ મનિષભાઇ પંડયા પણ મત આપવા ગયેલ ત્‍યારે પણ ઇવીએમમાં ખોટકો સર્જાતા મતદાન થઇ શકેલ નહી, આ મતદાન મથકેથી ઘણા મતદારો પાછા ફર્યા હતાં.

સાથે જ રાજકોટ શહેર જીલ્લામાં ર૧ જેટલા બેલેટ યુનીટ (બીયુ) ખરાવ નિકળેલ. જયારે સવારે ૮ વાગ્‍યા પછી રાજકોટના પોપટપરા અને જેતપુર ખાતે પણ ઇવીએમ બગડવાની ફરીયાદ મળતા તંત્ર દ્વારા તુરંત મશીન બદલાવી મતદાન રાબેતા મુજબ કર્યુ હતું.

 

(11:59 am IST)