Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વધુ એક રિક્ષાગેંગ ઝડપાઇઃ ક્રાઇમ બ્રાંચે ત્રિપુટીને દબોચતાં પાંચ ગુના ઉકેલાયા

અમિત ઉર્ફ બુચો, મહેશપરી અને ગોપાલને ઘંટેશ્વરથી પકડી લેવાયાઃ અરૂણની શોધખોળઃ એસીપી બી. બી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોરની ટીમની કામગીરી:એએસઆઇ સી. એમ. ચાવડાની સફળ બાતમી

રાજકોટ તા. ૩: રિક્ષામાં મુસાફરોને બેસાડી ધક્કામુક્કી કરી રોકડ-પર્સ કે મોબાઇલ ફોન અથવા તો દાગીના સેરવી લેતી અલગ અલગ રિક્ષાગેંગ શહેરમાં અગાઉ પકડાઇ ચુકી છે. આવી વધુ એક ગેંગને પકડી લેવાઇ છે. ક્રાઇમ બ્રાંચે ત્રણ શખ્‍સોએ ઘંટેશ્વર ગામના બસ સ્‍ટોપ પાસેથી પકડી લઇ પુછતાછ કરતાં ચોરીના પાંચ ગુના ઉકેલાયા છે. રોકડ, રિક્ષા મળી પોણા લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ સી. એમ. ચાવડાને મળેલી બાતમીને આધારે અમિત ઉર્ફ બુચો રજેશભાઇ ડોડીયા (ઉ.૨૩-રહે. ભગવતીપરા-૩), મહેશપરી કિશોરપરી ગોસ્‍વામી (ઉ.૨૨-રહે. ભગવતીપરા ઝમઝમ બેકરી પાસે), ગોપાલ ભાણાભાઇ સોલંકી (ઉ.૨૧-રહે. નવાગામ આણંદપર મામાવાળી જોગણી માતા મંદિર પાછળ)ને જીજે૦૩એઝેડ-૭૪૨ નંબરની રિક્ષા સાથે પકડી લેવાયા છે. રિક્ષામાં મુસાફરોને બેસાડી તેની સાથે પાછળની સીટમાં બે શખ્‍સો બેસી ધક્કામુક્કી કરી રોકડ, ફોન સહિતની ચીજવસ્‍તુ ચોરી લેતી ટોળકીમાં આ ત્રણેય સામેલ હોવાની અને આવા ગુના આચરતા હોવાની ચોક્કસ બાતમી પરથી તેને પકડવામાંઆવ્‍યા હતાં.

પ્રારંભે તો ત્રણેયએ પોતે નિર્દોષ હોવાનો કક્કો ઘૂંટયો હતો. આકરી પુછતાછ થતાં પાંચ ગુના કબુલ્‍યા હતાં. આ ત્રણ તથા અરૂણ નામના ચોથા સાગ્રીતે મળી ગ્રીનલેન્‍ડ ચોકડી મેંગો માર્કેટ પાસે, બેડી ચોકડીથી જકાતનાકા પુલ તરફના રસ્‍તે, બેડી ચોકડીથી સણોસરા ચોકડી સુધીના રસ્‍તે, કોઠારીયા રોડ હુડકો ચોકડીથી દેવપરા સુધીના રસ્‍તે મુસાફરોને રિક્ષામાં બેસાડી અલગ અલગ રોકડ રકમ ચોરી કરી હોવાનું અને બે દિવસ પહેલા પણ માધાપર ચોકડીથીમોરબી રોડ તરફ જતાં રસ્‍તા પર ધમલપરના યુવાનને રિક્ષામાં બેસાડી રૂા. ૪૪૦૦ ચોરી લીધાનું કબુલ્‍યું હતું.

પકડાયેલાઓમાં અમિત ઉર્ફ બુચો રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. તે અગાઉ ચોરી, જાહેરનામા ભંગના ચાર ગુનામાં પકડાયો હતો અને પાસામાં જઇ આવ્‍યો હતો. જ્‍યારે મહેશપરી લૂંટ, જૂગારના અને ગોપાલ હત્‍યા તથા ચોરીના ગુનામાં સંડોવાયો હતો. ચોથા આરોપી અરૂણની શોધખોળ ચાલુ છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન.ડી. ડામોર, એએસઆઇ સી.એમ. ચાવડા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધર્મેશભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, નિતેશભાઇ બારૈયાએ આ કામગીરી કરી હતી.

નોંધનીય છે કે આ ટીમે જ ગઇકાલે એક સગીર સહિત ત્રણ તસ્‍કરોને પકડી લીધા હતાં. જેણે સામા કાંઠે રણછોડનગરમાં  ત્રણેક દિવસ પહેલા કોમ્‍પલેક્ષમાં સાત દુકાનના તાળા તોડી ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્‍ચે ઉકેલી બે સગીર સહિત ત્રણને પકડી રૂ. ૧,૭૩,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસે કિશન ઉર્ફે ભદો કરમશીભાઇ સુરેલા (ઉ.વ. ૧૮ રહે. ચુનારાવાડ શેરી નં. ૩) તથા બે સગીરને ચુનારાવાડમાંથી પકડી લીધા છે. જ્‍યારે લખન બચુભાઇ માલાણી (સલાટ) રહે. ચુનારાવાડ શેરી નં. ૧/૧૪નું નામ ખુલ્‍યું છે. આ શખસો પાસેથી પીતળની ટીલી તથા પીતળનુ અલગ અલગ મટીરીયલ ચાંદીનો ભુકો ચાંદીની વીટી નંગ ૧૩, ગુન્‍હામાં ઉપયોગ કરેલ સી.એન.જી. રીક્ષા નં. જી.જે.૨૭.વી. ૧૧૩૮ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરાયા હતો.

(4:27 pm IST)