Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેનનો ભકિતનગર સ્ટોપ ફરી ચાલુ કરોઃ અતુલ રાજાણી

કોરોના કાળમાં બંધ કરાયેલો સ્ટોપ કરી શરૂ નહી કરાતા મુસાફરો ત્રાહીમામઃ રાજકોટ અને ભાવનગર ડીવીઝન વચ્ચે રજૂઆતોની ફેકાફેંકીઃ નિયમિત અપડાઉન કરતા ૩૦૦થી વધુ મુસાફરો આંદોલનના મુડમાં

રાજકોટ તા. ૩ :.. અહીંની રાજકોટ થી પોરબંદર જતી લોકલ ટ્રેનનો (ટ્રેન નં. ૦૯પ૭૩-૦૯પ૭૪) ભકિતનગર રેલ્વે સ્ટેશનનો સ્ટોપ એકાએક કોઇપણ પ્રકારની સતાવાર જાહેરાત કર્યા વિના બંધ કરી દેવામાં આવતા દરરોજ આ ટ્રેનમાં અપ-ડાઉન કરતા રાજકોટના ૩૦૦ થી વધુ મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠયા હોવાનું ડીઆરએમ કરેલી રજૂઆતમાં ઝેઙ આર. યુ. સી. અને ડી. આર. યુ. સી. સી.ના પૂર્વ મેમ્બર અતુલ રાજાણીએ જણાવ્યું છે.

રાજકોટ ડી. આર. એમ.ને કરેલી રજૂઆતમાં અતુલ રાજાણીએ જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન આજથી ત્રણ મહિના પૂર્વે એકાએક ઉપરોકત ટ્રેનનો ભકિતનગર રેલ્વે સ્ટેશનનો સ્ટોપ બંધ કરાયો હતો શા માટે બંધ કરાયો તે પણ જાહેર કરાયુ ન હતું. પાછળથી મૌખિક વાતચીતમાં કોરોનાના કારણે કામચલાઉ ધોરણે સ્ટોપ બંધ કરાયાનું સ્ટાફે મુસાફરોને જણાવ્યું હતું.

કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ સ્ટોપ શરૂ નહી થતા પુછપરછ કરતા લક્ષ્મીનગર બ્રિજનું કામ ચાલુ હોય સ્ટોપ બંધ કરાયાનું જણાવ્યું હતું. હવે તે પણ પૂર્ણ થઇ ગયુ છે છતાં સ્ટોપ બંધ છે. મુસાફરો દ્વારા કરાતી રજૂઆતો સાંભળવાની સ્ટેશન કે જંકશનનો સ્ટાફ તસ્દી લેતો નથી. અને ભકિતનગર સ્ટેશન ભાવનગર ડીવીઝનમાં આવે માટે ત્યાં જઇ રજૂઆત કરો તેવા ઉડાઉ જવાબ મળે છે.

ત્રણ મહિનાથી લગાતાર વિવિધ સ્તરે લેખીત-મૌખિક અને ટેલીફોનીક રજૂઆતો છતાં ઉપરોકત ટ્રેનનો સ્ટોપ શરૂ કરાયો ન હોય હવે મુસાફરો આ મામલે આંદોલનના મુડમાં છે. અંતમાં ડી. આર. એમ. ને અતુલ રાજાણીએ જણાવ્યું છે કે જો વહેલી તકે સ્ટોપ પુનઃ શરૂ નહી કરાય તો મુસાફરો આ મામલે વેસ્ટર્ન રેલ્વેઝ હેડ કવાર્ટર્સ, મુંબઇ સુધી રૂબરૂ જઇને રજૂઆત કરશે તાજેતરમાં જ આઠ જેટલી ટ્રેનના ભકિતનગર સ્ટેશને બંધ કરાયેલા સ્ટોપ ફરીથી શરૂ કરી દેવાયા છે. તો રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેનનો સ્ટોપ શરૂ નહી કરીને સ્થાનીક મુસાફરોને શા માટે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેવો સવાલ અંતમાં અતુલ રાજાણીએ ઉઠાવ્યો છે.

(3:59 pm IST)