Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જ્ઞાનવિજ્ઞાનની ગંગોત્રી એટલે ગીતાજી

કાલે ગીતાજયંતિઃ મોક્ષદા એકાદશી : ગીતાનો પાઠ કરનાર કે આશ્રય કરનારને મનની શાંતિ મળે છે

વિશ્વનાં આધ્‍યાત્‍મિક વારસામાં અને ધાર્મિક સાહિત્‍યમાં શ્રીમદ ભગવદ ગીતાજીનું અનોખું અને આદરણીય સ્‍થાન છે. ગીતાજી સ્‍વયં ભગવાન શ્રીકૃષ્‍ણના મુખેથી નીકળેલી પરમ રહસ્‍યમય દિવ્‍ય વાણી છે એમાં અર્જુનને નિમિત બનાવીને ભગવાને મનુષ્‍ય માત્રના કલ્‍યાણનો ઉપદેશ આપેલો છે. અઢાર અધ્‍યાયો અને સાતમો શ્‍લોકોનો બનેલો આ અનોખો ગ્રંથ છે જેમાં ભગવાને પોતાના હૃદયના ભાવોભરી દીધા છે આજ સુધી તેનો પાર કોઇ પામી શકયુ નથી.

અત્‍યારના હરિયાણા રાજયના કુરૂક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ગીતાજીનો પ્રાદુર્ભાવ થયેલા તે દિવસે માગસર સુદ એકાદશીનો દિવસ હતો. અર્જુનના પ્રશ્નો અને દ્વિધાઓનો જવાબ કે ઉકેલ ભગવાને આપ્‍યો હતો

ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે તેનો મહિમા અગાધ અને અસીમ છે. આ અલૌકિક તથા વિરલ ગ્રંથ છે. ગીતાની વાણી મંત્રમુગ્‍ધ બનાવે છે. ગીતામાં સમાજના દરેક પ્રશ્નોના હલ તથા સમાધાન દર્શાવવામાં આવ્‍યા છે. ગીતા મુકત જીવનની ચાવી છે તેથી જ  ેતેને ભગવાનનું હૃદય કહેવાય છે.

ગીતાનો પાઠ કરનાર કે આશ્રય કરનારને મનની શાંતિ મળે છે ગીતા ઉતમ જીવનની આરસીરૂપ છે. ગીતાનું વારંવાર વાંચન કરવાથી મન તથા હૃદયમાં નવા નવા ભાવો ઉત્‍પન્ન થાય છે. ગીતા પતીતપાવની ગંગા છે. જ્ઞાન વિજ્ઞાનની ગંગોત્રી છે. ગીતાનું અધ્‍યયન કરતા પહેલા તેના માહાત્‍મયનું વાંચન કરવું જરૂરી છે. ગીતા ગ્રંથના મહિમાનું વર્ણન કરવા કોઇ સમર્થ નથી. ગીતાના વાંચનથી મનુષ્‍ય પરમ પ્રાપ્તિને પામે છે.

ગીતાનું સ્‍થાન આપણા ધર્મગ્રંથોમાં અગ્રીમ અને અદ્વિતીય છે. સંસારમાં ગીતાની તોલે યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ કશું જ આવતુ નથી. ગીતાનો અર્થ છે સ્‍વયંને જાણવું ગીતાને જાણ્‍યા પછી બીજુ કશું જ જાણવાની આવશ્‍યકતા રહેતી નથી

આપણે ત્‍યા ગીતા, ગંગા, ગાયત્રી અને ગાયને પુજવામાં આવે છે. ગીતાના શ્રવણ માગથી માનવ માત્રનું ભૌતિક અને આધ્‍યાત્‍મિક કલ્‍યાણ થાય છે. ગીતા અર્જુનને યુદ્ધ મેદાનમાં કહેવાય છે. આજના સમયમાં પણ ગીતાના ઉપદેશો એટલા જ બંધ બેસતા લાગે છે.

ગીતામાં કહયુ છે કર્મ કરો, ફળની આશા ન રાખો, મારી શરણાગતિ સ્‍વીકારો હું તમારૂ કલ્‍યાણ કરીશ. ભગવાન શ્રીકૃષ્‍ણે કહયુ છે જે વ્‍યકિત મારા પર વિશ્વાસ રાખીને શ્રદ્ધા પૂર્વક મને કાર્યો સુપરત કરે છે તેની જવાબદારી હું લઉ છું અને તેના યોગક્ષમાનો પણ ખ્‍યાલ રાખુ છું ગીતા વિશે પુ.પાંડુરંગદાદા કહેતા કે, વેદ ઉપનિષદના મહાન સાગરને ગીતાયે પોતાની નાની સાગરમાં સમાવી દીધો છે. ગીતા સર્વ શાષામયી છે. ગીતાએ વૈશ્વિક ગ્રંથ છે.

ગીતા સુખી થવાની કલા શીખવે છે. સંસારના સુખ દુઃખમાં સ્‍થિર કેમ રહેવુ તેનું જ્ઞાન ગીતામાંૅથી મળે છે. સર્વોપનિષદરૂપી ગાયોને દોહનાર શ્રીકૃષ્‍ણ છે. અર્જુન વાછરડો છે. ગીતારૂપી જળમાં સ્‍નાન કરનારના સઘળા પાપો નાશ પામે છે.

વસુદેવ સુતં દેવં કૃષ્‍ણ ચાણુર મર્દનં

દેવકી પરમાનંદ કૃષ્‍ણ વંદે જગદગુરૂમ

ગીતા જયંતિના પવિત્ર દિને વેદવ્‍યાસજી ગીતાજી તથા કૃષ્‍ણ પરમાત્‍માના ચરણોમાં શતકોટિ વંદન નમસ્‍કાર. કૃષ્‍ણ પરમાત્‍માની તથા ગીતાજીની જય!

ભરત અંજારિયા

મો. ૯૪૨૬૪ ૧૭૮૫૪

(3:51 pm IST)