Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સિવિલ હોસ્પીટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ-ન્યુરોસર્જન સહીતના નિષ્ણાંતો અને મેડીકલ કોલેજમાં ડીનની નિમણુંક કરો : ગાયત્રીબા

મુખ્યમંત્રી વિજયભાઇ તેમના જન્મદિને રાજકોટને આટલી ભેટ આપે... : રાજકીય તાયફાઓ બંધ કરી ખરેખર સંવેદના દિવસ ઉજવાય તે જરૂરીઃ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ

રાજકોટ, તા., ૨: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિન પ્રસંગે આજે તંત્ર સંવેદના દિન ઉજવી રહયું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ રાજકોટને તેઓના જન્મદિનની ભેટરૂપે સિવિલ હોસ્પીટલમાં નિષ્ણાંત ડોકટરોની કાયમી નિમણુંક અને મેડીકલ કોલેજમાં ડીનની કાયમી નિમણુંક કરવાની માંગ ઉઠાવી આ પ્રસંગે થઇ રહેલા કાર્યક્રમોને રાજકીય તાયફાઓ ગણાવી તેની સામે વિરોધ દર્શાવી પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાએ આક્રોશ વ્યકત કર્યો હતો.

આ બાબતે ગાયત્રીબા અશોકસિંંહ વાઘેલાએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે રાજયની ભાજપની સરકાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પાંચ વર્ષના શાસનની અને મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની કોરોનાના કપરા કાળ રાજયમાં વધતી બેરોજગારી, મોંઘવારી વચ્ચે કરોડો રૂપીયાના ખર્ચે ઉજવણીના તાયદાઓ કરી રહી છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રીના હોમ ટાઉન રાજકોટની સરકારી સિવિલ હોસ્પીટલના અનેક સમસ્યાઓ અને અનેકવિધ સુવિધાઓની જરૂરીયાત છે જેના પ્રત્યે વર્ષોથી ધ્યાન દેવાતુ નથી. ત્યારે મા. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ અને સંવેદના દિવસે રાજકોટ સિવિલ હોસ્પીટલને જરૂરીયાત મુજબની સુવિધાઓ પુરી પાડી મુખ્યમંત્રીશ્રી અને ભાજપ સરકાર રાજકોટ અને સૌરાષ્ટ્ર જનતા પ્રત્યે સારી સંવેદના પ્રગટાવે તેવું જનતા ઇચ્છી રહી છેે.

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ઘણા સમયથી સિવિલ સુપ્રિટેન્ડન્ટ તેમજ રાજકોટની મેડીકલ કોલેજમાં ડીનની કાયમી જગ્યાઓ ખાલી હોવાના કારણે હોસ્પીટલના વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી થઇ શકતુ નથી. તો તાત્કાલીક ધોરણે આ બન્ને જગ્યાઓ ઉપર કાયમી નિમણુંક આપવી જોઇએ.

આ ઉપરાંત સિવિલ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ન્યુરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ (પેટના રોગોના નિષ્ણાંત) જેવા ડોકટરોની કાયમી જગ્યાઓ ખાલી છે અને માનદ સેવાથી કામ ચાલે છે. જેથી દર્દીઓને ઓપીડી (ઓપરેશનો) કાયમી થઇ શકતા નથી. અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખુબ પરેશાની વેઠવી પડે છે.

સિવિલ હોસ્પીટલમાં નર્સીગ સ્ટાફ સહીતનું સિવિલ હોસ્પીટલનું મોટા ભાગનું મહેકમ અને જરૂરી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીથી કામ ચલાવવામાં આવે છે.

ઓર્થો વિભાગમાં પણ કાયમી ધોરણે ડોકટર અને સ્ટાફની અછતના અભાવે ઓપરેશનોમાં કાયમી વેઇટીંગ જ હોય છે એ જ રીતે મેડીકલ વિભાગમાં આજ સ્થિતિ છે.

જેથી દર્દીઓને અમદાવાદ મોકલવામાં આવે છે. સિવિલ હોસ્પીટલ પાસે દર્દીને લઇ જવા માટે આઇસીયુ એમ્બ્યુલન્સ માત્ર ૧ (એક) જ છે અને મોટા ભાગની એમ્બ્યુલન્સો ભંગાર હાલતમાં પડી છે. જેથી ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ફરજીયાત પણે લેવા માટે ગરીબ દર્દીઓને મજબુર થઇ ઉંચા ભાડા ચુકવવા પડે છે.

સિવિલ હોસ્પીટલના એક્ષરે મશીન અવાર નવાર બંધ હોય છે. નવુ એક્ષરે મશીન આવી ગયું છે. પરંતુ તેને ઇસ્ટોલેશન કરવાની કામગીરી લગભગ ર૦ થી રપ દિવસથી ગોકળગાય ગતીએ ચાલે છે.

સિવિલના દર્દીઓને ૧ વિભાગમાંથી બીજા વિભાગમાં લઇ જવા લાવવા માટે સ્ટેચરમાં સુવડાવી સિવિલના બધા જ રોડ-રસ્તાઓ ખરાબ અને ભંગાર હાલતમાં હોવાના કારણે તેમજ આડેધડ પાર્કીગના કારણે મોટી મુશ્કેલી સર્જાય છે.

આ ઉપરાંત કોરોનાની પ્રથમ અને બીજી લહેર સમાપ્ત થઇ જતા નાના-નાના કર્મચારીઓ કે જે નજીવા પગાર ધોરણથી રાખવામાં આવ્યા છે. પરંતુ કોરોનાની પ્રથમ લહેરથી જ રૂપીયા૧ લાખ (એક લાખ) જેવી માતબર માસીક પગાર પેટે ચુકવી કેપ્ટન તરીકે ભરતી કરવામાં આવેલ કર્મચારીને શા માટે? છુટા કરવામાં આવતા નથી અને તેમનો પગાર પણ રોગી કલ્યાણ સમીતીમાંથી ચુકવવામાં આવે છે?

જયારે રોગી કલ્યાણ સમીતીનું ભંડોળ એ ગરીબ દર્દીઓના લાભાર્થે રીઝર્વ રાખવાનું હોય છે નહી કે આવા ખોટા ખર્ચાઓ માટે.

આ ઉપરાંત કોરોના કાળમાં કોરોના કાળમાં સિવિલ હોસ્પીટલમાં ડેડ બોડી લઇ જવા માટે રપ થી ૩૦ જેવી ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીઓ પર ડેના રૂપીયા (એક દિવસના રૂપીયા) ૬૦૦૦ (છ હજાર)ના ફિકસ ચાર્જથી રાખવામાં આવી હતી. તેનો પણ કોઇ યોગ્ય હિસાબ જળવાયો નથી. જેમાં પણ લાખો રૂપીયાનો ગેર વહીવટ થયાનું સ્પષ્ટ દેખાય છે.

ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીના હોમ ટાઉનમાં ખાલી પડેલી કાયમી જગ્યાઓ તાત્કાલીક ભરાઇ અને જે ફંડ જે જગ્યાએ વાપરવાનું હોય તે યોગ્ય જગ્યાએ જ વપરાય. ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટે અને રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને સરકારી સિવિલ હોસ્પીટલની સુવિધાનો પુરો-પુરો લાભ મળે તે બાબતે રાજયનું આરોગ્ય તંત્ર કામ કરે તેવી માંગ છે.

(4:14 pm IST)