Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

બપોરે માસ્કનો દંડ ભરી જતાં રહ્યા, સાંજે પાછા આવી શુટીંગ કરવા માંડ્યા

દવાની કંપનીના કર્મચારીઓ વિરલ અને હિરેનને પત્રકારના નામે પોલીસ સામે સીન મોંઘા પડ્યા

પોલીસ કર્મચારીઓ ચોકી અંદર બેઠા'તા ત્યારે એક શખ્સ આવી વિડીયો ઉતારવા માંડ્યોઃ તેને અટકાવતાં કહ્યું હું પ્રેસ રિપોર્ટર છું, બીજા શખ્સે પણ આવી શુટીંગ ચાલુ કર્યુઃ મારામારી કરીઃ ધરપકડ

રાજકોટ તા. ૩: શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી પંચાયત ચોકીના સ્ટાફે ગઇકાલે બપોરે માસ્ક વગર નીકળેલા બે શખ્સને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી હોઇ ખાર રાખી આ બંનેએ સાંજે ફરીવાર આવી પોલીસ ચોકીમાં બેઠેલા સ્ટાફનું વિડીયો શુટીંગ ઉતારવાનું ચાલુ કરી દેતાં તેને સ્ટાફે અટકાવતાં 'અમે પ્રેસ રિપોર્ટર છીએ, તમારું શુટીંગ પ્રેસમાં આપવું છે' તેમ કહી પોલીસ સાથે જેમ તેમ બોલી ગાળો દઇ ચોકી અંદરના ટેબલ પર પડેલા અરજીના કાગળો ફેંકી દઇ તોફાન કરતાં  તેમજ હેડકોન્સ્ટેબલ તેને અટકાવવા જતાં તેને પાટા મારી લેતાં બાદમાં બંનેને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બનાવમાં હેડકોન્સ. વિજયભાઇ એચ. બાલસની ફરિયાદ પરથી સાધુ વાસવાણી રોડ ઓસ્કાર સીટી એપાર્ટમેન્ટ પહેલા માળે ફલેટ નં. ૧૭૩માં રહેતાં મુળ માણાવદરના થાનીયાણા ગામના હિરેન ધીરજલાલ ખાનપરા (ઉ.૩૬) અને બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક બ્લોક નં. ૩ સાગર એપાર્ટમેન્ટમાં રહેતાં વિરલ પંકજભાઇ ધીણોજા (ઉ.વ.૩૧) સામે આઇપીસી ૧૮૬, ૧૮૯, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે.

વિજયભાઇ બાલસે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે અમે સાંજે સાડા સાતેક વાગ્યે પંચાયત ચોકીમાં પીએસઆઇ એચ. જે. બરવાળીયા, હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડ, સંજયભાઇ દાફડા, કોન્સ. વિપુલભાઇ ઓળકીયા, મેહુલસિંહ ચુડાસમા, નિલેષભાઇ મિંયાત્રા એમ બધા બેઠા હતાં અને કામ કરતાં હતાં ત્યારે એક શખ્સ મોબાઇલ લઇ ચોકી અંદર આવી અમારો વિડીયો ઉતારવા માંડતા તેને બોઘાભાઇએ  શુટીંગ શું કામ ઉતારો છો? તેમ કહેતાં તેણે હું પ્રેસ રિપોર્ટર છું, મારું નામ વિરલ છે, તમારુ શુટીંગ પ્રેસમાં આપવું છે તેમ કહ્યું હતું. ત્યાં બીજા શખ્સે પણ આવી ચોકી અંદર શુટીંગ ચાલુ કર્યુ હતું. તેને અટકાવતાં બંને ગાળાગાળી કરવા માંડ્યા હતાં. ટેબલ પરથી અરજીના કાગળો પછાડી તોફાન કરવા માંડ્યા હતાં.

અમે બધા તેને પકડવા જતાં વિરલે મને પાટા માર્યા હતાં. એ પછી બળપ્રયોગ કરી અમે બંનેને પકડી લઇ પુછતાછ કરતાં પોતાના નામ વિરલ ધીણોજા અને હિરેન ખાનપરા જણાવ્યા હતાં. વિશેષ પુછતાછમાં બંનેએ પોતે દવાની કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતાં હોવાનું કબુલ્યું હતું. બંનેનેમાસ્કનો દંડ આપ્યો હોઇ જેનો ખાર રાખી પત્રકારના નામે ચોકીમાં આવી શુટીંગ કરી ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી મારામારી કરી હોઇ બંને સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

પત્રકારના નામે ખોટા સીન કરવા જતાં દવાની કંપનીના આ કર્મચારીઓને ગુનેગાર બનવાની વેળા આવી હતી. એ પછી જામીન પર છુટકારો થયો હતો.

(3:10 pm IST)