Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દૂધની ડેરીના સિકયુરીટી સુપરવાઇઝર નિવૃત આર્મીમેન ભગીરથસિંહની આંખમાં ચટણી છાંટી ધોકાથી હુમલો

શાહબાઝ અને સલમાનની ગાડીમાં માલમાં વધઘટ માલુમ પડતાં ભગીરથસિંહે એમડીને જાણ કરતાં બંનેની ગાડી બ્લેકલિસ્ટમાં મુકાઇ હોઇ ખાર રાખી હુમલોઃ બંનેની ધરપકડ

રાજકોટ તા. ૩: દૂધની ડેરીમાં સિકયુરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં નિવૃત આર્મીમેન ૧૫૦ રીંગ રોડ પર અયોધ્યા ચોક રાધા પાર્કમાં રહેતાં ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૮) પર દૂધસાગર રોડ શાળા નં. ૭૧ના ખુણા પાસે બાઇક પર આવેલા શાહબાઝ અને સલમાન નામના બે શખ્સોએ આંખમાં ચટણી છાટી ધોકાથી માર મારી ગાળો દેતાં ફરિયાદ થતાં થોરાળા પોલીસે બંનેને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

ભગીરથસિંહ જાડેજાની ફરિયાદ પરથી પોલીસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં શાહબાઝ સલિમભાઇ હિંગોરજા (ઉ.વ.૨૧) તથા ભગવતીપરા-૬ના સલમાન ઇકબાલભાઇ બ્લોચ (ઉ.વ.૨૧) સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. ભગીરથસિંહના કહેવા મુજબ તે દૂધની ડેરીમાં સિકયુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હોઇ ડેરીમાં આવતી જતી ગાડીમાં માલની વધઘટ ચેક કરવાની તેમની જવાબદારી છે. અગાઉ શાહબાઝ અને સલમાનની ગાડી કે જે ડેરીમાં કોન્ટ્રાકટથી ચાલે છે તેમાં માલની વધઘટ માલુમ પડી હોઇ આ અંગે બંને ગાડીનો એમડીને રિપોર્ટ કર્યો હતો.

આ કારણે એમડીએ આ બંનેની ગાડીને બ્લેકલિસ્ટમાં મુકાવી દીધી હતી. આ કારણે શાહબાઝ અને સલમાન રોષે ભરાયા હતાં. ગઇકાલે રાતે દસેક વાગ્યે ભગીરથસિંહ પોતાના મિત્ર પુર્વરાજસિંહ જાડેજાને બાઇકમાં બેસાડી પાણીના ઘોડા પાસે પૈસા ઉપાડવા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાળા નં. ૭૧ના ખુણા પાસે શાહબાઝ અને સલમાન એકસેસ સાથે ઉભા હોઇ તેણે ભગીરથસિંહની આંખમાં ચટણી-મરચાની ભુકી છાંટી દઇ ગાળો દઇ ધોકાથી હુમલો કર્યો હતો.

લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. ભગીરથસિંહે થોરાળા પોલીસને જાણ કરતાં પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં હેડકોન્સ. જયંતિભાઇ ગોવાણી સહિતે તાકીદે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

(12:54 pm IST)