Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ત્રંબાના સોની વેપારીને વિશ્વાસ મોંઘો પડ્યોઃ રાજકોટનો રાયજાદા પરિવાર ૮૫ાા લાખના દાગીના ચાંઉ કરી ગયો

દોઢ વર્ષ પહેલા જુના ગ્રાહક મારફત રાજકોટ આશાપુરાનગરમાં રહેતાં અને સોના ચાંદીના દાગીના લે-વેંચનું કામ કરતાં શોભનાબા સાથે સંપર્ક થતાં ધંધાકીય સંબંધ આગળ વધ્યા હતાં: શરૂઆતમાં ઇમાનદારીથી કામ કર્યુઃ પણ છેલ્લે ૯૫,૪૭,૮૨૯ના દાગીના લઇ લીધા બાદ પૈસા ન દીધાઃ પોલીસમાં અરજી થતાં ૧૦ લાખ આપ્યા, બાકીના ૮૫,૪૭,૮૨૯ ન ચુકવી ધમકી દીધી : આજીડેમ પોલીસે શોભનાબા, તેના પતિ કૃષ્ણસિંહ રાયજાદા, દિલીપસિંહ રાયજાદા, ઇલાબા રાયજાદા, ધનરાજસિંહ રાયજાદા અને હિરેન્દ્રસિંહ રાયજાદા સામે ગુનો નોંધાયા : કુલ ૯૫,૪૭,૮૨૯ના દાગીના વેપારીએ આપ્યા'તાઃ પૈસાની ઉઘરાણી કરતાં રાયજાદા પરિવારે કહ્યું-તમારા દાગીના ઓગળી ગયા, હવે ઉઘરાણી કરશો તો મારી નાંખશું: એ પછી વેપારીએ અરજી કરતાં ૧૦ લાખ રોકડા આપ્યાઃ સમાધાન મુજબ ૪૦ લાખ ભુલી જવા પણ વેપારી તૈયાર થયા'તાઃ આમ છતાં પાછળથી દાગીના કે રકમ ન અપાતાં અંતે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૩: કસ્તુરબાધામ ત્રંબામાં રહેતાં મુળ જસદણના ભંડારીયાના વતની  અને ઘરે બેઠા સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં દુષ્યંત અરવિંદભાઇ કાગદડા (સોની) (ઉ.વ.૩૧) નામના યુવાન પાસેથી રાજકોટના આશાપુરાનગર-૬ ખોડિયાર ટેકરી પાસે રહતાં રાયજાદા પરિવારના ૬ લોકોએ ૯૫,૪૭,૮૨૯ના સોનાના દાગીના  લીધા બાદ તે પૈકી રૂ. ૧૦ લાખ ચુકવી બાકીના રૂ. ૮૫,૪૭,૮૨૯ ન આપી દાગીના ઓળવી જઇ છેતરપીંડી કરતાં અને જો હવે પૈસા કે દાગીનાના ઉઘરાણી કરી તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપતાં મામલો આજીડેમ પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધાયો છે. 

પોલીસે આ બારામાં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. દુષ્યંત કાગદડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરે બેઠા ગ્રાહકોના ઓર્ડર મુજબ સોના ચાંદીના દાગીના બનાવી આપું છું. મારા કારીગર સંતોષભાઇ બંગાળી તથા ભાવેશભાઇ થડેશ્વર સોની બજારમાં દાગીના બનાવવાનું કામ કરે છે. હું આ બંનેને પણ સોનાના જુના દાગીના આપુ છું અને તેમાંથી તેઓ મને નવા ઘરેણા બનાવી આપે છે. મારા જુના ગ્રાહક રાજકોટના નિલેશભાઇ ગઢવી થકી મારો પરિચય કોમલબેન ગઢવી સાથે અને કોમલબેન થકી કોઠારીયા રોડ આશાપુરાનગર-૧માં રહેતાં શોભનાબા રાયજાદા સાથે દોઢેક વર્ષ પહેલા ઓળખાણ થઇ હતી. શોભનાબા પણ સોના ચાંદીના દાગીનાની લે વેંચનું કામ કરતાં હતાં.

શોભનાબા સાથે ધંધાકીય પરિચય આગળ વધતાં મેં તેમને દાગીના જોઇતા હોય તો લઇ જવા કહ્યું હતું. એ પછી થોડા દિવસ પછી શોભનાબાને સોનાનો હાર, બુટ્ટી, ચેઇન, વીટી મળી રૂ. ૬,૩૨,૮૧૭ના દાગીના આપ્યા હતાં. આ સોનાના દાગીના તેઓએ ગ્રાહકને વેચી મને કટકે કટકે મારા નિકળતા રૂપિયા એકાદ મહીનામાં આપી દીધેલ હતા. ત્યાર બાદ શોભનાબાના પતિ કૃષ્ણસિહ રાયજાદા તથા તેમના પરીવાર વાળા સાથે સોનાના દાગીના લે વેચના સંબંધ થયેલ હતાં. તેઓ મારી પાસેથી જે સોનાના દાગીના લેતા હતા. તેનો હીસાબ મને આપી દેતા હતા.  આ રીતે મારે આ શોભનાબા તથા તેમના પતિ ક્રુષ્ણસિંહ રાયજાદા સાથે વિશ્વાસ કેળવાઇ ગયેલ હતો. જેથી હું તેમને રેગ્યુલર સોનાના દાગીના આપતો હતો. તેઓ મારે ત્યાં ત્રબા ગામે આવી સોનાના દાગીના લઇ જતા હતા અને વેંચાયા બાદ પૈસા આપી દેતા હતા. અને હું પણ તેમને ત્યા રાજકોટ આશાપુરાનગરમાં દાગીના આપવા જતો હતો.

