Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોનાને નાથવા ૧૨૦૦ની ફોજ મેદાનમાં : ૩૬ ટેસ્ટવાન દોડતી થઇ

ત્રણ દિવસ સુધી દરેક વોર્ડમાં ૨ કોરોના ટેસ્ટવાન ફરશે : કોર્પોરેશનની તપાસ શાખાના કલાર્ક - હેડકલાર્ક સહિતનાઓને કોરોના ટેસ્ટ માટે કામે લગાડાયા : ઉદિત અગ્રવાલ

મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગના ૩૬ વ્હીકલનો ડે.મેયર અને મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ફલેટ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩ : વિશ્વમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસને અટકાવવા તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા આજથી ત્રણ દિવસ ૧૨૦૦ કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરી લક્ષણો ધરાવતા વ્યકિતઓનો તુરંત જ ટેસ્ટ કરવામાં આવશે. આ માટે ખાસ દરેક વોર્ડમાં ૨ સહિત કુલ ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ વાન શરૂ કરવામાં આવ્યા છે. તેમ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, વિશ્વમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસને WHOએ પેન્ડેમિક જાહેર કરેલ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય અને રાજ્ય સરકારની ગાઇડ લાઇન અનુસાર રાજ્યમાં આ રોગને અટકાવવા વિવિધ પગલાઓ હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવા અસરકારક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ વધવા પામેલ હોય સાવચેતીના ભાગરૂપે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રીત કરવા માટે યોગ્ય પગલા લેવા જરૂરી છે.

હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજકોટ શહેરના વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણને અટકાવવા માટે સર્વેલન્સની કામગીરી કરવી ખૂબ જ આવશ્યક છે જેથી આ ઝુંબેશ સ્વરૂપની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ માટે દરેક વિભાગના ૨૫૦ કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં ઘરે - ઘરે સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં કોરોના શંકાસ્પદના લક્ષણો જણાય તો તુરંત જ ટેસ્ટ કરવામાં આવશે.

અંતમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતંુ કે, લોકો કોરોના ટેસ્ટ કરવામાં ભરાય નહિ, તુરંત '૧૦૪' વાત અને નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

૩૬ ટેસ્ટીંગ વ્હીકલનો પ્રારંભ

મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં કોરોના રોગના સર્વેલન્સી નિદાન તથા સમયસર સારવાર અને અટકાયતી પગલાના ભાગરૂપે ૫૦ થી વધુ ધનવંતરી રથ, સંજીવની રથ શરૂ કરેલ. ત્યારબાદ થોડા સમય પહેલા જ ૧૦૪ સેવા રથનો નવો અભિગમ ચાલુ કરેલ છે.

આજરોજ દરેક વોર્ડમાં બે વ્હીકલ મુજબ કુલ ૩૬ કોવીડ-૧૯ ટેસ્ટીંગ વહીકલને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજયના નાણા વિભાગના સચિવ મિલિન્દ તોરવણે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિગેરે દ્વારા ફલેગ આપી એન્ટીજન વાહન ટેસ્ટીંગનો શુભારંભ કરાયો. ડે.કમિશનર પ્રજાપતિ, ડો.પી.પી. રાઠોડ તથા આરોગ્યનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સર્વેલન્સમાં ટીમ દ્વારા એ/પી માર્કીંગ કરેલ હોય ત્યાં એન્ટીજન ટેસ્ટીંગ માટેનો વિકલ્પ દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવશે. આ વિકલ્પમાં પી.પી.ઈ. તથા એન્ટીજન કીટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(3:19 pm IST)