Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દર્દીની સેવા એ જ પ્રભુસેવા...આ છે ખંભાળીયા-કલોલના નર્સ પારૂલબેન બારોટ તથા ગીતાબેન આહિરનો મંત્ર

બંને ફરજ બજાવે છે સિવિલ કોવિડમાં: દર્દીઓની સારવાર પ્રત્યેનો સંતોષ અમને અનુભવ કરાવે છે કે વતન-પરિવાર છોડી રાજકોટ આવવું સાર્થક થયું છે

રાજકોટ : 'હું જામ-ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. હાલ કોરોના દર્દીઓની સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર છું. અહીં મને જો કોઈ વસ્તુ રોજ અનુભવાતી હોય છે તો એ છે દર્દી અને મેડકલ સ્ટાફની એકબીજા પ્રત્યેની આત્મીયતાસભર લાગણી. દર્દીની સેવા એ જ પ્રભુની સેવાના મંત્ર સાથે કામ કરતાં આરોગ્ય કર્મીઓને સિવિલમાં રોજ પ્રભુના સાક્ષાત્કાર થાય છે. ખરેખર રાજકોટ કોવીડ હોસ્પિટલે ઉત્ત્।મ સારવાર અને મેડીકલ વ્યવસ્થાનું સુચારૂ આયોજન કર્યું છે.' સિવિલ હોસ્પિટલની સઘન કામગીરી પ્રત્યે સંતોષ વ્યકત કરતાં આ શબ્દો છે જામ-ખંભાળીયાના નર્સ ગીતાબેન આહીરના. કોરોનાને ખાળવા અને સંક્રમિત દર્દીઓને ફરી સ્વસ્થ બનાવવા તબીબ જગત પોતાની ફરજના સીમાડા વિસ્તારીને નિષ્કામ ભાવે કાર્ય કરી રહ્યા છે. રાજકોટ કોવીડ હોસ્પિટલની સઘન વ્યવસ્થાને કારણે અન્ય જિલ્લાનો મેડીકલ સ્ટાફ અને સારવાર લેવા આવેલ દર્દી સંતુષ્ટતા સાથે પોતાના વતને પરત ફર્યા છે. જે સાબિત કરે છે રાજકોટ જિલ્લાનું વહિવટી તંત્ર પ્રતિબધ્ધતા સાથે જનઆરોગ્યની સુખાકારી માટે કામ કરી રહ્યું છે.કોઈપણ લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેની પાછળ કરેલું આયોજન મહત્વની ભુમિકા અદા કરતું હોય છે. કોરોનાને નાથવા રાજકોટ કોવીડ હોસ્પિટલનું મેનેજમેન્ટ ખાસ્સું અસરકારક રહ્યું છે. ફલોર મેનેજમેન્ટ, સફાઈને લગતું મેનેજમેન્ટ, મેડીસીન વિભાગનું મેનેજમેન્ટ દરેક વિભાગનું મેનેજમેન્ટ કાબિલેદાદ છે. પી.પી.ઈ. કીટ પહેરીને કામ કરતાં આરોગ્ય કર્મીઓનું બી.પી. ડાઉન ન થાય, એનર્જી જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખીને એનર્જી ડ્રીંક અને નાસ્તાની કીટ સાથે આપે છે. સાથો સાથ અમે દર્દીના દિકરા-દિકરી બનીને તેમની સેવા કરી રહ્યા છે. તેમને જમાડી, દવા પીવડાવી સહિતની હદયસ્પર્શી કામગીરી કરીને એકબીજાને પરિવારની હુંફ આપીએ છીએ તેમ ગીતાબેન આહીરે જણાવ્યું હતું.

કલોલના CHC કેન્દ્રમાં કામ કરતાં અને હાલ સિવિલમાં ફરજ નિભાવવા આવેલ પારૂલબેન બારોટએ કહ્યું હતું કે, 'આજે દર્દીઓની સારવાર અર્થે વતન અને પરિવાર છોડીને આવ્યા છીએ. પરંતુ એ ત્યાગ સાર્થક લાગે છે જયારે દર્દીઓ અમે આપેલી સારવારથી સંતોષની લાગણી અનુભવે છે. સ્વસ્થ થઈને જતી વેળાએ તેમના ચહેરા પરનું સ્મિત અમારી ફરજને અર્થપૂર્ણ બનાવે છે.'

(12:57 pm IST)