Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નરેન્દ્રબાપુના મોટાભાઈ યોગેશભાઈ સોલંકી (બુલંદી શેઠ)નું દુઃખદ નિધન થતાં વિજયભાઈ રૂપાણીએ પણ ટેલીફોનીક સાંત્વના આપી

બુલંદી શેઠ ૩૫ વર્ષથી રાજુ બેંગલ્સના નામે પેઢી ચલાવતાઃ આપાગીગા સતાધારની જગ્યાના અનન્ય સેવક હતા

રાજકોટઃ સ્વ.મગનલાલ તુલસીદાસ સોલંકી અને ગં.સ્વ.લલીતાબેન મગનલાલ સોલંકીના પુત્ર યોગેશભાઈ મગનલાલ સોલંકી (બુલંદી શેઠ) (ઉ.વ.૬૨)નું દુઃખદ અવસાન તા.૩૧ શરદ પુનમ શનિવારના રોજ થયેલ. તેઓશ્રી નિતીશભાઈ (મો.૯૬૮૭૪ ૯૬૧૩૭), શ્રી નરેન્દ્રભાઈ (પૂ.નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ- મહંતશ્રી આપાગીગાનો ઓટલો) (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮), રાજેન્દ્રભાઈના ભાઈ અને ગં.સ્વ.મધુબેન યોગેશભાઈ સોલંકીના પતિ તથા ચિરાગભાઈ (મો.૯૯૭૯૨ ૭૧૯૯૯), બ્રીનીશભાઈ (મો.૯૭૨૭૦ ૦૮૯૬૮), ધ્વનીબેન નિતીનકુમાર ટાંક અને ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સોલંકીના પિતાશ્રી, જ્ઞાનેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ સોલંકી, અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકી અને ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકીના અદા તેમજ સ્વ.ભગવાનજીભાઈ ભવાનભાઈ પરમારના ભાણેજ, સ્વ.રણછોડભાઈ લાલજીભાઈ કાચાના જમાઈ અને શ્રી કિશનભાઈ મનજીભાઈ ટાંકના વેવાઈ થાય.

શ્રી યોગેશભાઈ સોલંકી (બુલંદી શેઠ) રાજકોટની પ્રખ્યાત બંગડી બજારમાં છેલ્લા ૩૫ વર્ષથી 'રાજુ બેંગલ્સ'ના નામથી પેઢી ચલાવતા હતા. જે બંગડી બજારમાં સૌથી જુની પેઢીઓમાની એક ગણવામાં આવે છે અને ત્યાં ગુજરાત સહીત દેશ- વિદેશમાંથી વેપારીઓ તેમજ ગ્રાહકો મોટી સંખ્યામાં પોતાની દૈનિક તેમજ વાર- તહેવાર નીમિતે ખરીદી કરવા માટેનું વિશ્વાસ પાત્ર સ્થળ છે અને તેમના મળતાવડા અને હસમુખા સ્વભાવના લીધે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ તેમજ ગ્રાહકો ધરાવે છે.

તેઓ સૌરાષ્ટ્રનુ સુપ્રસધ્ધિ યાત્રાધામ શ્રી આપાગીગાની જગ્યા સત્તાધારાધામ સાથે ખુબ જ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલા હતા તેમજ આ પવિત્રધામના તેઓ અનન્ય સેવક હતા તથા આજીવન સતાધારની જગ્યાની તેમજ કોઈપણ સામાજીક કે ધાર્મિક સેવાકીય કાર્યો કરવા માટે હર હંમેશ તત્પર રહેતા. તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં ફેલાયેલુ શ્રી જીવરાજ ગ્રુપમાં પાયાના કાર્યકર તરીકે સેવારત હતા. તેઓએ વાંકાનેર પાસે આવેલ ગારીયાધાર ગામમાં પંચમુખી મહાદેવ મંદિરની સ્થાપના સન ૧૯૯૮માં તેમના દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ આજીવન તન, મન અને ધનથી ત્યાં સેવા કરેલ અને ગારીયાધાર ગામમાં રામજી મંદિર ખાતે પણ અનન્ય સેવા આપતા રહેલ તેમજ તેમના કુળદેવી શ્રી બહુચર માતાજીનું બાલંભા ગામ ખાતે આવેલ મંદિરમાં સેવા આપતા અને બહુચરાજી ધામ ખાતે સેવા આપતા અને બંગડી બજારમાં આવેલ શ્રી કુલીયા હનુમાન મંદિરનો જીર્ણોધ્ધાર કરેલ. નવરાત્રી દરમ્યાન દર વર્ષે નાની- નાની બાળાઓ ફુલીયા હનુમાન મંદિર ખાતે ગરબી રમી શકે તે માટે ફુલીયા હનુમાન ગરબી મંડળનું સંચાલન કરતા તેમજ સરધાર ખાતે આવેલ મહાદેવજીના મંદિરમાં આજીવન સેવા આપતા. તેમજ તેઓએ શાંતવન વૃધ્ધાશ્રમ- વડાલ, જુનાગઢ, સદ્દભાવના વૃધ્ધાશ્રમ- રાજકોટ, કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ તેમજ શ્રી રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે આજીવન વૃધ્ધો તેમજ અનાથ બાળકોની સેવા માટે હર હંમેશ પોતાનાથી શકય તેટલા મદદરૂપ થતા હતા.

નાનપણથી જ તેઓને દેશભરના સાધુ સંતો સાથે આત્મીયતાનો નાતો હતો. તેઓશ્રીના ગુરૂ શ્રી પંડીત રામ શર્મા આચાર્ય અને ભગવતી દેવી શર્મા (હરીદ્વાર)ના પરમ ઉપાસક હતા. તેમજ ગાયત્રી પરિવાર સાથે પણ આજીવન જોડાયેલ રહ્યા અને તેમને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી હતી. જેના કારણે તેમણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન અનેક ઔષધીઓ અને વૃક્ષો વાવી તેનુ જતન કરેલ અને આજીવન ભિક્ષુકોને દર મહીને પોતાના વ્યવસાયના સ્થળેથી અન્નદાન તેમજ આર્થીક  મદદ કરતા હતા.

ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પૂ.નરેન્દ્રબાપુને ટેલીફોનીક સાંત્વના પાઠવવામાં આવેલ તેમજ યુ.કે., યુ.એસ.એ., કેનેડા, દુબઈ અને આફ્રિકા જેવા દેશો તેમજ પૂરા ભારતભરમાંથી અનેક રાજકીય સામાજીક આગેવાનોએ રૂબરૂ તેમજ ટેલીફોનીક સાંત્વના પાઠવેલ. તેમજ દેશ- વિદેશના અનેક ધાર્મીક સંસ્થાના સાધુ સંતો મહંતો દ્વારા  સોલંકી પરિવારને રૂબરૂ તેમજ ટેલીફોનીક દિલાસો વ્યકત કરવામાં આવેલ.

(11:50 am IST)