Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટમેટાના બાકી રાખેલા રૂ. ૨૦ માટે બખેડોઃ લાલા-નિતીને હિરેનની આંગળી ભાંગી નાંખી

અમને ટમેટા દેતા આવડે છે તો એના પૈસા કઢાવતા'ય આવડે છે કહી દેકારો મચાવ્યો : ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળની પ્રિયદર્શીની સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૩: મવડી ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાછળ ઓમનગર રોડ પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતાં હિરેન વિનોદભાઇ ગોહેલ (ઉ.વ.૩૩)ને ઘર નજીક રહેતાં અને બકાલાનો ધંધો કરતાં લાલો રજપૂત અને તેના ભાઇ નિતની રજપૂતે ઘરે આવી ગાળો દઇ લાકડીથી માર મારતાં શરીરે ઇજા કરતાં તેમજ જમણા હાથની આંગળી ભંગી નાખતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. હિરેન માલિયાસણમાં ખાણીપીણીની લારી રાખી ધંધો કરે છે. તેના કહેવા મુજબ તેણે પરમ દિવસે લાલો અને નિતીનની રેંકડીએથી ટમેટા લીધા હતાં. તેના રૂ. ૨૦ બાકી રાખ્યા હતાં. પોતે સવારે ધંધે જઇ સાંજે ઘરે આવે છે. સાંજે તેના ઘરે લાલા અને નિતીને આવી તેના બા પાસે મોટા અવાજે ઉઘરાણી કરી 'અમને ટમેટા દેતા આવડે છે તો પૈસા કઢાવતા'ય આવડે છે' કહે માથાકુટ કરી હતી.

પોતે રાતે સાડા નવેક વાગ્યે ધંધેથી આવ્યો ત્યારે બંને ભાઇઓને ૨૦ રૂપિયા માટે આ રીતે પોતાના માતા સાથે ઝઘડો ન કરાય તેમ સમજાવતાં તેના પર લાકડીથી તૂટી પડ્યા હતાં. જેમાં હાથની આંગળી ભાંગી ગઇ હતી.

(1:00 pm IST)