Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સોસાયટી-ફલેટ સહિતના ઇમારત ધારકોએ તાત્‍કાલીક પાણી વેરો ભરપાઇ કરવોઃ મનપા તંત્રની તાકિદ

એ.ઓ.પી. (એસોસીએશન ઓફ પર્સનસ)ના બાકી વોટર ચાર્જ ભરવા અપીલઃ સમય મર્યાદામાં વેરો ન ભરનારના નળ-કનેકશન પર કરવટ ફેરવાશે

રાજકોટ તા. ૩ :.. મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ રેસીડેન્‍સીયલ સોસાયટીઝ, રેસેડેન્‍સીયલ લો-રાઇઝ ફલેટસ, રેસીડેન્‍સીયલ હાઇ-રાઇઝ ફલેટસ, કોમર્શીયલ કોમ્‍પલેકસમાં બિલ્‍ડીંગના હોદેદારો, એઓપી (એસોસીએશન ઓફ પર્શનસ)ની માગણીના આધારે યુનિટ (મકાન, ફલેટ, દુકાન, ઓફીસ)ની સંખ્‍યાના આધારે વોટર વકર્સ શાખા દ્વારા સમ્‍પ - નળ- કનેકશન મંજૂર કરી સ્‍થાનિકે મહાનગરપાલિકા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પાણી કનેકશનના પાણી ચાર્જનું બીલ સોસાયટી-એઓપીના નામે અલગથી આપવામાં આવતું હોય છે. તેઓનો બાકી પાણી વેરો તાકિદે ભરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગેની મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ઘણા ખરા કિસ્‍સાઓમાં નગરપાલિકાના ધ્‍યાનમાં એવુ આવેલ છે કે આવી સોસાયટીઓમાં હોદેદારો-એઓપીમાં થતા ફેરફારના કારણે કે અન્‍ય કારણોસર અલગથી આવતા પાણી ચાર્જની રકમ સમયસર ન ચૂકવાતાં આ રકમ પર સરકારશ્રીના નિયમાનુસાર દંડનીય વ્‍યાજ તેમજ નોટીસ ફ્રી વસુલવા પાત્ર થાય છે તેમજ આ રકમ નિયત સમયમર્યાદામાં ભરપાઇ ન થાય તેવા કિસ્‍સાઓમાં આખરે નળ-કનેકશન કપાત કરવાની મહાનગરપાલિકાને ફરજ પડે છે.

ઉપરોકત કિસ્‍સાઓ ન બને તે માટે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના રહીશોને વધુ આર્થિક નુકશાન ન થાય તેમજ નળ-કનેકશન કપાત જેવી કાર્યવાહી કરવા સુધીની રાજકોટ મહાનગરપાલિકાને ફરજ ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ રેસેડેન્‍સીયલ સોસાયટીઝ, રેસેડેન્‍સીયલ લો-રાઇઝ ફલેટસ, રેસીડેન્‍સીયલ હાઇ-રાઇઝ ફલેટસ, કોમર્શીયલ કોમ્‍પલેકસ વિગેરે તમામને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના નળ-કનેકશનના બીલ ચેક કરી બાકી રકમ સત્‍વરે ભરપાઇ કરે તેમજ આગામી નાણાંકીય વર્ષથી નિયમીત બની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વેરા-વળતર યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે.

(4:22 pm IST)