Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભાજપના કરણપરા કાર્યાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરાયું : પુષ્પવર્ષા અને રાસની રમઝટ

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬પમા જન્મદિવસ અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમોનું તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન થયેલ હોય ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રાજકોટના શહેર ભાજપના વડામથક શહેર ભાજપ કાર્યાલય ખાતે પધારી કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યુ હતું. ત્યારે  શહેર ભાજપ કાર્યાલય ખાતે તેમને વધાવવા અનેરો થનગનાટ વ્યાપી ગયેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ કાર્યાલય ખાતે અનેરૂ સુશોભન, રંગબેરંગી ફુગ્ગા, નયનરમ્ય ફુલોના હાર, આકર્ષક સ્ટેજ અને પ્રવેશદ્વાર, બાળાઓ ઘ્વારા પુષ્પવર્ષા અને રાસની રમઝટ અને બેન્ડની સુરાવલિ, ઢોલ, શરણાઈ, રંગબેરંગી ફૂગ્ગાઓ, ફટાકડાઓ અને 'ભારત માતા કી જય'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ  હતું. ત્યારે આ ભવ્ય સ્વાગત અને ઉપસ્થિત કાર્યકર્તાઓનો ઉમળકો નિહાળી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંંત્રમુગ્ધ બન્યા હતા અને સૌનો આભાર વ્યકત કર્યો હતો.  વિજયભાઈ રૂપાણીએ  શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે તીખા ગાંઠીયાનો આસ્વાદ માણી ભુતકાળને જીવંત કર્યો હતો અને જણાવેલ કે 'હું જયારે શહેર ભાજપ કાર્યાલય ખાતે આવુ છુ ત્યારે મારો થાક ઉતરી જાય છે.' ત્યારે વિજયભાઈ રૂપાણીનું સૌપ્રથમ ખેસથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર અને બુકેથી સ્વાગત શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી તેમજ કાર્યાલય પરીવારે કર્યુ હતું.

(3:45 pm IST)