Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 3, કોંગ્રેસના 2 અને આમ આદમી પાટર્ઠીના એક ઉમેદવાર પોતાના મતક્ષેત્રમાં મતદાન ન કરી શક્‍યા

નામ બીજી જગ્‍યાએ હોવાથી પોતાને જ મત ન આપી શક્‍યા

રાજકોટઃ રાજકોટ વિધાનસભાની ચૂંટણીમાં 6 ઉમેદવારો પોતાને જ મત આપી શક્‍યા ન હતા.

રાજકોટમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકોટ જિલ્લાની ૮ બેઠકોમાં મતદાન યોજાયું હતું. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં મોટો ઘટાડો થયો છે. સાથે ૬ ઉમેદવારો પોતાનો મત પોતાને આપી શક્યા નહોતા. આજે શહેરની લાગુ પડતી ચાર બેઠક પરના ભાજપ - કોંગ્રેસ અને આપના ૬ ઉમેદવારોએ પોતે જ પોતાને મત આપી શક્‍યા ન હતા. કેમકે પોતાનું નામ પોતાના ક્ષેત્રની મતદાર યાદીમાં હોય તેના કરતા અલગ મત ક્ષેત્રમાં રહેતા હોવાથી પોતે પોતાનો મત આપી શક્‍યા નથી.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ-૬૮ ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે રાજકોટ-૭૦ના વિસ્‍તારમાં આવેલ હાથીખાનાની નવયુગ સ્‍કુલમાં, રાજકોટ-૭૦ના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાએ રાજકોટ- ૬૯માં આત્‍મીય કોલેજમાં, રાજકોટ-૭૧ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ રાજકોટ-૬૯ના સાધુ વાસવાણી સ્‍કુલમાં તથા રાજકોટ-૬૮ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજયગુરૂએ રાજકોટ-૬૯માં આકાશવાણી ચોકમાં શિવશકિત પ્રાથમિક શાળામાં, રાજકોટ-૭૧ના કોંગ્રેસના સુરેશ બથવારે રાજકોટ-૭૦ ના બેકબોન વિસ્‍તારમાં શાળા નં. ૭૧માં અને રાજકોટ- ૭૧ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠીયાએ નવા થોરાળા વિસ્‍તારની શાળા નં. ૨૯માં મતદાન કર્યું હતું.

આ રીતે ભાજપના ત્રણ, કોંગ્રેસના બે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાના મત ક્ષેત્રમાં મતદાન કર્યું ન હતું. જેમાં રાજકોટ-૭૧ બેઠકમાં મુખ્‍ય રાજકીય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારોએ આ બેઠક સિવાય બીજી અન્‍ય બેઠકોમાં મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે તમામ કલેક્શન સેન્ટરો ઉપર એકઠા થયેલા ઇવીએમ અને વીવીપેટ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અને 8મી ડિસેબરે ત્યાં જ આ મતોની ગણતરી કરવામાં આવશે.

(4:48 pm IST)