Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ઓકસીજન ખૂટી જવાના કારણે ૬ દર્દીના મોતઃ તપાસ કરવા વિરજીભાઈ ઠુંમરની માંગણી

રાજકોટ, તા. ૩ :. લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ  વિરજીભાઈ ઠુંમરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવીને રાજકોટની એક ખાનગી હોસ્પીટલમાં ૬ દર્દીઓના ઓકસીજન ન મળવાથી મોત થયા અંગે તપાસ કરવા માંગણી કરી છે.

વિરજીભાઈ ઠુંમરે વધુમાં જણાવ્યુ છે કે, તા. ૩૦ એપ્રિલના રોજ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં વેન્ટીલેટર અને ઓકસીજન પર રહેલા ૬ દર્દીઓના ઓકસીજનના વાંકે મોત થયા હતા તેવી બીનસત્તાવાર માહિતી મને મળતા તે અંગે સત્ય હકીકત જાણવા હોસ્પીટલ તંત્ર અને કોર્પોરેશન તંત્રનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ જગ્યાએથી પુરતી માહિતી મળી ન હતી. જેથી આ બાબતે તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરી છે.

વિજયભાઈ રૂપાણીને પાઠવેલા પત્રમાં વિરજીભાઈ ઠુંમરે વધુમાં જણાવ્યુ છે કે, આ હોસ્પીટલમાં દાખલ થયેલ દર્દી પંકજભાઈ પાનસુરીયાનું તા. ૩૦ એપ્રિલના રોજ મૃત્યુ થયુ હતું. જે મારા નજીકના સંબંધી હોય, તેઓએ તથા અન્યોએ પણ આ હોસ્પીટલમાંથી ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ ટ્રીટમેન્ટના નામે શૂન્ય છે જેથી આ અંગે તપાસ કરીને ન્યાય આપવા માંગણી કરી છે.

(3:25 pm IST)