Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ખરીદેલ ખેતીની જમીનના વિવાદી પ્રકરણમાં વાંધદાર દ્વારા કલેકટર સમક્ષ થયેલ વાંધા અરજી

રાજકોટ, તા. ૩ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (ખંઢેરી સ્ટેડીયમ) દ્વારા ખંઢેરીના રે.સ.નં.રપ૧ની જમીન હે. ૭-૧૮-૩૬ બિનખેતીમાં ફેરવવા કરવામાં આવેલ અરજી અનુસંધાને મુળ ખેડુતના પુત્રી મીણબાઇબેન દેશળભાઇ જળુએ વિકાસ કે. શેઠ, એડવોકેટ મારફત તેના લેખિત વાંધા કલેકટર સમક્ષ જાહેર કરેલ છે.

વાંધેદાર મીણબાઇબેન જળુએ કલેકટરશ્રીમાં રજૂ કરેલ વાંધામાં જણાવેલ છે કે જયારે બિનખેતી માટેની કલેકટરશ્રી પાસે અરજી આવે ત્યારે જે તે જમીનનું રેવન્યુ રેકર્ડ યોગ્ય રીતે મેઇન્ટેઇન થયેલું છે કે કેમ અને લેન્ડ રેવન્યુ કાયદા પ્રમાણે જે ખેડૂત પાસેથી ઉતરોતર તબદીલી થઇ છે તે સવાલ વાળી ખેતી જમીન ધારણ કરવા હકકદાર હતા કે કેમ ? તે કલેકટરશ્રીએ જોવું તપાસવું ફરજીયાત છે. તેમજ જે ખેતી જમીન બાબતે બિનખેતી માંગવામાં આવેલ છે. તેમાં કોઇ પણ વ્યકિતનો કાયદેસર હકક પોસાયેલો છે કે કેમ અને બિનખેતી આપવાથી તેના હકકોને નુકશાન પહોંચે તે છે કે કેમ તે વિગતો પાસવી જરૂરી બને છે.

ખંઢેરીની ઉપરોકત જમીન બાબતે મુળ ખેડૂતના પુત્રી મીણબાઇબેન જળુએ તેના વાંધામાં જણાવેલ છે કે સદરહું ખંઢેરીની જમીન તેના પિતાશ્રી સ્વ. દેશળભાઇ ઉકાભાઇએ તેમના નાના સાળા અરજણ દેશા સાથે ર.દ.નં. રપ૩, તા. ૦૪/૧ર/૬૧ની વિગતે ખરીદ કરેલ હતી. જે તે સમયે તેના પિતાશ્રી ખાતેદાર ખેડૂત ન હતાં જેથી કાયદાના પ્રબંધો મુજબ તે ખેતી જમીન ખરીદવા કે ધારણ કરવા હકકદાર ન હતા. સને ૧૯૬રમાં તેના પિતાશ્રી ગુજરી ગયેલ ત્યારબાદ વાંધેદાર મીણબાઇબેનના ભાઇઓએ સને ૧૯૬૬ સુધી રેવન્યુ રેકર્ડમાં વારસાઇ કરી, નામ દાખલ કરાવવા કોઇ કાર્યવાહી કરેલ નહીં.

ત્યારબાદ મીણબાઇબેનના ભાઇઓ નારણભાઇ દેશળભાઇ તથા કરશનભાઇ દેશળભાઇએ તા. ૧૭/૦૭/૧૯૬૭ ના રોજ તેઓએ વ્યકિતગત રીતે ખેતી જમીન ખરીદ કરેલ છે તેવી ગેર રજુઆત સાથે રેવન્યુ રેકર્ડમાં નોંધ દાખલ કરાવવા પ્રયાસ કરેલ. જે તે સમયે તેઓના માતા તથા વાંધદાર મીણબાઇબેનનું નામ છુપાવવામાં આવેલ તેમજ સ્વ. દેશળભાઇએ ખરીદ કરેલ જમીનનો દસ્તાવેજ રજુ નહીં કરતા જે તે વારસાઇ નોંધ રદ થયેલ.

આવા વાંધાઓ સુલટાવ્યા વગર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનએ મિલ્કત વેચનાર (વાંધેદાર મીણબાઇબેનના ભાઇઓના વારસદારો) પાસેથી ખેતી જમીનનો દસ્તાવેજ લખાવી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મીણબાઇબેન દેશળભાઇ જળુએ વારસા હકકવાળી મિલ્કતમાંથી પાર્ટીશન મેળવવા તથા તેના વારસાઇ હકકને ઉવેખીને રાજકોટ કોર્ટમાં વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા સ્પે.દિ. કેસ નં. ૧પ૬/૧૯ દાખલ કરવામાં આવેલ છે. તેમાં સ્વ. દેશળભાઇ ઉકાભાઇ જળુની મિલ્કત બાબતે વારસા સર્ટીફીકેટ મેળવવા દિ.પ.અ. ૬૭ર/૧૯ની વિગતે કાર્યવાહી કરવામાં આવેલ છે. આ વિગતો પણ છુપાવી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનએ અને મિલ્કત વેચનારાઓએ ડેપ્યુટી કલેકટરમાંથી ખેતી જમીન ખરીદવા પરવાનગી મેળવેલ છે જેના સામે એસ.એસ.આર.ડી.માં અપીલ પણ પેન્ડીંગ છે, પરંતુ લોકડાઉનના કારણે સીવીલ કોર્ટમાં કે એસ.એસ.આર.ડી.માં કાર્યવાહી આગળ ચાલી શકેલ નથી. તેનો ગેરલાભ લઇ કલેકટર પાસે અધુરી વિગતો રજૂ કરી, તેઓને ગેરમાર્ગે દોરી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનએ બિનખેતીની પરવાનગી મેળવવા પ્રયાસ કરતાં વાંધેદાર મીણબાઇબેનએ તેના લેખિત વાંધા તથા આશરે ર૦ જેટલા પુરાવાઓ રજૂ કરી, બિનખેતી આપતા પહેલા તેઓને સાંભળવા માટે રજુઆત કરેલ છે.

વાંધેદારએ તેમના એડવોકેટ વિકાસ કે. શેઠ, મારફત વાંધા લઇને રજુઆત કરેલ છે. હવે ઉપરોકત વિવાદસ્પદ અને ચર્ચાસ્પદ કેસમાં કલેકટરશ્રી આગળ શું કાર્યવાહી કરે છે તે બાબતે તમામ લોકોની મીટ મંડાયેલ છે.

કલેકટરશ્રી સમક્ષની તથા કોર્ટ કાર્યવાહીમાં વાંધદાર મીણબાઇબેન દેશળભાઇ જળુ વતી વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, રાજદીપ દાસાણી તથા રાજ રતનપરા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(2:55 pm IST)