Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મુસાફરીમાં મુશ્કેલી ઘટશે : રાજયના ઘોરી માર્ગોની મરામત યુદ્ધના ધોરણે શરૂ

રાજકોટ જિલ્લામાં આજથી પ ડામર પ્લાન્ટ ચાલુ :ગામો અને શહેરોને જોડતા રોડ ભીના હોય તો મોરમ પથરાશે, સુકાઇ ગયા હોય ત્યાં ડામર પેચ : વરસાદ ન આવે તો ૧૦ દિ'માં :પંચાયત અને સ્ટેટના બધા હાઇવે સારા થઇ જશે

રાજકોટ, તા., ૩: રાજયમાં ઓગષ્ટ મહિનાના ભારે વરસાદના કારણે શહેરોના આંતરીક રસ્તા તેમજ હાઇવેમાં મોટુ નુકશાન થતા સરકારે સમારકામ હાથ ધર્યુ છે. આંતરીક રસ્તા જે તે સ્થાનિક ઓથોરીટીએ મરામત કરવાના હોય છે. સરકાર હસ્તક પંચાયત અને સ્ટેટના રસ્તા આવે છે. અમુક રસ્તા નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તક છે. સરકારે પોતાના હસ્તકના રસ્તાઓની બિસ્માર હાલત સુધારવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરતા વાહન ચાલકો અને મુસાફરોને રાહત મળશે.

માર્ગ મકાન વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ આજથી રાજકોટ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પાંચ ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જયાં હજુ વરસાદી વાતાવરણ છે અથવા ભેજ છે ત્યાં મોરમ પાથરવાની કામગીરી શરૂ થઇ છે. જયાં તડકાના કારણે અનુકુળતા થઇ છે તેવા માર્ગો પર ડામર પેચ (પાકા થીગડા) શરૂ કરવામાં આવ્યા છે. જયાં મોટા ખાડા છે ત્યાં ડામરના પટા પાથરવામાં આવશે. હમણા વરસાદ ન આવે તો રાજય સરકાર હસ્તકના રાજયના તમામ માર્ગોમાં મરામતની કામગીરી દસેક દિવસમાં પુરી કરવાનો લક્ષ્યાંક છે.

(3:53 pm IST)