Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઇંટ ઉત્‍પાદકોના પ્રશ્નો ઉકેલવા મુખ્‍યમંત્રીને રજૂઆતઃ ઉકેલ ન આવે તો આંદોલનના મંડાણ

સમીક્ષા કરવા ગુરૂવારે સૌરાષ્‍ટ્ર ઝોનના આગેવાનોની રાજકોટમાં બેઠક

રાજકોટ તા. ૩ :.. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ઝોનમાં ચાલતા ૮૦૦૦ જેટલા ઇંટ ઉત્‍પાદકોને પોતાના પરંપરાત ઇંટોના ધંધા-રોજગાર માટે સરકાર તરફથી જમીન ફાળવવા મળે અને તે અંતર્ગત છેલ્લા ૬ વર્ષથી સરકારમાં પડતર ઇંટ ઉત્‍પાદકોને સરકારી જમીન જંત્રીના એકવડાદરથી ફાળવવા અંગેની નીતિ વિષયક દરખાસ્‍ત મંજૂર કરવા સહિતની ૭ જેટલી માંગણીઓનો સત્‍વરે ઉકેલ લાવવા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઇંટ ઉત્‍પાદક સંઘ દ્વારા મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી રજૂઆતો કરાયેલ છે.

રજૂઆતમાં જણાવ્‍યું છે, સૌરાષ્‍ટ્ર - કચ્‍છ ઝોનમાં ૮૦૦૦ જેટલા ઇંટ-ભઠ્ઠા ધારકો વર્ષોથી સરકારી પડતર જમીન ઉપર પોતાના ધંધા-રોજાર ચલાવી રહ્યા છે. જેમને રેગ્‍યુલરાઇઝ કરવા સરકારમાં અનેક વખત રજૂઆતો કરાય છે. છતાં પરીણામ મળેલ નથી.

આ ઇંટ ઉત્‍પાદકોને તેમના કબજા ભોગવટાવાળી જમીન જંત્રીના એકવડા દરથી ફાળવવા બાબતે રાજકોટ કલેકટરશ્રીએ ફેબ્રુઆરી-૧૬ માં સરકારમાં નીતિ વિષયક દરખાસ્‍ત રજૂ કરેલ છે. પરંતુ કોઇ ઉકેલ નથી.

સરકારી જમીન પર ચાલતા ઇંટ-ભઠ્ઠા માલીકોને છાશવારે સરકારી તંત્ર તરફથી સરકારી જમીનમાં પેશકદમીના નામે હેરાન પરેશાન કરાઇ રહ્યા છે. જેને લઇને ઇંટ ઉત્‍પાદકો અનેક મુશ્‍કેલીઓ અનુભવી રહ્યા છે. હાથ બનાવટની ઇંટો બનાવતા નાના  ઇંટ ઉત્‍પાદક એકમોને ગૃહ ઉદ્યોગનો દરજજો આપવો. ઇંટ ઉત્‍પાદન કરતા પ્રજાપતિઓને પ્રવર્તમાન જંત્રી દરના એકવડા દરથી જમીન ફાળવવા અંગેની નિતિ વિષયક દરખાસ્‍તને મંજૂરી આપવી, ઇંટ ઉત્‍પાદન કરતા  પ્રજાપતિઓને એકમ દીઠ રપ૦૦ ચો. મી. જમીન ફાળવવાની મર્યાદા નિર્ધારીત કરવી, ખાસ હેતુઓ સારૂ જમીનો નીમ કરવાની મહેસુલ વિભાગની જોગવાઇઓ મુજબ ઇંટ માટી લેવા માટે ગ્રામ્‍ય વિસ્‍તારમાં સરકારી પડતર જમીનનો ટૂકડો નીમ કરી આપવાની સબંધિત તંત્રને સુચનાઓ જાહેર કરવા, ઉદ્યોગ અને ખાણવિભાગના તા. ૭-ર-ર૦ ના પરિપત્રમાં માટી પરિવહન માટેની ૧૦ કિ. મી.ની ત્રિજયાની જોગવાઇઓ સંપૂર્ણ રદ કરવા માંગ કરવામાં આવી છે. જો સમયસર ન્‍યાયી ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે.

ઇંટ ઉત્‍પાદકોના રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર સમક્ષના પડતર પ્રશ્નોને લઇને સરકારમાં થયેલી રજૂઆતો અને પ્રશ્નોના ઉકેલ સંદર્ભે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ ઘડવા માટેના મુખ્‍ય એજન્‍ડાએ આગામી તા. ૬ ને ગુરૂવારના સાંજે ૪ કલાકે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી રામનાથ પરા રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્રભરના જીલ્લા અને તાલુકા કક્ષાના ઇંટ ઉત્‍પાદક સંગઠના હોદેદારો અને અગ્રણી ઇંટ ઉત્‍પાદકોની બેઠક યોજાશે. તેમ ચંદુભાઇ એલ. જાદવ, મહામંત્રી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રિકસ મેન્‍યુ. એસોસીએશન રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)