Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

બાયો ડિઝલના કેસમાં છ મહિના બાદ એફએસએલ રિપોર્ટ આવતાં ફોજદારી

તાલુકા મામલતદારની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે શિવશકિત એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક મયુરસિંહ રાણા સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩: ઘંટેશ્વર પાસે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ નજીક આવેલી શિવશકિત એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ગેરકાયદે બાયો ડિઝલ વેંચાતુ હોવાનો પર્દાફાશ તંત્રએ કર્યો હતો. તેના છ મહિના બાદ બાયો ડિઝલના સેમ્પલનો એફએસએલમાંથી રિપોર્ટ આવી જતાં યુનિવર્સિટી પોલીસે પેઢીના સંચાલક વિરૂધ્ધ તાલુકા મામલતદારની ફરિયાદ પરથી ગુનો નોધ્યો છે.

પોલીસે કુવાડવા રોડ પર રહેતા મુળ જુનાગઢના વતની તાલુકા મામલતદાર કે. એમ. કથીરીયા (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી સરિતા વિહાર સોસાયટી બ્લોક નં. ૨૨૧ શકિત કૃપા ખાતે રહેતાં મયુરસિંહ અજીતસિંહ રાણા સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩, ૭ અને આઇપીસી ૨૮૫ મુજબ ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનિય છે કે તા.૧૫-૧૨-૨૦૨૦ના રોજ પ્રાંત અધિકારી સહિતની ટીમે બાયો ડિઝલના પંપોની તપાસ કરતાં મયુરસિંહના શિવશકિત એન્ટરપ્રાઇઝ ખાતે એનઓસી મેળવ્યા વગર એલઓડીનું વેંચાણ કરવામાં આવતું હોવાનું અને વાહનોમાં ઇંધણ તરીકે આઉટલેટથી ભરી અપાતું હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પેદાસોનું વેંચાણ થતું હોઇ કુલ રૂ. ૪,૫૭,૪૬૦નો ૭૫૨૪ લિટર બાયોડિઝલનો જથ્થો સીઝ કરાયો હતો.

એ પછી નમુના લઇ એફએસએલમાં મોકલાયા હતાં. છ મહિના પછી હવે તેનો રિપોર્ટ આવતાં પેઢીના સંચાલક સામે ગુનો દાખલ કરવાવામાં આવતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડની તજવીજ કરી છે.

(3:09 pm IST)