Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મારા દિકરા વિરૂધ્‍ધનો કેસ પાછો ખેંચી લે નહિતર અંજામ ખરાબ આવશેઃ સોરઠીયા પ્‍લોટના કોન્‍ટ્રાક્‍ટરને મળી ખૂનની ધમકી

નવા થોરાળાના ગુલી મકવાણા વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસે હર્ષદ સરવૈયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો

રાજકોટઃ જીલ્લા ગાર્ડન પાસે રહેતાં યુવાનને થોરાળાના ગુલી નામના શખ્‍સે શનિવારે રાતે ઘર પાસે આવી ‘મારા દિકરા વિરૂધ્‍ધનો કેસ પાછો ખેંચી લે, સમાધાન નહિ કરે તો તારો અંજામ ખરાબ આવશે' તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્‍લોટ-૩માં રહેતાં અને બાંધકામ કોન્‍ટ્રાક્‍ટ રાખી કામ કરતાં હર્ષદ રણમલભાઇ સરવૈયા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી નવા થોરાળાના ગુલી મકાભાઇ મકવાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હર્ષદ તા. ૬/૬ના ઘરે હતો ત્‍યારે ચોકમાં ઘર પાસે સિધ્‍ધાર્થ ઉર્ફ રઘો ગુલી મકવાણા અને તેના મિત્રો ગાળો બોલતાં હોઇ તેને ના પાડતાં છરીથી હાથમાં ઇજા કરી હતી. એ પછી શનિવારે તા. ૩/૭ના રાતે સાડા બારેક વાગ્‍યે હર્ષદ ઘર પાસે બેઠો હતો ત્‍યારે સિધ્‍ધાર્થ ઉર્ફ રઘાના પિતા ગુલી મકા મકવાણા એક્‍ટીવા પર આવેલ અને કહ્યું હતું કે અગાઉ તે મારા દિકરા વિરૂધ્‍ધ ફરિયાદ કરી છે એ પાછી ખેંચી લે અને સમાધાન કરી લે. જેથી હર્ષદે પોતાને સમાધાન નથી કરવું તેમ કહેતાં ગુલીએ જો સમાધાન નહિ કરે તો તેનો અંજામ ખુબ જ ખરાબ આવશે, હું તારી હાલત ખરાબ કરી નાંખીશ તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી.

દેકારો થતાં હર્ષદના કુટુંબી ભાઇ મહાવીર, કૈલાસ સહિતના આવી ગયા હતાં અને ગુલીને કહેલું કે જે ફેસલો કોર્ટ કરશે તે માન્‍ય રહેશે. એ પછી તે જતો રહ્યો હતો. એ-ડિવીઝન પોલીસને હર્ષદે જાણ કરતાં હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધ્‍યો છે.

(10:55 am IST)