Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઢેબર રોડ શ્રમજીવીના જમીન-મકાનના ધંધાર્થી હરેશભાઇ કોરાટ સાથે ૧.૮૦ કરોડની છેતરપીંડી

મવડીમાં સિલ્‍વર હિલ્‍સમાં ૭ ફલેટ આપવાની લાલચ દઇ હરેશભાઇની મોવીયાની જમીન વેંચાવડાવી નાણા ઓળવી ગયા : પુર્વ ભાગીદાર કાળુભાઇ પાનસુરીયા, કોૈટુંબીક ભાઇ સંજય કોરાટ અને તેની સાથેના ભાવેશ ડાંગર વિરૂધ્‍ધ ભક્‍તિનગર પોલીસે ઠગાઇનો ગુનો દાખલ કરી તપાસ આરંભી

રાજકોટ તા. ૩: શહરેના ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતાં અને કન્‍સ્‍ટ્રક્‍શન પેઢી ચલાવતાંપટેલ પ્રોૈઢ સાથે મવડીમાં સિલ્‍વર હિલ્‍સ નામના નવા બિલ્‍ડીંગના પ્રોજેક્‍ટમાં ૭ ફલેટ આપવાની લાલચ દઇ તેના જ પુર્વ ભાગીદાર અને કોૈટુંબીક ભાઇ તથા સહિત ત્રણ જણાએ રૂા. ૧ કરોડ ૮૦ લાખની ઠગાઇ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્‍યો છે. આ પ્રોજેક્‍ટ માટે ત્રણેયને નાણાની જરૂર હોઇ પટેલ પ્રોૈઢની પડધરીની જમીન વેંચાવડાવી તે નાણા ઓળવી ગયા હતાં અને ફલેટ પણ આપ્‍યા નહોતાં. ૨૦૧૪માં થયેલી આ ઠગાઇમાં આજ સુધી ફલેટ કે નાણા અપાયા ન હોઇ અંતે ગુનો નોંધાયો છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી-૮માં શ્રીહરિકૃષ્‍ણ મકાનમાં રહેતાં ક્રિષ્‍નાબેન હરેશભાઇ જીવરાજભાઇ કોરાટ (પટેલ) (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી નાના મવા રોડ રાધાનગર-૫/૯ના ખુણે નિકુંજ ખાતે રહેતાં કાળુભાઇ વિરજીભઇ પાનસુરીયા (ઉ.વ.૬૫), સાધુ વાસવાણી રોડ પર વર્ધમાન હાઇટ્‍સ ફલેટ નં. ૫૦૨માં રહેતાં સંજયભાઇ નારણભાઇ કોરટા (ઉ.વ.૪૭) તથા ઇન્‍દિરા સર્કલ પાસે જલારામ-૨ શિવ સંગમ સોસાયટી-૩ ગુરૂકૃપા ખાતે રહેતાં ભાવેશ બચુભાઇ ડાંગર (ઉ.વ.૪૩) વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ ઘડી ફરિયાદી અને તેમના પતિને મવડીમાં હાઇરાઇડ્‍સ પ્રોજે્‌ટ ઉભો કરવા રૂપિયાની જરૂર છે, તમે આર્થિક મદદ કરો તો તેના બદલામાં પ્રોજેક્‍ટ તૈયાર થયા પછી ૨-બીએચકેના ૭ ફલેટ્‍સ આપશું તેમ કહેતાં ક્રિષ્‍નાબેનના પતિ હરેશભાઇને વિશ્વાસ બેસતાં આરોપીઓએ તેમની પડધરીના મોવીયા ગામેઆવેલી જમીન ૫૯૯૦ વેંચાવડાવી તેમાંથી આવેલા રૂા. ૧,૮૦,૦૦,૦૦૦ મેળવી લીધા હતાં. પરંતુ બાદમાં પ્રોજેક્‍ટનો એકેય ફલેટ આપ્‍યો નહોતો અને રૂપિયા પણ પાછા ન આપી ઠગાઇ કરી હતી.

ક્રિષ્‍નાબેને પોલીસને જણાવ્‍યું છે કે મારા પતિ હરેશભાઇ લક્ષ્મીનગર-૧માં શ્રી હરિકૃષ્‍ણ એન્‍ટરપ્રાઇઝ નામની કન્‍સ્‍ટ્રક્‍શન પેઢી ધરાવે છે અને જમીન-મકાન લે વેંચનો વ્‍યવસાય કરે છે. મારા પતિ હરેશભાઇ તથા કાળુભાઇ પાનસુરીયા છેલ્લા વીસ વર્ષથી જમીન-મકાન લે વેંચનો ધંધો સાથે મળીને કરે છે જેથી બંને એક બીજાના પરિચયમાં છે. મારા પતિ અને કાળુભાઇએ ૨૦૧૨ના વર્ષમાં પડધરીના મોવીયા ગામે ૧૫૦૦૦ ચો.વાર. જમીન બીન ખેતી કરાવી તેના પર પ્‍લોટીંગ પાડી સિધ્‍ધી વિનાયક પાર્ક બનાવી પ્‍લોટ વેંચાણ કરવા મુક્‍યા હતાં. ત્‍યારબાદ આ સાઇટમાં મારા પતિ અને ભાગીદાર કાળુભાઇ વચ્‍ચે મતભેદ ઉભા થયા હતાં. તેનું કારણ એ હતું કે કાળુભાઇ સાઇટ પરના જે પ્‍લોટ વેંચતા હતાં તેની જાણ મારા પતિને કરતાં નહોતાં.

