Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આ છે રાજકોટઃ થુંકીને અને માસ્ક ન પહેરી ૨ કરોડ દંડ ભર્યો!

અનલોક-૩માં એક મહિનામાં શહેર પોલીસે જાહેરનામા ભંગના ૧૬૭૩ કેસ નોંધ્યા અને ૨૩૫૬ વાહનો ડિટેઇન કર્યા : કુલ ૨૫૭૩૧ લોકો પાસેથી ૨,૦૭,૫૫,૧૦૦નો દંડ ૫૦૦-૧૦૦૦ લેખે વસુલ કરાયોઃ અનલોક-૪નું કડક પાલન કરવા અને દંડથી બચવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

રાજકોટ તા. ૩: કોરોના મહામારીને નાથવા વિશ્વ આખુ ઝઝુમી રહ્યું છે. મહામારી ભારતમાં ફેલાતી અટકે એ માટે સરકાર અલગ-અલગ માર્ગદર્શિકા બહાર પાડે છે અને જે તે શહેરોમાં પણ પોલીસ કમિશનર દ્વારા કોવિડને લગતાં જાહેરનામા બહાર પાડવામાં આવે છે. જેનો ભંગ કરવા બદલ દંડ વસુલવામાં આવે છે અને ગુના નોંધી વાહનો પણ ડિટેઇન કરવામાં આવે છે. અનલોક-૩ દરમિયાન રાજકોટ શહેર પોલીસે જાહેરનામા ભંગના ૧૬૭૩ કેસ કર્યા છે અને ૨૩૫૬ વાહનો ડિટેઇન કર્યા છે. રાજકોટના અમુક લોકોને કોરોનાનો ભય જ ન હોય તેમ બિન્દાસ્ત માસ્ક વગર રઝળપાટ કરતાં રહે છે અને જાહેરમાં થુંકતા પણ રહે છે. આવા લોકો પોલીસની નજરે ચડી જતાં ૫૦૦-૧૦૦૦ લેખે દંડ વસુલ કરવામાં આવે છે. રાજકોટની આવી જનતાએ એક મહિનામાં એટલે કે અનલોક-૩ના ગાળામાં રૂ. બે કરોડથી વધુનો દંડ થુંકવા અને માસ્ક ન પહેરવા બદલ ભર્યો છે!

પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર તા. ૧-૦૮-૨૦ થી ૩૧-૦૮-૨૦ સુધીના અનલોક-૩ના ગાળામાં જાહેરમાં થુંકનારા અને માસ્ક નહિ પહેરનારા કુલ ૨૫૭૩૧ લોકોને પકડી લેવામાં આવ્યા હતાં અને થુંકવાના ૫૦૦ તથા માસ્ક નહિ પહેરવાના ૧૦૦૦ લેખે કુલ રૂ. ૨,૦૭,૫૫,૧૦૦ (બે કરોડ સાત લાખ પંચાવન હજાર એકસો)નો દંડ વસુલાયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે હવે અનલોક-૪માં સરકારની સુચના મુજબ શહેરીજનોને વધુ છુટછાટ આપવામાં આવી છે. પરંતુ સરકારની માર્ગદર્શિકાઓ અને કોરોનાને લગતા જાહેરનામાનો પ્રજાજનોએ ચુસ્ત અમલ કરવો પડશે. જાહેરમાં થુંકનારા અને માસ્ક પહેરીને નહિ નીકળનારા લોકો પાસેથી પોલીસ દંડ વસુલવાની કાર્યવાહી ચાલુ જ રાખશે. આ માટે ખાનગી ડ્રેસમાં પોલીસની ટીમો ડેકોય રાખી રેસકોર્ષ રીંગરોડ સહિતની ભીડભાડવાળી જગ્યાએ ખાસ કેસ કરશે.

જાહેર સ્થળોએ, કામના સ્થળોએ તેમજ મુસાફરી વખતે પણ માસ્ક ફરજીયાત છે. અન્યથા ૧૦૦૦નો દંડ ભરવો પડશે. આ ઉપરાંત જાહેરમાં થુંકતા પકડાશો તો રૂ. ૫૦૦ દંડ વસુલવામાં આવશે. કન્ટેઇનમેન્ટ ઝોન, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સહિતના નિયમોનું અગાઉની જેમ પાલન કરવાનું રહેશે. માસ્ક ન પહેરાનારા અને જાહેરમાં થુંકનારા પાસેથી દંડ વસુલવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો કોરોનાથી બચી શકાય અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. લોકો જાતે જ આ નિયમોનું પાલન કરે અને માસ્ક પહેરીને નીકળે તેમજ જાહેરમાં થુંકે નહિ તો પોલીસને દંડ વસુલવાની તક જ નહિ મળે. સમજુ રાજકોટવાસીઓ આટલુ સમજે તો દંડથી અને કોરોનાથી એમ બંનેથી બચી શકાશે.

(2:38 pm IST)