Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વિદેશમાંથી બટેટાની ખરીદી પછી કરજો, પહેલા દેશના ખેડુતોને શાકભાજીના પુરતા ભાવ અપાવો

બટેટાની આયાત કરવા નિકળેલી સરકારને આડે હાથ લેતુ ભારતિય કિસાન સંઘ

રાજકોટ તા. ૩ : કેન્દ્ર સરકાર ડુંગળીની જેમ બટેટાની આયાત કરવા નિકળતા ભારતીય કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દિલીપભાઇ સખીયાએ આડેહાથ લેતા જણાવ્યુ છે કે અહીં દેશના ખેડુતોને શાકભાજીના પુરતા ભાવ મળતા નથી તેની ચિંતા પહેલા કરો, પછી વિદેશના બટેટાની આયાત કરવા જજો.

તેઓએ જણાવ્યુ છે કે આ વર્ષે અતિવૃષ્ટિ હોવાના કારણે શિયાળુ પાક બટેટાનું મબલખ ઉત્પાદન થશે. જયારે ખેડુતોનો આ માલ બજારમાં આવશે, ત્યારે અહીં વિદેશથી આયાત કરેલા બટેટાથી બજારો છલોછલ હશે. પરિણામે ખેડુતોને પડયા પર પાટુ મળશે.બે મહિના કદાચ બટેટાના ભાવ વધારે રહે તો થોડી ધીરજ રાખવી જોઇએ. દેશવાસીઓ પણ સમજદારી કેળવી થોડો સમય બટેટા ખાધા વગર રહી શકશે. વળી બટેટાના વિકલ્પે અન્ય શાકભાજી પુરતા પ્રમાણમાં હાલ બજારમાં આવેજ છે. ત્યારે સરકાર પોતાના સ્વાર્થ માટે વિદેશના બટેટા આયાત કરી ખેડુતોનું બલિદાન લેવાનું રહેવા દયે તેવી ટકોર ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, રમેશભાઇ હાપલીયા, મનોજ ડોબરીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, માધુભાઇ પાંભર, બચુભાઇ ધામી, શૈલેષભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભુપતભાઇ કાકડીયા, ભાવેશભાઇ રૈયાણી, દીપકભાઇ લીંબાસીયા, ઠાકરશીભાઇ પીપળીયા, કિશોરભાઇ લકકડ, વિઠલભાઇ બાલધા, વિનુભાઇ દેસાઇ, કાળુભાઇ ચાવડા, ઝાલાભાઇ ઝાપડીયા, વિપુલભાઇ સુદાણી, ભરતભાઇ પાંભર, મનભાઇ પાગડા વગેરેએ સંયુકત યાદીના અંતમાં જણાવેલ છે.

(11:51 am IST)