Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુઝલોન ગૃપના સ્‍થાપક-ચેરમેન-મેનેજીંગ ડાયરેકટર તુલસીભાઇ તંતીની કાલે પુનામાં પ્રાર્થનાસભા

રાજકોટ : સુઝલોન ગૃપના સ્‍થાપક, ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર તુલસીભાઇ તંતીનું તા.૧ઓટકોબરના અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

તુલસીભાઇ આર. તંતી, રંભાબેન તંતી (માતા), વિનોદ આર. તંતી (ભાઇ), જીતેન્‍દ્ર તંતી (ભાઇ), મીનાબેન બાબરીયા (બહેન), ગીરીશ તંતી (ભાઇ), ગીતા તંતી (પત્‍ની), પ્રણવ તંતી (પુત્ર), નીધી તંતી (પુત્રી), સંયોગીતા (પુત્રવધુ) , વૈદેહી અને દેવદિત્‍ય (પૌત્રો)ને વિલાપ કરતા છોડી ગયા છે.  પ્રાર્થના સભા સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી ૦૪ ઓકટોબર ર૦રર (મંગળવાર) સુઝલોન વન અર્થ, હડપસર, પુના-૪૧૧૦ર૮ આ પ્રાર્થના સભાનું સુઝલોન યુટયુબ અને સુઝલોન ફેસબુક પર જીવન પ્રસારણ થશે.

condolenes@suzlon.com

 તુલસીભાઇ તંતીએ રાજકોટની સેન્‍ટમેરી સ્‍કુલમાં તેમણે અભ્‍યાસ કર્યા બાદ પીડીએમ કોલેજમાં કોમર્સનાં સ્‍નાતક બન્‍યા બાદ એન્‍જીનીયરીંગ કરી કરીયરમાં અલગ કોમ્‍બીનેશન કર્યુ હતું. રાજકોટમાં ચારેક દાયકા પહેલા કોલ્‍ડ સ્‍ટોરેજનાં વ્‍યવસાયની શરૂઆતમાં તેમનું મહત્‍વનું યોગદાન હતું. આ ઉપરાંત રાજકોટમાં રૈયા રોડ પર આમ્રપાલી સિનેમાનું સંચાલન વર્ષો સુધી તેમણે સંભાળ્‍યું હતું. અભ્‍યાસ બાદ સતત સંઘર્ષ કરીને તેમણે સફળતાના શિખરો સર કરી ઉદ્યોગ સાહસીક તરીકેની ઓળખ ઉભી કરી હતી.  રાજકોટથી તેઓ ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવવા સુરત ગયા અને યાર્નના બિઝનેસમાં જોડાયા બાદમાં અમદાવાદમાં ટેકસટાઇલ અને એનર્જીના ક્ષેત્ર સાથે જોડાયા હતા. વર્ષો સુધી અમદાવાદ અને ત્‍યાર બાદ પુના શિફટ થયા હતા. લેઉવા પટેલ સમાજના અગ્રણી તરીકે સૌરાષ્‍ટ્રનાં સામાજીક અને શૈક્ષણીક ક્ષેત્રે તેમનું મહત્‍વનું યોગદાન રહયુ હતું. વતન રાજકોટમાં પ્રસંગોપાત તેઓ આવતા રહેતા હતા. પંદર દિવસ પહેલા તેઓ રાજકોટની મુલાકાતે આવ્‍યા હતા. ચાર ભાઇ અને એક બહેનમાં તેઓ સૌથી મોટા હતા.

(2:15 pm IST)