Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજકોટનો હું ઋણી છું: ધારાસભ્ય તરીકે બહુમાન આપ્યું હતું

બાળકોને અભ્યાસ કરાવવા-સરકારી યોજનાનો લાભ લેવા સફાઇ કામદાર કાર્ડ હોલ્ડરને હૃદયસ્પર્શી અપીલ : રાજય સરકારે છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સેવાયજ્ઞ કર્યો છેઃ જન-જન સેવા કરવાનો સંકલ્પઃ આર. સી. ફળદુ

રાજકોટમાં એનએફએસએ કાર્ડ હોલ્ડરો સાથે વડાપ્રધાનનો સંવાદ : કીટનું વિતરણ : રાજકોટ : આજે કલેકટર કચેરી પાસે આવેલ સસ્તા અનાજની દુકાન ખાતે વડાપ્રધાન અન્ન સહાય યોજનાના લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં તસ્વીરોમાં ઉપસ્થિત એનએફએસએના કાર્ડ હોલ્ડરો, બીજી તસ્વીરમાં ઉદ્દબોધન કરતા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ, ત્રીજી તસ્વીરમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન કરી દિપપ્રાગટ્ય મંત્રી આર.સી. ફળદુ, લાભાર્થી બહેનો, કલેકટર અને એડી.કલેકટર નજરે પડે છે. ચોથી તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી ઉદ્દબોધન કરતા, પાંચમી તસ્વીરમાં વડાપ્રધાન સાથે વાતચીત કરતા કાર્ડ હોલ્ડર નયનાબેન જોષી તથા છેલ્લી તસ્વીરમાં મંત્રી આર.સી.ફળદુ દ્વારા કાર્ડ હોલ્ડર પારૂલબેન રાખસીયાને ૧૫ કિલો ઘઉંની કીટ આપતા નજરે પડે છે. 

રાજકોટ,તા. ૩ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનામૂલ્યે અનાજ વિતરણ યોજનાના લાભાર્થી શ્રીમતિ નયનાબેન સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે રાજકોટનો હું ઋણી છું. રાજકોટ થી ચૂંટાઈને લોકોએ ધારાસભ્ય તરીકે બહુમાન આપ્યા અંગેના સંસ્મરણો   વ્યકત કર્યા હતા.

લાભાર્થી નયનાબેન શું વ્યવસાય કરે છે તે અંગે સંવાદ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. બાળકોને અભ્યાસ કરાવવા તેમજ સરકારશ્રીની યોજના નો લાભ લેવા તેમજ નયનાબેન જેવા  પરિવારોના અમારા પર આશીર્વાદ છે તેમ જણાવ્યું હતું. કોરોના કાળમાં વિનામૂલ્યે અનાજ મળ્યું તે અંગે પરિવારમાં ખુબ ખુશી છે તેમ નયનાબેન એ વડાપ્રધાન શ્રી ને સંવાદ દરમિયાન જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નયનાબેન રૈયા વિસ્તારમાં શાળામાં સફાઈ કાર્ય કરે છે. વડાપ્રધાન શ્રી સાથે  સંવાદ કરવા નો અવસર મળતા  નયનાબેન એ ગૌરવ અને આનંદની લાગણી વ્યકત કરી હતી

કૃષિમંત્રી આર.સી.ફળદુ ના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરાયું

રાજકોટમાં જામ ટાવર રોડ કલેકટર કચેરી સામે ગવર્મેન્ટ એમ્પ્લોય સ્ટોર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ સમારોહ યોજાયો

આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે સુશાસન ચલાવી ગરીબો ખેડૂતો મહિલાઓ સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે સંવેદનાસભર અનેક યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સેવાયજ્ઞ કર્યો છે .પાંચ વર્ષના લોકસેવાના કાર્યો પ્રજા સમક્ષ મુકી જન-જનની સેવા કરવાનો અમારો સંકલ્પ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લામાં અન્ન વિતરણ ના રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં વિડીયો લિંકથી સમગ્ર કાર્યક્રમ લાભાર્થીઓએ નિહાળ્યો હતો. નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન શ્રી નું પ્રવચન અને રાજયના વિવિધ સ્થળોએ લાભાર્થી સાથેનો સંવાદ પણ લાભાર્થીઓ અને મહાનુભાવોએ સાંભળ્યો હતો.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી હર્ષિદાબેન શાહ ,પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ, કોર્પોરેટર શ્રી મનીષભાઈ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

(3:37 pm IST)