Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

માતાની સારવાર માટે વ્યાજે લીધેલા નાણા માટે જેન્તી જાદવને ધમકીઃ ટુવ્હીલર પડાવી લેવાયું

મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં જેન્તી જાદવની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે દેવા ભરવાડ, લક્ષમણ ભરવાડ અને કાના ભરવાડ સામે ગુનો નોંધ્યોઃ બે શખ્સ સકંજામાં

રાજકોટ તા. ૩: વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી પાસે અભીરામ પાર્ક-૧માં નાની ફાટક નજીક રહેતાં અને મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતાં જેન્તી નાનજીભાઇ જાદવ (લુહાર-સુથાર) (ઉ.વ.૩૩) નામના યુવાને માતા લાડુબેનની ધનૂરની સારવાર માટે અલગ-અલગ ત્રણ શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોઇ તેનું વ્યાજ ચુકવવા છતાં વધુને વધુ વ્યાજ માંગી ધમકી આપી બળજબરીને ચેકો લખાવી લઇ તેમજ એક શખ્સે તેનું ટુવ્હીલર પડાવી લેતાં મામલો પોલીસસુધી પહોંચ્યો છે.

બી-ડિવીઝન પોલીસે જેન્તી જાદવની ફરિયાદ પરથી પેડક રોડ પર ગુજરાત સોસાયટી પાસે ચાની કેબીન ધરાવતાં દેવા ભરવાડ તથા લક્ષમણ ઓઘડભાઇ ભરવાડ અને કાના અરજણભાઇ ભરવાડ વિરૂધ્ધ આઇપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેન્તીના કહેવા મુજબ તેના માતાને ધનૂર થયું હોઇ સારવાર માટે દેવા, લક્ષમણ અને કાના પાસેથી અલગ-અલગ રકમ વ્યાજે લીધી હતી. દેવા પાસેથી ૩૦ હજાર લીધા હતાં તેની સામે ૪૫ હજાર ચુકવી દીધા હતાં. છતાં તે વધુ ૨૨ હજાર માંગી ધમકી આપતો હતો.

આ ઉપરાંત લક્ષમણ પાસેથી ૨૦ હજાર લીધા હતાં. જેના ૩૫૦૦-૩૫૦૦ના ત્રણ હપ્તા ચુકવ્યા હતાં. જ્યારે કાના પાસેથી ૨૦ હજાર લીધા હતાં અને દર અઠવાડીએ ૧૬૦૦-૧૬૦૦ ચુકવતો હતો. હાલમાં કામમા થોડી મંદી હોઇ હપ્તા ન ચુકવી શકાતાં ત્રણેયએ ધાક ધમકી આપી વ્યાજની અને મુદ્દલની ઉઘરાણી શરૂ કરી હતી. તેમજ ચેકો લઇ લઇ લખાણ કરાવી લીધું હતું. કાનો તો જીજે૦૩એફઆર-૨૭૩૩ નંબરનું એકસેસ પડાવી ગયો હતો. તેમ ફરિયાદમાં જણાવાયું છે. જેન્તી જાદવના કહેવા મુજબ પોલીસે દેવા અને લક્ષમણને સકંજામાં લઇ લીધા છે. પીએસઆઇ એમ. એફ. ડામોરે પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)