Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સાસુને સળગાવી દઇને હત્યાના ગુન્હામાં પકડાયેલ પુત્રવધુની જામીન અરજી ફગાવતી કોર્ટ

આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છેઃ બિનલબેન રવેશીયા

રાજકોટ તા. ૩: ઘરેલું કજીયાના કારણે સાસુને સળગાવી દઇને હત્યા કરવા અંગે પકડાયેલ આરોપી પુત્રવધુ અમૃતબેન વસંતભાઇ મકવાણાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી કે. ડી. દવેએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અહીંના જામનગર રોડ ઉપર બીજા પુત્રના ઘરે ગયેલ મરનાર દેવુબેન નાનજીભાઇ મકવાણા ઉપર સળગતો પ્રાઇમસ ફેંકી જીવતા સળગાવી દઇને હત્યા કરી હતી.

આ ગુનામાં પોલીસે ખુનનો ગુનો નોંધીને આરોપી પુત્રવધુ અમૃતબેનની ધરપકડ કરીને જેલહવાલે કરતાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કેસમાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. નાના-મોટા ઘરેલું ઝઘડામાં ફરીયાદી (મરનાર) તેના મનહરપુર ગામે રહેતા બીજા પુત્રના ઘરે ગયેલા ત્યારે આરોપી પુત્રવધુ એ ઉશ્કેરાઇ જઇને રોટલી વણતી વખતે સળગતો પ્રાયમસ ફેંકીને પુત્રવધુએ સાસુ ઉપર ફેંકતા સાસુનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ છે. તેવો ફરિયાદ પછીના કેસની હકકતો જોતાં આરોપી પુત્રવધુની સંડોવણી પ્રથમ દર્શનીય જણાતી હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી કે. ડી. દવેએ આરોપીની પુત્રવધુની જામીન અરજીને રદ કરેલ હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(3:11 pm IST)