Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સિવિલની સુવિધા કેવી છે ? વિજયભાઇનો દર્દીઓ સાથે સીધો સંવાદ

કોવિડ -૧૯ હોસ્પિટલની મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ મુલાકાત તથા કોરોના સંક્રમિત દર્દીઓ, ડોકટરો, નર્સ વગેરે સાથે વાતચીત કરી : અગ્રસચિવ જયંતિ રવિએ કામગીરીની માહિતી આપી

રાજકોટ,તા. ૩: શહેરમાં કોરોના કહેર વધ્યો છે. રોજ બરોજ કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સોમવારથી પાંચ દિવસ રાજકોટની મુલાકાતે આવ્યા છે. જે અન્વયે આજે તેઓએ મુખ્યમંત્રી વિજયભાઇ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ મુલાકાત તથા કોરોના સંક્રમિત દર્દીઓ, ડોકટરો, નર્સ વગેરે સાથે સીધો સંવાદ કરી સુવિધાની માહિતી મેળવી હતી.

આજે બપોરે ૧૨:૩૦ કલાકે મ્યુ.કોર્પોરેશની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ચાલતી કામગીરી અંગે અગ્ર સચિવ જયંતિ રવિએ ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા વર્ચ્યુઅલ મુલાકાત તથા કોરોના સંક્રમિત દર્દીઓ,ડોકટરો તથા નર્સ વગેરે સાથે સીધો સંવાદ કરી સુવિધાની માહિતી મેળવી હતી.

વિજયભાઇ રૂપાણીએ દર્દી સાથે વાતચીત કરી ખબર અંતર પુછ્યા હતા. અને હોસ્પિટલની કામગીરી અંગે પણ પુછ્યુ હતું. આ અંગે દર્દીએ સરકારી હોસ્પિટલ સારવારથી સંતોષ હોવાનું મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું.

વધુમાં દર્દીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સુવિધા મળે છે. લોકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી.

ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે. દર્દીઓને સારી સુવિધા મળી રહી છે. તે માટે સરકાર ચિંતિત છે.મુખ્યમંત્રી વિજયભાઇ દ્વારા સીસીટીવીની મદદથી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા, ભોજન, નર્સીગ સહિતની સુવિધા બાબતે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ વર્ચ્યુઅલ મુલાકાતમાં કોવિડ -૧૯ હોસ્પિટલની વિવિધ સુવિધા અંગે ડો. સંજય કાપડિયાએ લાઇવ વિડીયો સાથે માહિતી આપી હતી. દર્દીઓને આપવામાં આવતી સારવાર, ભોજન, બેડ સહિતની સુવિધા અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ તકે આરોગ્યના અગ્ર સચિવ જયંતિ રવિ, રાજકોટ જીલ્લાના પ્રભારી ડો. રાહુલ ગુપ્તા, ખાસ અધિકારી મિલિન્દ તોરવણે કલેકટર રેમ્યા મોહન, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)