Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

૭ દિ' આઇસોલેશનમાં રહ્યા બાદ પણ લોકોને કોરોનામુકત કરવાનું ઝનૂન-ઉત્સાહ ઓસર્યા નથીઃ ડો. ચિરાગ તાવીયાડ

સેમ્પલને ખાસ થ્રીલેયર સુરક્ષા સાથે પેક કરવું પડે છેઃ ડો. વિશ્વા ચોકસી : જીવનનું જોખમ હોવા છતાં કોરોના મહામારીમાં દેશબાંધવોના સ્વાસ્થ્યની સુખાકારી માટે તેમની રક્ષા કરવાની અમારી ફરજ છેઃ ડો. કિરના ધામેચા

રાજકોટ,તા. ૩: જેમ રણભેરી વાગ્યે શુરાઓ મા-ભૌમની રક્ષા કાજે લીલુડા માથે રણમેદાનમાં દુશ્મનને શુરવીરતાના પારખા કરાવવા થનગનતા હોય છે. એજ ઝનુન સાથે સતત જીવના જોખમે દેશ બાંધવોને કારોના મુકત કરાવવા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલના ડોકટરો નર્સો અને લેબ. ટેકનિશ્યન સહિતના તમામ આરોગ્ય કર્મીઓ ૧૮મી માર્ચના રોજ રાજકોટમાં આવેલા પ્રથમ કોવીડ-૧૯ના દર્દીથી લઇને આજદીન સુધી કોવીડ-૧૯ના દર્દીઓની સારવારમાં કાર્યરત છે.

રણમેદાનમાં જેમ શુરવીરોને શત્રુ સાથે લડાઇમાં જાનનું જોખમ હોય છે તેમ છતાં તેઓ હસતામુખે દેશકાજે ખપી જવાની તમન્ના સાથે લડતા હોય છે. તેવી જ હૈયે હામ સાથે આ આરોગ્ય કર્મીઓ દરેક કોરોના દર્દીઓની સારવાર માટે તત્પર હોય છે. આવાજ કોરોના સંક્રમિત થવાના જોખમને અનુભવી ચુકેલા અને ૭ દિવસ સુધી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ ચુકેલા એવા જ એક અન્ય ડો.ચીરાગ તાવીયાડ સ્વાનુભવ બાબતે જણાવે છે કે કોરોના દર્દીઓને નાક અને મોં માંથી સેમ્પલ લેતીવેળાએ તેઓ અન્ય દર્દીઓને જોઇ ઘણીવાર ગભરાઇ જતા હોય છે. તેઓને સાંત્વના સાથે તેઓના તથા તેમના પરીવારની સુરક્ષા માટે ટેસ્ટની મહત્વતા વિશે સમજણ આપવા સાથે તેઓને ટેસ્ટ વખતે ખાંસી કે છીંક ન ખાવા બાબતે સમજાવવા છતાં આવું કયારેક બની જતું હોવાથી કાર્યરત ડોકટરોને સંક્રમણનો ભય રહે છે. હું પોતે સંક્રમિત થવા છતાં સારવાર લઇને સ્વસ્થ થયા બાદ ફરી કોવિડ-૧૯ના આ સંક્રમણમાં અમારી ફરજની મહત્વતાને ધ્યાને લઇને ફરી બેવડા જોશ સાથે કાર્યરત રહ્યો છું. મારામાં લોકોને કોરોના મુકત કરવાનું ઝનુન અને ઉત્સાહ હજુ ઓસર્યો નથી.રાજકોટ પી.ડી.યુ. સ્થીત કોવીડ-૧૯ હોસ્પિટલના પહેલા કોરોના સંક્રમિત દર્દીથી આજ સુધી કાર્યરત એવા સેમ્પલ કલેશકનના કામ સાથે જોડાયેલા યુવા રેસીડેન્ટ ડો. કિરના ધામેચા જણાવે છે કે તેઓ છેલ્લા બે વર્ષથી હોસ્પિટલમાં કાર્યરત છે. આ મહામારીમાં જીવનું જોખમ હોવા છતાં દેશબાંધવોના સ્વાસ્થ્યની સુખાકારી માટે અમારી ફરજ તેઓની રક્ષા કરવાની છે. કોરોના દર્દીઓનો સેમ્પલ લેતી વેળાએ એક વખત દર્દીઓને ખાંસી કે છીંક, ઉબકા આવતા હોય છે. આવા સમયે પી.પી.ઇ. કીટ, એન.-૯૫ માસ્ક, ફેસ શિલ્ડ તથા ગ્લોવ્ઝ સહિત તમામ તકેદારીઓ છતાં અમને પણ કોરોના સંક્રમિત થવાની સંભાવના વધી જાય છે. આમ છતાં ફરજને શિરોધાર્ય કરી આ કામગીરી નિભાવવામાં આવે છે. ડો. મનીષ મહેતા, ડો. સેજલ મિસ્ત્રી અને ડો. પરેશ ખાવડુના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે અમારૃં કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર કરી તેઓને સ્વાસ્થ્ય પ્રદાન કરી હસતા ચહેરે સ્વગૃહે પરત મોકલવાનું કાર્ય અવીરત ઉત્સાહભેર ચાલુ જ છે.

પી.ડી.યુ. ખાતે એમ.એસ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રેસીડેન્ટ ડોકટર તરીકે અને હાલ કોરોના સેમ્પલ કલેકશનના જોખમી કાર્ય સાથે સંકળાયેલા ડો. વિશ્વા ચોકસી કોરોના સેમ્પલ લેવાની જોખમી પ્રક્રિયાને વર્ણવતા કહે છે કે RTPCR  એટલે કે રીવર્સ ટ્રાન્સમીટ ટેસ્ટ પહેલા દર્દીની તમામ વિગતોને નિયત ફોર્મમાં નોંધી સૌ પ્રથમ દર્દીનો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં પોઝીટીવ હોવાના લક્ષણ જણાયે દર્દીના નાક અને મોં માંથી સોફટ સ્ટીક વડે સેમ્પલ લઇ તેમને ખાસ એરટાઇટ બોકસમાં મુકવામાં આવે છે. આ સેમ્પલમાંથી કોરોનાના વાયરસ વાતાવરણમાં ફેલાય તો અન્ય કર્મચારીઓને સંક્રમીત થવાનું સો ટકા જોખમ રહે છે. આથી જ સેમ્પલને ખાસ ત્રીલેયર સુરક્ષા સાથે પેકીંગ કરવામાં આવે છે. ત્યારબાદ સલામતીના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી માઇક્રો લેબમાં મોકલવામાં આવે છે. જયાંથી પ્રોસેસ બાદ ૨૪ કલાકની અવધીમાં કોરોના ટેસ્ટનું પરિણામ મળે છે.

કોવીડ-૧૯ સંક્રમણના જીવના જોખમ છતાં મક્કમ મનોબળ અને કોરોનાને દેશવટો આપવા હિંમતભેર કાર્યરત તમામ ડોકટરો એક સુરે એક જ વાત લોકોને કહે છે કે કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય તો તુરંત નજદીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ આખરે તો 'ટેસ્ટ ઇઝ બેસ્ટ'.

(12:56 pm IST)