Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જૂની કલેકટર કચેરીમાં બે દિ'થી બધુ ઠપ્પઃ સેંકડો લોકોને ધકકા

૭/૧ર-૮/અ ના ઉતારા-દસ્તાવેજો તથા અન્ય કામગીરી અટકતા દેકારો મોચી બજાર પાસે BSNL કેબલ કપાતા ભારે અસર : સર્વર ખોટકાતા ઇ-ધરા-સબ રજીસ્ટ્રારના ત્રણ ઝોન-મામલતદાર-પ્રાંત અને પુરવઠાની રાશનકાર્ડ કામગીરીને અસર : સસ્તા અનાજના દુકાનદારોની પણ વ્યાપક ફરીયાદોઃ સર્વરના ધાંધીયા યથાવત ગયા મહિને સતત ૮ દિ'થી સર્વર ઠપ્પ હતું: પુરવઠા તંત્ર કશુ કરતુ નથીઃ ઉપર કોઇ સાંભળતું નથીઃ દર મહિને અંગૂઠાના નિશાનની શું જરૂર છેઃ ઉભા થયેલા વેધક સવાલો

રાજકોટ તા. ૩ :.. દિવાળી ટાણે જ કલેકટર તંત્ર અને તેની બ્રાંચો લોકોને હેરાન-પરેશાન કરી રહી છે, વિગત એવી છે કે જૂની કલેકટર કચેરીમાં ગઇકાલ અને આજ એમ બે દિવસથી ઓનલાઇન સર્વર ઠપ્પ થઇ જતા સેંકડો લોકોને ભારે અસર પહોંચી છે, દેકારો મચી ગયો છે., અને કયારે સરખુ ચાલે થશે તે નકકી ન હોય, કલેકટર - એડી. કલેકટર સુધી ફરીયાદો પહોંચી છે, પરંતુ આજે બપોરે ર સુધીમાં હજુ કાંઇ યોગ્ય થયું નથી.

સાધનોના  જણાવ્યા મુજબ મોચી બજાર પાસે કોર્પોરેશન મોટો ફલાર ઓવર-બ્રીજ બનાવી રહયું છે, તેનું ખોદકામ ચાલુ છે, અને તેમાં બીએસએનએલ.નો કેબલ કપાઇ જેના જૂની કલેકટર કચેરીની તમામ ઓન લાઇન કામગીરીને ગંભીર અસર પહોંચી છે.

જૂની કલેકટર કચેરીમાં બેસતી ત્રણેય પ્રાંત કચેરી, બે મામલતદાર કચેરી, ઇ-ધરાના ત્રણેય કેન્દ્રોમાં ૭/૧ર, ૮-અ ના ઉતારા-નકલો-ખરી નકલો ઉપરાંત દસ્તાવેજો - સાટાખત ઓનલાઇન કરતી ઝોનલ કચેરી નં. ૧, ર, અને ૮ નું સર્વર ઠપ્પ થતા દસ્તાવેજો અટકી પડયા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે ર દિ'થી લોકો ઉમટે છે, પરંતુ સર્વર ઠપ્પ હોવાને કારણે સેંકડો લોકોને ધકકા થયા છે, લોકોમાં ભારે રોષ છે, કલેકટરને ફરીયાદો થઇ છે.

આ ઉપરાંત પુરવઠાની ઝોનલ-૧ કચેરી, અને રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં બેસતી પુરવઠાની રાશનકાર્ડ કામગીરીને પણ ગંભીર અસર પહોંચી છે, આ સર્વર કયારે ચાલતુ થશે તે નકકી નથી, દિવાળી ટાણે જ લોકોની કામગીરીને ભારે અસર પહોંચી છે. આ ઉપરાંત રાશનીંગ દુકાનદારો પણ રાડ પાડી ઉઠયા છે, સર્વ ધીમૂ ચાલતુ હોવાની વ્યાપક ફરીયાદો છે, તો અંગૂઠા - આંગળીઓના નિશાન પણ વારંવાર મીસ મેચ થતા હોય, દૂકાનદારો - કાર્ડ હોલ્ડરો વચ્ચે તડાફડીના બનાવો વધ્યા છે, ગયા મહિને તો સતત ૮ દિ' સર્વરનો લોચો ઉભો થયો હતો, પુરવઠા તંત્ર કશુ કરે તેવી માગણી ઉઠી છે.

(2:53 pm IST)