Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જ્‍યુબીલી બાગ નજીક દૂકાનની લિફટમાં માથુ ફસાઇ જતાં સતિષને ડોકમાં ફ્રેકચર

ટંકારાથી હોઝીયરી લેવા આવેલો યુવાન દૂકાન માલિકની જાણ બહાર ઉપરના માળે જવા લિફટમાં બેઠો અને ચાલુ લિફટમાં માથુ બહાર કાઢતાં ઘવાયો

રાજકોટ તા. ૨: જ્‍યુબીલી પોલીસ ચોકી નજીક આવેલી દૂકાને હોઝીયરીની ચીજવસ્‍તુઓ ખરીદવા માટે ટંકારાથી આવેલો યુવાન દૂકાન માલિકના ધ્‍યાન બહાર દૂકાનની ઉપરના માળેથી માલ લેવા જવા લિફટમાં બેસી જતાં અને ચાલુ લિફટમાં માથુ બહાર કાઢતાં દિવાલ અને લિફટ વચ્‍ચે ફસાઇ જતાં ડોકમાં ફ્રેકચર થઇ ગયું હતુ.

જાણવા મળ્‍યા મુજબ જ્‍યુબીલી ચોકી પાસે સંતકૃપા હોઝીયરી નામે વેપાર કરતાં શૈલેષભાઇ માકડીયાની દૂકાને ટંકારાથી સતિષ ચતુરભાઇ રાઠોડ (ઉ.૨૧) હોઝીયરીનો સામાન લેવા આવ્‍યો હતો અને દૂકાનદાર કામમાં હોઇ પોતાને જોઇતો માલ કાઢવા માટે તે દૂકાનદારનું ધ્‍યાન દોર્યા વગર લિફટમાં બેસી ગયો હતો અને ઉપરના માળે જવા લિફટ ચાલુ કરી હતી. પણ પહેલા માળે ચાલુ લિફટમાંથી ભુલથી માથુ બહાર કાઢતાં જ ફસાઇ ગયો હતો અને લિફટ ઉભી રહી ગઇ હતી. વેપારીએ તુરત જ લિફટ બંધ કરી તેને બહાર કાઢી દવાખાને ખસેડયો હતો. આ અકસ્‍માતમાં તેને ડોકમાં અને ખભામાં ફ્રેકચર થઇ ગયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(4:01 pm IST)