Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કોંગી અગ્રણી અશોક ડાંગરના ભત્રીજાનું બાઈક ડીટેઈન કરવા પોલીસે જીદ કરતા ઘર્ષણઃ હાજર દંડ ભરવા તૈયારી છતા બાઈક કબ્જે કરવાની પોલીસની નીતિરીતી સામે આક્રોશ

ઘટના સ્થળે કોંગી પ્રમુખ ડાંગર દોડી ગયા બાદ મામલો થાળે પડયોઃ અંતે હાજર દંડ વસુલાયો

રાજકોટ, તા. ૩ :. આજે બપોરે ૧ વાગ્યા આસપાસ બહુમાળી ભવન ચોકમાં વાહન ચેકીંગ કરી રહેલી પ્ર.નગર પોલીસે એક બાઈક સ્વારને અટકાવી રજીસ્ટ્રેશન અને પીયુસી સહિતના કાગળો માગ્યા બાદ એકાદ દસ્તાવેજ હાજર ન હોવાથી યુવાને દંડ ભરવાની તૈયારી બતાવવા છતા પોલીસે બાઈક કબ્જે કરવાની જીદ પકડી હતી. યુવક અને હાજર પોલીસ વચ્ચે દલીલો થયા બાદ આ યુવકે પોતે કોંગી અગ્રણી અશોક ડાંગરનો ભત્રીજા હોવાની ઓળખ આપી હતી છતા પોલીસે અશોક ડાંગર મારા સાહેબ થોડા છે ? તેવી વાત ઉદ્ધત ભાષામાં કરી બાઈક જપ્ત કરવા જીદ પકડી હતી. આ દરમિયાન યુવાને પોતાના કાકાને મોબાઈલ લગાવી દેતા સમગ્ર ખેચતાણ સાંભળી અશોક ડાંગર ઘટના સ્થળે દોડી ગયા હતા અને દંડ વસુલવા સામે વાંધો શું છે ? તેવી દલીલ કરી કોઈ ગુન્હાહીત કૃત્યમાં મારો ભત્રીજો થોડો સંડોવાયેલો છે ? તેવો પ્રશ્ન કરી ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરી આમ લોકોને અકારણ હેરાનગતિ થતી હોવાની રજૂઆતો કરી હતી. અંતે ઉચ્ચ અધિકારીની સૂચના બાદ હાજર દંડ વસુલાતા મામલે થાળે પડયો હતો. આ અંગે કોંગી અગ્રણી અશોક ડાંગરનો સંપર્ક સાધતા તેમણે ઉપરોકત ઘટના બન્યાને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે ભાજપના સામાન્ય કાર્યકરો સામે ઘુંટણીયે પડી જતી પોલીસે મારા ભત્રીજાને અટકાવ્યો એટલે નહિ પરંતુ સામાન્ય લોકોને પણ અવારનવાર અકારણ પરેશાન કરતી હોવાની ફરીયાદો ઉઠે છે. લાખોના દંડના ટાર્ગેટ લઈ મેદાને પડતી પોલીસ માંડ-માંડ પેટીયુ રળતા લોકોના ખીસ્સા ખંખેરી લે છે તે જગજાહેર છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કાર્યવાહી કરે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ સામાન્ય બાબતોમા આમજનને હેરાનગતિ ન થાય અને કાયદા મુજબનો હાજર દંડ વસુલી તેમને જવા દેવાય તો લોકોમાં પોલીસની છબી ખરડાશે નહિ.

(4:28 pm IST)