Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજકોટ સહિત પ મહાનગરો, ૧૬ જિલ્લા પંચાયત અને ર૯ તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર

રાત સુધીમાં સીમાંકન અને રોટેશન અંગેનું જાહેરનામું બહાર પડી જવાના સંકેત : વસ્તીના ઉતરતા ક્રમ મુજબ અનામત બેઠકોની ફાળવણી : રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર

રાજકોટ, તા., ૩: ગુજરાત રાજય ચુંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીને અનુલક્ષીને નવા સિમાંકન અને એસ.સી., એસ ટી., ઓબીસી વગેરે મુજબ અનામત બેઠકોની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લી ઘડીનું કોઇ અણધાર્યુ કારણ ન સર્જાય તો આજે રાત સુધીમાં આ અંગેનું જાહેરનામું બહાર પડી જવાના સ્પષ્ટ સંકેત છે. નવા સિમાંકન અને અનામત બેઠકોની ફાળવણીના કારણે રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારો આવી રહયા છે. હાલના અમુક ચુંટાયેલા સભ્યોએ મતક્ષેત્ર બદલવા પડશે અથવા ચુંટણી લડવાનુ માંડી વાળવુ પડશે.

આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ જયાં હદમાં ફેરફાર થયો છે તેવી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં જ નવેસરથી સિમાંકન કરવામાં આવ્યું છે. અન્ય પાલિકા-પંચાયતોમાં કોઇ ફેરફાર નથી. રાજયમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત અને વડોદરા સહીત પાંચ મહાનગરોમાં હદમાં વધારો થવાથી નવુ સિમાંકન થયું છે.

૭ સુધરાઇઓમાં તેમજ જયાં ચુંટણી છે તેવી ૩૧ પૈકી ૧૬ જિલ્લા પંચાયતોમાં સિમાંકનમાં ફેરફાર થયો છે. ૨૯ તાલુકા પંચાયતોની હદમાં ફેરફાર થયો છે.

નવા સિમાંકનના જાહેરનામા બાદ અઠવાડીયાની મુદત આપી લોકો પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવશે. તેના નિકાલ બાદ આખરી આદેશ બહાર પાડવામાં આવશે. અનામત બેઠકોની ફાળવણી નિયમ મુજબ વસ્તીના ઉતરતા ક્રમમાં કરવામાં આવે છે તેના માટે કોઇ વાંધા સુચન મંગાવાતા નથી.

દરેક સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં કુલ બેઠકોમાંથી ૫૦ ટકા બેઠકો મહિલા અનામત રહેશે. કુલ બેઠકોની સંખ્યા અંગેનું જાહેરનામું સરકાર દ્વારા અગાઉ બહાર પડી ગયું છે.

(3:19 pm IST)