આજથી આઠેક માસ પહેલા તા.૧૩/૧૧/૨૦૨૦ થી તા.૨૫/૧૧/૨૦૨૦ દરમિયાન મેં આ શોભનામાં કૃષ્ણસિંહ રાયજાદા તથા તેમના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા,  ઇલાબા દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા તથા હીરેન્દ્રસિંહ કૃષ્ણસિંહ રાયજાદાને ૨૨ કરેટનાં ૧૮૦૫ ગ્રામ દાગીના જેમા ચેઇન, બુટી, બ્રેસલેટ, બંગળી તથા સાંકળા જેની કિંમત એક ગ્રામના રૂ. ૫૦૯૨ મળી કુલ રૂપિયા ૯૧,૯૧,૦૬૦ તથા ૧૯ કેરેટના ૮૦,૯૦૦ ગ્રામ બુટી જેની એક ગ્રામની કિંમત  ૪૪૧૦ ગણી રૂ. ૩,૫૬,૭૬૯ની  મળી કુલ ૧૮૮૫.૯  ગ્રામ સોનાના દાગીના આપ્યા હતાં. જેની કુલ કિંમત રૂપિયા ૯૫,૪૭,૮૨૯ થાય છે તે દાગીના મેં મારા કારગરો સંતોષભાઇઅને ભાવેશભાઇ મારફત બનાવીને આપ્યા હતાં.

આ દાગીના અમે શોભનાબાના ઘરે જઇને તેને આપ્યા હતાં. ત્યારે મારી સાથે ફઇનો દિકરો ચિરાગ ઘોરડા અને કારીગર ભાવેશભાઇ પણ હતાં. તે વખતે શોભનાબા, તેના પતિ સહિતે પોતે આ દગીના બીજા ગ્રાહકોને બતાવી વેંચીને બે-ત્રણ દિવસમાં પેમેન્ટ આપી દેશે તેવી ખાત્રી આપી હતી. વિશ્વાસે કામ ચાલતું હોઇ આ બાબતનું કોઇ લખાણ અમે કર્યુ નહોતું.  ત્રણેક દિવસ બાદ મેં શોભનાબાને તથા તેમના પતિ કૃષ્ણસિંહ રાયજાદાને પેમેન્ટ બાબતે કહેતા તેઓએ મને જણાવેલ કે ગ્રાહકે હજુ સોનાના દાગીના લેવા અંગે કોઇ વાત કરેલ નથી. જેથી હજુ બે ત્રણ દિવસ લાગશે તેવું કહેતા લાંબા સમયથી વિશ્વાસ બંધાઇ ગયેલ હોઇ જેથી મે પેમેન્ટ લેવા બાબતે ઉતાવળ કરી નહોતી.

એ પછી  ફરીવાર બે ત્રણ દિવસ બાદ શોભનાબાને ત્યાં પેમેન્ટ લેવા જતા તેણે, તેના પતિ તથા બીજા કુટુંબીજનોએ કહેલું કે, 'હવે તમે સોનાના દાગીના તથા પૈસા ભુલી જજો અને હવે પછી ઉઘરાણી કરવા અહી આવતા નહિ' તેમ કહીને મને ભગાડી દીધો હતો. ત્યાર બાદથી આજ સુધી મેં મારા દાગીના અને તેના રૂ. ૯૫ લાખની ઉઘરાણી કરતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો તેમજ તારા દાગીના ઓગળી ગયા...તેમ કહી ઉડાઉ વાત કરી હતી. એટલુ જ નહિ મને હવે પછીઉઘરાણી કરી તો મારી નાંખશું તેવી ધમકી પણ આપતાં અંતે મેં અગાઉ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

એ પછી કૃષ્ણસિંહ રાયજાદા સાથે સમાધાન થઇ જતાં મને રૂ. ૧૦ લાખ આપી દીધા હતાં. બાકીના ૪૦ લાખ મારે જતાં કરવાના હતાં. તે વખતે મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ જાડેજા વડાળીવાળા તથા તેઓ તરફથી હિરેનભાઇ ભીંડી હાજર હતાં. ત્યારે કૃષ્ણસિંહ રાયજાદાએ મને તેના એચડીએફસી બેંકના પાંચ કોરા ચેક આપ્યા હતાં. જે ચેક હાલ મારી પાસે છે અને વટાવ્યા નથી. સમાધાન થયા પછી મુદ્દત વીતી જવા છતાં શોભનાબા, કૃષ્ણસિંહ તથા તેના પરિવારજનોએ મારા બાકીના દાગીના કે પૈસા આપ્યા નહોતાં. હજુ પણ તે આપતાં ન હોઇ અને થાય તે કરી લેવા ધમકી આપતાં હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી છે. મારા કુલ ૯૫,૪૭,૮૨૯ના દાગીના મેળવી લઇ મારી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોઇ અને માથે જતાં ધમકી અપાતી હોઇ જેથી ફરિયાદ કરવી પડી છે.

તેમ અંતમાં દુષ્યંત કાગદડાએ જણાવતાં પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ જી. એન. વાઘેલાએ તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:41 am IST)