Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વ્યાજંકવાદનો ભોગ બન્યા હોવ તો આવી જજો રાજકોટ પોલીસના લોક દરબારમાં

સુશાસન દિવસ અંતર્ગત ૬ઠ્ઠીએ સવારે પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમમાં આયોજન

રાજકોટ તા. ૩:  સુશાસન દિવસ અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમોનુ આયોજન કરાયું  છે. જેમાં સરકાર દ્વારા તા.૦૬/૦૮ના રોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનુ આયોજન કરાયું છે. જેમાં સયુંકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ તમામ ડીવીઝનના એસીપીશ્રીઓ તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ હાજર રહેશે. આ લોકદરબાર ૬ઠ્ઠીએ સવારે  ૧૦:૦૦ થી બપોરના કલાક ૦૨:૦૦ સુધી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે.

વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે.  ઘણા નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગબનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે.

વ્યાજંકખોરીને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો નાગરિકો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ અગાઉ રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશનરની કચેરીએ અરજી કરેલ હોય અને તેમાં પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને રાજકોટ શહેરના નાગરીકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે રાજકોટ શહેરના નાગરીકોને પોલીસ કમિશનરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. 

(3:44 pm IST)