આ ઉપરાંત પડધરીના મોવીયાના ખેડુત પાસે જમીન લીધી હતી તેને રૂપિયા ચુકવ્‍યા નહોતાં. ઉપરાંત સિધ્‍ધી વિનાયક પાર્કનું પ્‍લોટીંગ કરેલું ત્‍યારે મારા પતિને રૂા. ૮૯ લાખ કાળુભાઇ પાસેથી લેવાના હતાં. તે કારણે પણ મતભેદો થયા હતાં. ત્‍યારપછી કાળુભાઇના કહેવાથી અમે મુળ ખેડુત શૈલેષભાઇ હંસરાજભાઇ તળપદા (મોવીયા)ને રૂા. ૧ કરોડ આપ્‍યા હતાં. તેના બદલામાં ૫૯૯૦ ચો.વા. જમીન કે જે મોવીયા ગામમાં છે તેનો દસ્‍તાવેજ મારા પતિના નામે કરી અપાયો હતો.

એ પછી વર્ષ ૨૦૧૪માં કાળુભાઇ અને સંજયભાઇ કોરાટે ભાગીદારીમાંમવડી સર્વે નં. ૧ઉપર રામધણની સામેની જમીનમાં સેફ્રોન નામે પ્રોજેક્‍ટ તૈયાર કરી મોટી હાઇરાઇઝ બિલ્‍ડીંગ ઉભી કરી તેમાં ૭૫ ફલેટ બનાવવાનું આયોજન કર્યુ હતું. કાળુભાઇને આ ફલેટ માટે રૂપિયાની જરૂર હોઇ તે ૨૦૧૪માં કાળુભાઇ તથા સંજય કોરાટ જે મારા કોૈટુંબીક દિયર થાય છે તે તથા ભાવેશ ડાંગર એમ ત્રણેય અમારા ઘરે આવ્‍યા હતાં અને મીટીંગ કરી હતી.

આ ત્રણેયએ ત્‍યારે મારા પતિને કહેલું તે તમારી પડધરી મોવીયામાં ૫૯૯૦ ચો.વાર જમીન છે તે અમને આપી દો, અમે તેના બદલામાં તમને સિલ્‍વર હિલ્‍સ નામના હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં તમને ૭ ફલેટ આપશું. આ લોકોના સિલ્‍વર હિલ્‍સના એક ફલેટની કિંમત આશરે ૨૭ લાખ હતી.  મારા પતિને પુર્વ ભાગીદાર કાળુભાઇ અને કોૈટુંબીક ભાઇ સંજય કોરાટ ઉપર વિશ્વાસ બેસતાં તેણેમોવીયાની જમીન આ લોકોને આપવાનું નક્કી કરતાં આ લોકોએ એ જમીન ૨૦૧૫માં વેંચી રૂા. ૧,૮૦,૦૦૦,૦૦ મેળવી સિલ્‍વર હિલ્‍સ પ્રોજેક્‍ટમાં વાપરવા મેળવી લીધા હતાં. એ વર્ષમાં જ રે.રા.નો કાયદો આવતાં આ કાયદા મુજબ કોઇપણ બિલ્‍ડીંગ કે કોમ્‍પલેક્ષનું કમ્‍પ્‍લીશન ન આવે ત્‍યાં સુધીતેનું રજીસ્‍ટર સાટાખત કે રજીસ્‍ટર દસ્‍તાવેજ થતાંન હતાં. ત્રણેયએ મારા પતિ પાસેથી લીધેલા નાણાના બદલામાં સિલ્‍વર હિલ્‍સમાં ૭ ફલેટ આપવાનું કહ્યું હતું તેમાંથી એકેય ફલેટ આપ્‍યો નહોતો. એ પછી મારા પતિ સાથે કાળુભાઇ, ભાવેશભાઇ અને સંજયભાઇને નક્કી થયા મુજબ કાળુભાઇએ ૧૭/૧૦/૧૭ના રોજ રૂા. ૧૦૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર સમજુતીકરાર કરી પ્રોજેક્‍ટ તૈયાર થયે ૭ ફલેટ આપવાનું સમજુતી કરાર લખાણ કરી આપ્‍યું હતું. પરંતુ ૨૦૧૮માં સિલ્‍વર હિલ્‍સના સાટાખત ભરાવાનું શરૂ થયાની અમને ખબર પડતાં મારા પતિએ કાળુભાઇને ફોન કરી અમારા ૭ ફલેટના સાટાખત કરી આપવાનું કહેતાં તેણે તમને ફલેટ આપવાના જ છે તેવી વાત કરી હતી. પરંતુ આજ સુધી આ ત્રણેયએ ફલેટ આપ્‍યા ન હોઇ અને રૂપિયા પણ આપતાં ન હોઇ અંતે અમે ફરિયાદ નોંધાવી છે.

 પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. એમ. બી. ઠાકર સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:40 am IST)