Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રૃા. ૮ર લાખના નાણાકીય કૌભાંડના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. રઃ રાજકોટના આરોપી તુષાર ભરતભાઇ સેજપાલ રહે. નાગેશ્વર વિસ્તાર, જામનગર રોડ, રાજકોટ તથા અન્યો વિરૃદ્ધ ઇરફાન ઉમરભાઇ શેખ પાલડી અમદાવાદવાળાએ IPC કલમ ૪૦૬, ૪૬૭, ૧૨૦(B) વિગેરે અન્વયેની ફરિયાદ CID ક્રાઇમ રાજકોટ ઝોન સમક્ષ જાહેર કરેલ જે કામમાં આરોપી સપના, યોગેશ, ગૌતમે રેગ્યુલર જામીન અરજી કરતા તે રાજકોટના એડીશ્નલ સેશન્સ જજે ફગાવી દીધેલ છે.

જામીન અરજીના તબકકે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષીએ એવી દલીલ કરેલ કે ફરીયાદી અલગ અલગ કંપનીઓ ચલાવે છે અને આરોપી તુષાર સેજપાલ તેમાં સી.એ. (CA) એટલે કે એકાઉન્ટન્ટના કામ અને તમામ નાણાકીય લેવડ-દેવડનું કામ કરતો એ દરમિયાન તે હાલની લેડી સાથે સંપર્કમાં આવેલ અને સપના સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક હોય જેથી અન્ય આરોપીઓ જે સપનાના પરિવારના લોકો હોય તેમણે કંપનીની રકમો પોતાના ખાતામાં નાખી દેવાનું જણાવેલ અને સપનાના ખાતામાં પણ આરોપી સેજપાલ રકમ જમા કરાવેલી. આરોપી તુષાર સેજપાલ એકાઉન્ટ સાથે જોડાયેલ હોય IT ની ઇન્કવાયરી ન આવે તેથી તેણે બધા સાથે મળી કાવતરૃ રચી અને ફરીયાદી કંપનીમાંથી પોણા કરોડ પણ વધારે રકમો અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધેલ જે કેસમાં પોલીસે તુષાર સેજપાલ, સપના યોગેશ અને યોગેશ ગૌતમ એ રીતે ત્રણ જણાની ધરપકડ કરેલી જેઓ હાલ જેલ હવાલે છે અને અન્ય સાત આરોપીઓ સામે તપાસ ચાલુ રાખવામાં આવેલ છે.ઉપરોકત બનાવ રાજકોટ શહેર મુકામે ર૦૧૯ થી ર૦ર૧ દરમિયાન બનેલ હોવાનું જાહેર થયેલ છે. આમ ગુનો ગંભીર હોય આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોય તેથી જામીન ઉપર ન છોડવા રજુઆત કરેલ હતી.

ઉપરોકત દલીલોને લઇ તેમજ સામાપક્ષની દલીલોને સાંભળી પોલીસ પેપર્સમાં પડેલા પુરાવાઓને ધ્યાને લઇ અને  CID ક્રાઇમ રાજકોટના જવાબદાર P.I એ રજુ કરેલ વિગતવારના સોગંદનામાને ધ્યાને લઇ સેશન્સ અદાલતે આરોપી સપના યોગેશ ગૌતમ રહે. નંદગામ ગાઝિયાબાદ વાળીની જામીન અરજી રદ કરેલ છે. જે કામમાં સરકાર તરફે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષી રોકાયેલ હતા.

(3:49 pm IST)