Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

તું તારા માવતર પાસેથી હપ્તાના પૈસા લઇ આવ કહી પરીણીતાને પતિ-સાસરીયાનો ત્રાસ

જે.કે.પાર્કમાં રહેતી દર્શના ખૂંટની ફરિયાદઃ છૂટાછેડા માટે પતિએ દબાણ કરતા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતોઃ પતિ અલ્પેશ, સાસુ કંચનબેન, સસરા દામજીભાઇ, જેઠ જગદીશ, જેઠાણી જુલી તથા કાકીજી કિરણબેન સામે ગુનો

રાજકોટ, તા.૩: કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે જે.કે. પાર્કમાં રહેતી પરિણીતાને માવતરેથી મકાનની લોન ભરવા માટેના પૈસા લઇ આવવા તેમજ છૂટાછેડા આપવા માટે દબાણ કરી પતિ, સાસુ, સસરા, જેઠ-જેઠાણી અને કાકીજી સાસુ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે જે.કે. પાર્ક શેરી નં.૩માં સાસરીયુ ધરાવતી દર્શના અલ્પેશ ખુંટ (ઉ.વ.૨૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ અલ્પેશ દામજીભાઇ ખૂંટ, સાસુ કંચનબેન ખૂંટ, સસરા દામજીભાઇ ખૂંટ, કાકીજી સાસુ કિરણબેન રઘુભાઇ ખૂંટ, જેઠ જગદીશ ખૂંટ અને જેઠાણી જુલી જગદીશ ખૂંટના નામ આપ્યા છે. તેણે ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાના માવતર માંડા ડુંગર લક્કીરાજ ફાર્મની પાછળ ઓમ તીરૂપતી પાર્ક હીંગળાજવાળી શેરીમાં રહે છે. પોતાના અઢી વર્ષ પહેલા અલ્પેશ ખૂંટ સાથે લગ્ન થયા હતા. લગ્નના શરૂઆતમાં એક વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલેલ હતો. પતિ અવારનવાર કહેતો કે 'મારે મકાનના હપ્તા ચાલુ છે. જેથી તુ મારા માવતર પાસેથી હપ્તાના પૈસા લઇ આવ' કહી અવાર નવાર પૈસાની માગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપતો હતો. જેથી એકાદ વર્ષ પહેલા પોતે મહિલા પોલીસ તથા આજી ડેમ પોલીસ મથકમાં અરજી કરી હતી. ચાર દિવસ પહેલા છૂટાછેડા બાબતે ઝઘડો થતા પતિએ મકાનના બીજા માળેથી ઠેકડો મારતા તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોતે માવતર ગયા હતા બાદ સાસરિયાઓ પતિને મળવા દેતા નહી અને ફોન કરે તો ફોન કાપી નાખતા લાગી આવતા પોતે ઉંદર મારવાની દવા પી આજીડેમમાં ઝંપલાવતા  ત્યાં કપડા ધોઇ રહેલી મહિલાએ પોતાને પાણીમાંથી બહાર કાઢી પોતાના મોબાઇલમાંથી ફોન કરી જાણ કરતા માતા-પિતા તથા માસીનો દીકરો ત્રણેય આવી ગયા હતા અને પોતાને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ બનાવ અંગે પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ જે.આઇ. વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)